લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના લંડન મેયરપદના ઓક્સફર્ડમાં શિક્ષિત મિલિયોનેર ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથે બ્રિટિશ ભારતીયોનાં મત હાંસલ કરવા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની તસવીરોનો પત્રિકાઓમાં ઉપયોગ કર્યો છે. ઝેકના હરીફ અને લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાન પાકિસ્તાની ઈમિગ્રન્ટ્સના પુત્ર છે. વર્તમાન મેયર બોરિસ જ્હોન્સનની મુદત પૂર્ણ થતી હોવાથી પાંચમી મેએ મેયરપદની ચૂંટણી થનાર છે.
લેબર રાજકારણી સાદિક ખાન પાકિસ્તાની બસ ડ્રાઈવરના પુત્ર તરીકે પોતાના મૂળિયાં વર્કિંગ ક્લાસના હોવાની જોરશોરથી જાહેરાત કરી રહ્યા છે. ખાન સામે સરસાઈ મેળવવા ગોલ્ડસ્મિથની ટીમ ગત નવેમ્બરમાં યુકેની મુલાકાતે આવેલા ભારતીય વડા પ્રધાન મોદી સાથે હસ્તધૂનન કરતા ઝેકની તસ્વીરોનો ઉપયોગ પ્રચાર પત્રિકાઓમાં કરી રહી છે. આ પત્રિકામાં વડા પ્રધાન ડેવિડ કેમરનની હાજરી પણ વર્તાય છે. ઝેક ગોલ્ડસ્મિથ સ્વ. જેમ્સ ગોલ્ડસ્મિથના પુત્ર તેમજ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન કાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથના ભાઈ છે.
પત્રિકાના સંદેશામાં જણાવાયું છે કે,‘સ્ટેન્ડિંગ અપ ફોર બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી.’ જોકે, ૪૧ વર્ષીય ઝેકની રણનીતિનો વિપરીત પ્રત્યાઘાત પણ આવ્યો છે. ભારતીય કોમ્યુનિટી સાથે ગાઢ નાતાના સંદર્ભે તેમણે દિવાળી, નવરાત્રિ અને જન્માષ્ટમી ઉત્સવોનો જ ઉલ્લેખ કર્યો હોવાથી તેમને હિન્દુ પક્ષપાતી તરીકે ઓળખાવાયા છે. ગોલ્ડસ્મિથની ટીમે લંડનના તામિલ મૂળની વસ્તી માટે એક સરખા પત્રો તૈયાર કરાવ્યા છે, જેમાં ખાન પારિવારિક જ્વેલરી પર વેલ્થ ટેક્સ લાદવા માગતા હોવાની ચેતવણી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે તામિલ વસ્તીના ઘરમાં અતિ કિંમતી જ્વેલરી હોવી સ્વાભાવિક છે. ગોલ્ડસ્મિથના પત્રમાં લંડનના મેયર તરીકે લંડનવાસીઓ અને તામિલ પરિવારોને કિંમતી જ્વેલરીની ચોરીથી બચાવવાની બાંહેધરી અપાઈ છે.
બીજી તરફ, હેમ્પસ્ટડ અને કિલ્બર્નના લેબર સાંસદ ટુલિપ સિદ્દિકે આ પદ્ધતિને મત હાંસલ કરવા ભયનું વાતાવરણ સર્જવા સમાન ગણાવી હતી. ટોરીઝ લંડનના મેયરપદની ચૂંટણીમાં મરણિયા અને નકારાત્મક પ્રચારમાં લાગ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.