લંડનઃ પોલિટિક્સ, સાયન્સ, સ્પોર્ટ્સ, ટેકનોલોજી અથવા સાહિત્ય, કોઈ પણ વિષય એવો નથી જેમાં સ્ત્રીઓ દ્વારા મહત્ત્વપૂર્ણ પ્રદાન કરાયું ન હોય. આથી, સૌથી મહાન પ્રદાન કરનારી સ્ત્રીને શોધવાનું કાર્ય વાસ્તવમાં મુશ્કેલ બની રહે છે. જોકે, નિષ્ણાતોએ આખરે આ યાદી તૈયાર કરી છે, જેમાં વિશ્વમાં સૌથી વધુ પરિવર્તન લાવનારી અને સૌથી પ્રભાવશાળી સ્ત્રી તરીકે પોલીશ કેન્સર સંશોધક મેરી ક્યૂરીને પ્રથમ સ્થાન અપાયું છે.
બીબીસી હિસ્ટરી મેગેઝિન દ્વારા ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી સ્ત્રીઓ વિશેના પોલમાં યુએસ નાગરિક અધિકારોના હિમાયતી રોઝા પાર્ક બીજા અને મહિલાઓનાં મતાધિકાર માટે લડત ચલાવનાર બ્રિટિશર એમેલીન પેન્કહર્સ્ટ ત્રીજા સ્થાને મૂકાયાં છે. પૂર્વ વડા પ્રધાન અને આયર્ન લેડી માર્ગારેટ થેચર છઠ્ઠાં, લેડી વિથ લેમ્પ ફ્લોરેન્સ નાઈટિંગલ ૧૦મા, પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેના ૧૫મા, ક્વીન વિક્ટોરિયા ૧૭મા અને દયાની દેવી ગણાયેલાં મધર ટેરેસા ૨૦મા ક્રમે છે. બીબીસી હિસ્ટરી મેગેઝિને ૧૦ નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલી ‘100 women who changed the world’ યાદી તૈયાર કરી હતી, જેના પર તેના વાંચકોએ મતદાન કર્યું હતું.
પ્રણેતા પોલીશ વૈજ્ઞાનિક મેરી ક્યૂરી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાં બે નોબેલ પ્રાઈઝ જીતનારાં પ્રથમ વ્યક્તિ હતાં. બ્રિટિશ સોસાયટી ફોર ધ હિસ્ટરી ઓફ સાયન્સના પેટ્રિશિયા ફારાના જણાવ્યાં અનુસાર બીજું નોબેલ પ્રાઈઝ જીતનારાં તેઓ પ્રથમ વ્યક્તિ હતાં.તેમણે ૨૦મી સદીનાં આરંભમાં રેડિયોએક્ટિવિટી વિશે પાયાનું સંશોધન કર્યું હતું. તેમની શોધના પરિણામે એક્સ-રે અને કેન્સરની સારવારનો વિકાસ શક્ય બન્યો હતો. તેમનું બાળપણ ભારે મુશ્કેલીમાં વીત્યું હતું. તેમણે પેરિસમાં સોર્બોન ખાતે અભ્યાસ કર્યો હતો અને ફિઝીસિસ્ટ પિયરી ક્યૂરી સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીનું જીવન વિજ્ઞાનને વરેલું હતું. લાંબો સમય રેડિયેશન સાથે કામ કરવાના પરિણામે તેઓ લ્યૂકેમિયાનો શિકાર બન્યાં હતા. ૧૯૩૪માં ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું.
બીજા ક્રમે રોઝા પાર્ક્સ છે, જેમણે યુએસમાં શ્વેત પ્રવાસી માટે પોતાની બેઠક આપવાનો ઈનકાર કરી વંશીય ભેદભાવનો વિરોધ કરવા સાથે નાગરિક અધિકારો માટે લડત ચલાવી હતી. ત્રીજા ક્રમે બ્રિટિશ મહિલાઓનાં મતાધિકાર માટે લડત ચલાવનારાં એમેલીન પેન્કહર્સ્ટ છે.
બીબીસી હિસ્ટરી મેગેઝિનનાં ડેપ્યુટી એડિટર શાર્લોટ હોજમેને જણાવ્યું હતું કે,‘આ પોલથી ઈતિહાસમાં ખરેખર અસામાન્ય ગણાય તેવી સ્ત્રીઓ પર પ્રકાશ પડ્યો છે, જેમની સિદ્ધિઓ અને પ્રતિભા તેમના જીવનકાળમાં નજરઅંદાજ કરાઈ હતી.વધુ અજાણ્યાં નામોને પ્રથમ ૨૦ની યાદીમાં સ્થાન મળ્યું છે તે આનંદની બાબત છે.’ આમ છતાં, આ યાદી વિવાદ સર્જે તેવી પણ શક્યતા છે. એવો પ્રશ્ન કરાયો છે કે માર્ગારેટ થેચર માટે છઠ્ઠું કે પ્રિન્સેસ ઓફ વેલ્સ માટે ૧૫મું સ્થાન બરાબર છે? અથવા તો વિશ્વ ઈતિહાસમાં ઈસુ ખ્રિસ્તની માતા વર્જિન મેરી (૧૨મું સ્થાન)ની સરખામણીએ ફ્રાન્સના લૂઈ સાતમા અને ઈંગ્લેન્ડના હેન્રી દ્વિતીયની શક્તિશાળી પત્ની ક્વીન એલેનોર ઓફ એક્વિટાઈન (૧૧મું સ્થાન)નો પ્રભાવ વધુ ગણી શકાય?
આ યાદીમાં રાજકીય કર્મશીલોની તેમજ કળાકારોની સરખામણીએ વિજ્ઞાનીઓની સંખ્યા વધુ રહી છે. ક્યૂરી ઉપરાંત, પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર ગણાતી એડા લવલેસ તથા ડીએનએના માળખાને સમજવામાં નોંધપાત્ર સાબિતી આપનાર ક્રિસ્ટલોગ્રાફર રોઝાલિન્ડ ફ્રેન્કલિન અને ફેમિલી પ્લાનિંગ હિમાયતી, વનસ્પતિશાસ્ત્રી મેરી સ્ટોપ્સનો પ્રથમ ૧૦માં સમાવેશ થાય છે. બીજી તરફ, ટોપ ૨૦માં એકમાત્ર બ્રિટિશ નવલકથાકાર જેન ઓસ્ટીનને સ્થાન અપાયું છે.
બીબીસી હિસ્ટરી મેગેઝિનની યાદીમાં ટોપ ૨૦ પ્રતિભા
(૧) રેડિયેશનના શોધક મેરી ક્યુરી, (૨) નાગરિક અધિકારોના હિમાયતી રોઝા પાર્ક્સ, (૩) મહિલા મતાધિકારના ચળવળકાર એમેલીન પેન્કહર્સ્ટ, (૪) પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર એડા લવલેસ , (૫) ક્રિસ્ટલોગ્રાફર રોઝાલિન્ડ ફ્રેન્કલિન, (૬) આયર્ન લેડી માર્ગારેટ થેચર, (૭) ફિલાન્થ્રોપિસ્ટ એન્જેલા બર્ડેટ-કોટ્સ, (૮) આધુનિક નારીવાદના સ્થાપક લેખિકા મેરી વોલસ્ટોનક્રાફ્ટ, (૯) ફ્લોરેન્સ નાઈટિંગલ, (૧૦) બર્થ કંટ્રોલના ચળવળકાર મેરી સ્ટોપ્સ, (૧૧) મધ્યકાલીન ક્વીન એલેનોર ઓફ એક્વિટાઈન, (૧૨) ધ વર્જિન મેરી, (૧૩) નવલકથાકાર જેન ઓસ્ટીન, (૧૪) બૌડિક્કા, (૧૫) ડાયેના પ્રિન્સેસ ઓફ વેલ્સ, (૧૬) એમીલિયા એરહાર્ટ, (૧૭) ક્વીન વિક્ટોરિયા, (૧૮) નારી અધિકાર કર્મશીલ જોસેફાઈન બટલર, (૧૯) મેરી સીકોલ, (૨૦) મધર ટેરેસા