લંડન જેવા મોટા પશ્ચિમી શહેરના પ્રથમ મુસ્લિમ અને બ્રિટિશ એશિયન વ્યક્તિ તરીકે મેયર બનીને સાદિક ખાને ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ સામાજિક રીતે હાંસિયા પાછળ ધકેલાઈ ગયેલા હોવાનું સાચી કે ખોટી રીતે માનતા યુવા યુરોપિયન મુસ્લિમો માટે નવા આદર્શ સમાન પૂરવાર થયા છે. સાદિક ખાન યુકેમાં અગ્રણી મુસ્લિમ છે એટલું જ નહિ, પરંતુ મોટા પશ્ચિમી શહેરના સૌ પ્રથમ મુસ્લિમ મેયર છે. ઈસ્લામોફોબિયા વધી રહ્યો છે તેવા સમયે સિટી હોલમાં તેમનું આગમન બહુસંસ્કૃતિવાદની ઉજવણી અને ઉદ્દામવાદ માટે પરાજય સમાન છે.
મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધમાંથી તેમને ‘મુક્તિ’ આપવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સાદિક ખાને ફગાવી દીધી હતી અને પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવારની ઈસ્લામ વિશેના અજ્ઞાન અંગે ટીકા કરી હતી.
ભારતની મુલાકાતની ઈચ્છા
સાદિક ખાને લંડનના ભારતીય સમુદાયની પડખે રહેવાના અને ભારત સાથે લંડનની મિત્રતાને વધુ ગાઢ બનાવવા અંગેના પોતાના ઈરાદા પણ જાહેર કર્યા છે. પોતાને લંડનના અત્યાર સુધીના ‘સૌથી વધુ બિઝનેસ તરફી’ મેયર ગણાવીને તેમણે ભારતની મુલાકાત લેનારા વેપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંભાળવાનો રસ દર્શાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કદાચ મળશે.
તાજેતરમાં નીસડનના સ્વામિનારાયણ મંદિર પ્રત્યે પોતાની અભિરુચિ વ્યક્ત કરતી એક પોસ્ટ ફેસબુક પર મૂકીને તેમણે સમુદાયના લોકોના દિલ જીતી લીધા છે. મેયર તરીકે ચૂંટાયા તેના થોડા દિવસ અગાઉ મંદિરની મુલાકાતના ખાનની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત થઈ છે. આ ફોટામાં તેઓ મંદિરમાં અન્ય ધર્મના લોકો સાથે પણ વાતચીત કરતા જણાય છે. હિંદુ રિવાજ મુજબ તેઓ એક પુજારી સમક્ષ નાડાછડી બંધાવવા માટે પોતાનો હાથ લંબાવતા પણ દેખાયા હતા.
‘અયોગ્ય વિઝા પ્રતિબંધો’ને પડકાર
નવા મેયરે હાલની કન્ઝર્વેટીવ સરકારના ‘અયોગ્ય વિઝા પ્રતિબંધો’ને પડકારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે આ પ્રતિબંધોને લીધે બિઝનેસ એકમોને શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલી પડે છે.
‘હોપર’ ટિકિટની જાહેરાત
ગયા સપ્તાહે સાદિક ખાને નવી ‘હોપર’ ટિકિટની જાહેરાત કરી હતી. આ ટિકિટ લઈને લોકો આગામી સપ્ટેમ્બરથી ૧.૫૦ પાઉન્ડના ખર્ચે ૬૦ મિનિટના ગાળામાં બે બસની મુસાફરી કરી શકશે. હેકનીના લેબર કાઉન્સિલર જોનાથન મેકશેન દ્વારા સૌપ્રથમ સૂચવાયેલી આ સ્પર્ધાએ ભારે રસ ઉભો કર્યો છે. વધુમાં વધુ લોકો આ સ્પર્ધામાં જોડાઈ લંડનને જાણી અને માણી શકે તેવો હેતુ છે.
વધુ સશસ્ત્ર ઓફિસર્સ મૂકાશે
આતંકવાદના ખતરાને ધ્યાનમાં લઈને આવતા વર્ષે વધારાના ૪૦૦ આર્મ્ડ ઓફિસર્સને ફરજ પર મૂકવાની જાહેરાત કરતા સાદિક ખાને જણાવ્યું હતું કે લંડનવાસીઓની સુરક્ષા કરતા અન્ય કોઈ જ બાબત મહત્ત્વની નથી. રાજધાની લંડન પર પેરિસ સ્ટાઈલનો સશસ્ત્ર હુમલો થાય તેવી પરિસ્થિતિમાં સશસ્ત્ર પોલીસના પ્રતિભાવનું પરીક્ષણ કરતી તાલીમ કવાયત પણ ખાને નિહાળી હતી. મેયર ખાન અને સ્કોટલેન્ડ યાર્ડના વડા સર બર્નાર્ડ હોગાન-હોવે જણાવ્યું હતું કે ફરજ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરનારા ૬૦૦માંથી ૪૦૦ ઓફિસર્સની ટ્રેનિંગ આગામી એપ્રિલમાં પૂરી થશે.
નકાબ પહેરવા સામે પ્રશ્ન
બીજી બાજુ પોતાના સમાજ વિશે વાત કરતા ખાને જણાવ્યું હતું કે કેટલીક મુસ્લિમ મહિલા પાટનગરમાં હિજાબ અને નકાબ શા માટે પહેરે છે તેનો પ્રશ્ર પૂછવો છે. તેમણે લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ સાથેની મુલાકાતમાં તેઓ ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં લંડનમાં ઉછરી રહ્યા હતા તે સમયગાળામાં મુસ્લિમ સ્ત્રીઓનાં પોશાક અને અત્યારના પોશાક વચ્ચે વિરોધાભાસ દર્શાવ્યો હતો. અન્ય અહેવાલ અનુસાર તેમણે કહ્યું હતું કે,‘હું નાનો હતો ત્યારે લોકો હિજાબ કે નકાબમાં જોવાં મળતાં ન હતાં એટલું જ નહિ, પાકિસ્તાનમાં પરિવારની મુલાકાતે ગયો હતો ત્યારે પણ કોઈને આ રીતે જોયા ન હતા. લંડનમાં આપણે આગળ વધ્યા છીએ. લોકો સમાન પોશાક પહેરે છે. જે લોકો અહીં જન્મ્યા અને ઉછર્યા છે તેઓ હિજાબ અથવા નકાબ પહેરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું, ‘ મહિલાઓ પ્રત્યે અલગ વર્તનને લોકો યોગ્ય માનતા થયા હોય અથવા તેમને ફરજ પડાતી હોય તો તે યોગ્ય નથી. મને ચિંતા છે કે બાળકોને આવી જીવનશૈલીની ફરજ પડાય છે.’ તેમણે સૂચવ્યું હતું કે પબ્લિક સર્વિસ પૂરી પાડતા લોકો સાથે વાતચીત કરતી વખતે ચહેરો ઢાંકે તેવો નકાબ પહેરવો કે નહીં તે વિશે મુસ્લિમ મહિલાઓએ વિચારવું જોઈએ.