મારા માટે ગત મહિનો યાત્રાઓ સંદર્ભે ભારે વ્યસ્ત બની રહ્યો હતો. લગભગ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી હું પ્રવચનો, અંતિમસંસ્કારની પ્રાર્થના અને ઉપદેશો, આધ્યાત્મિક મેળાવડાઓ અને અંગત બેઠકોમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓ વિશે બોલતો આવ્યો છું. હવે હું ખુદ મારા પોતાના જીવનમાં આવી જ વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યો છું. ખરેખર, આ તુરત ગળે ઉતારી જવાય તેવી મીઠીમધ ગોળી તો નથી જ.
ભગવદ્ ગીતા સમજાવે છે તેમ આપણે ભૌતિક યાત્રા પર નીકળેલા આધ્યાત્મિક જીવ છીએ. આ જીવન ગ્રંથનું એક પ્રકરણ માત્ર છે, અને હવે આપણામાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો જાય છે તે અનુસાર બાકી રહેલી અણદીઠી વાર્તા ખુલતી જાય છે. આપણી વર્તમાન પરિસ્થિતિ આપણી ભૂતકાળની પ્રવૃત્તિઓ-કર્મોનું જ પરિણામ છે, અને આપણે તેનો જેવો પ્રતિભાવ અત્યારે આપીશું તેનાથી આપણું ભવિષ્ય નિશ્ચિત થશે. આ પ્રમાણે વ્યાપક ફલકનું ચિત્ર નિહાળવાથી દરેક બાબત પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાય છે.
પ્રેમાળ પિતા અલગ અલગ માર્ગે પોતાના સંતાનનું ઘડતર કે ઉછેર કરે છે. કદીક તે મીઠાશપૂર્ણ બોલથી તેની સરાહના-કદર કરે છે તો ઘણી વાર કડક ચેતવણી પણ આપે છે. આ બંને સમાનપણે આવશ્યક છે અને આ બંને પાછળ તેમનો અતુલ્ય સ્નેહ, કાળજી અને ચિંતા જોવા મળે છે. આ જ રીતે, ઈશ્વર પણ આપણને પ્રોત્સાહન-હિંમત અને પડકારો આપે છે. મારા જીવનનો આ ચોક્કસ તબક્કો કદાચ મેં સામનો કરી હોય તેવી સૌથી મોટી પરીક્ષા હશે. આ ભાવિના ગર્ભમાં કદાચ સૌથી મહાન તક પણ છુપાયેલી છે. શાંતિ એ માત્ર અશાંતિ કે ચિંતાતુરતાની ગેરહાજરી નથી, પરંતુ સર્વત્ર અને સદાકાળ ઈશ્વરની ઉપસ્થિતિ જ છે. આ અનુભવ મને ચોક્કસપણે ઈશ્વરની નિકટ જ લઈ જઈ રહ્યો છે.
આથી, હું દ્વિભાવી લાગણીઓ અનુભવી રહ્યો છું. એક તરફ, મેં જેઓની સાથે આટલો બધો સમય વીતાવ્યો છે તેવા મારા આધ્યાત્મિક મિત્રો અને પરિવાર પ્રત્યે કુદરતી સ્નેહ, કાળજી અને ચિંતા છે. અમે એકબીજાની સતત સેવામાં રહ્યા છીએ અને ઘણા પડકારજનક સંજોગોમાંથી પસાર થયા છીએ. ઘણું ઘણું કરવાની અમારી યોજનાઓ છે અને અલગ થવાની કલ્પના-વિચાર પણ પીડાજનક છે. બીજી તરફ, મારી પોતાની આધ્યાત્મિકતાને વધુ ઊંડાણમાં લઈ જવાની અપેક્ષા, તાકીદ, અવસર અને ઉત્તેજનાની સાથોસાથ આ પરીક્ષાનો ઉપયોગ કરી ઈશ્વરની સન્મુખ થવું છે. મૃત્યુનું પૂર્વાનુમાન- સંભાવના તમારી આધ્યાત્મિકતાને જીવંત બનાવે છે!
સૌથી હૃદયસ્પર્શી બાબતોમાં એક એ છે કે મને હિંમત રાખવાના સંખ્યાબંધ સંદેશા પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈશ્વરના સાચા અને નિષ્ઠાવાન ભક્તો તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે તેની જાણકારી જ તમને અસાધારણ પ્રેરણા અને ઉત્સાહ પૂરા પાડે છે. દિવસો પસાર થતા જાય છે તેમ હું આગળ વધતો જાઉં છું અને ભાવિના ગર્ભમાંથી શું રહસ્ય ખુલે છે તેની રાહ જોતો રહું છું. આ રહસ્ય કશું પણ હશે, મને તેમાંથી પસાર થવાની સહાય કરવા માટે પ્રભુ કૃષ્ણ ત્યાં હાજર જ હશે તેમાં મને કોઈ સંદેહ નથી.