મુસ્લિમો પહેલા હિન્દુ હતા, તમામની સંસ્કૃતિ એક જ: આઈએએસ નિયાઝ ખાન

Saturday 15th March 2025 07:35 EDT
 
 

ભોપાલ: મધ્ય પ્રદેશના આઈએએસ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આઈએએસ અધિકારી નિયાઝ ખાનનું કહેવું છે કે ભારતમાં તમામ લોકો હિન્દુ છે, ઇસ્લામ અરબી ધર્મ છે. ભારતમાં રહેનારા લોકો હિન્દુમાંથી મુસ્લિમ બનેલા છે. બાકી આપણા તમામ ભારતીયોનું લોહી એક જ છે. અરબી સંસ્કૃતિમાં માનનારા મુસ્લિમો પહેલા હિન્દુઓને ભાઈ તરીકે સ્વીકારે તેવી સલાહ આપતા નિયાઝ ખાને ‘બ્રાહ્મણ ધી ગ્રેટ’ નામનું પુસ્તક લખ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને નિયાઝ ખાને કહ્યું હતું કે ઇસ્લામ અરબી ધર્મ છે, અહીંયા ભારતમાં તમામ લોકો હિન્દુ હતા, લોકો હિન્દુમાંથી મુસ્લિમ બનેલા છે. તેથી બન્નેનો ધર્મ અલગ હોઈ શકે, પરંતુ બન્નેના લોહી એક જ છે. આપણે તમામ લોકો એક જ સંસ્કૃતિનો હિસ્સો છીએ. તેમણે મુસ્લિમોને સલાહ આપતા કહ્યું હતું કે જે મુસ્લિમો અરબી સંસ્કૃતિને પોતાનો આદર્શ માને છે તેમણે ફરી વિચારવું જોઈએ. તેમણે કહ્યું હતું કે વિદેશી શાસકો આવ્યા. ધર્માંતરણ કરાવ્યું છે તે બાદ ઇસ્લામ, ખ્રિસ્તી કે અન્ય ધર્મના ફાટા પડયા, બાકી આપણે સૌ ભારતીયો હિન્દુ જ છીએ. મારો ઉદ્દેશ્ય સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે,

બાદમાં આ આઇએએસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે હાલમાં હિન્દુ મુસ્લિમોને લઈને જે ચર્ચા ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને મેં આ પોસ્ટ કરી હતી. આ રાષ્ટ્ર શરૂઆતથી જ હિન્દુ રાષ્ટ્ર રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિદેશી શાસકો આવ્યા તેમણે ધર્માંતરણ કરાવ્યું છે તે બાદ ઇસ્લામ, ખ્રિસ્તી કે અન્ય ધર્મના ફાટા પડયા, બાકી આપણે સૌ ભારતીયો હિન્દુ જ છીએ. મારો ઉદ્દેશ્ય સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે, દરેક ધર્મનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. જો કોઈ મારા ડીએનએનો ટેસ્ટ કરાવશે તો તે ભારતીય જ હશે, અરબી નહીં હોય. મેં દેશના બંધારણની હદમાં રહીને મારા વિચાર રજૂ કર્યો છે, જેમને પ્રતિક્રિયા આપવી હોય તે બંધારણી રસ્તે પોતાનો જવાબ આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter