સોમનાથઃ ઉત્તરાખંડના કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સોમવારે સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. પ્રથમ વખત 1008 યાત્રીએ માત્ર 18 દિવસમાં દેશભરમાં ત્રણ ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે. આ દરમિયાન પૂ. મોરારિબાપુએ 13 સ્થળોએ રામકથા પણ સંભળાવી હતી.
કેદારનાથથી ઉતર્યા પછી 23 જુલાઈના રોજ હૃષિકેશથી દેશભરનાં તમામ તીર્થસ્થાનોની યાત્રા બે ભારત ગૌરવ ટ્રેન કૈલાશ અને ચિત્રકૂટ દ્વારા પૂર્ણ થઈ હતી. ટ્રેન દ્વારા આ પ્રકારની પ્રથમ યાત્રા હતી, જેમાં દેશનાં તમામ ધામો અને જ્યોતિર્લિંગો સુધી પહોંચવા માટે ટ્રેને 12,000 કિમીની મુસાફરી કરી હતી.
યાત્રાના સમાપન દરમિયાન સોમનાથમાં સમુદ્રદર્શન પથ ૫૨ 1008 શિવલિંગનો સામૂહિક અભિષેક કરાયો હતો. પૂ. મોરારિબાપુએ અહીં રામકથા સંભળાવવાની સાથે શ્રોતાઓ સાથે સામૂહિક ગરબા-મહારાસ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે કોઈ પણ સારાં કાર્યોનો અંત ગાવા અને નૃત્ય સાથે થવો જોઈએ. આ યાત્રા કેવળ આધ્યાત્મિક યાત્રા હતી. આ યાત્રા દ્વારા કોઈ સંદેશ આપવાનો કે રેકોર્ડ બનાવવાનો કોઈ પ્રયાસ કરાયો નથી. જો ભગવાનની ઈચ્છા હશે તો ભવિષ્યમાં ફરીથી આવી જ કથાયાત્રાનું આયોજન થશે.
આ પાવન યાત્રાનું આયોજન ઇન્દોરના આદેશ ટ્રસ્ટ અને આઇઆરસીટીસી દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. આ ટ્રેનમાં મુસાફરોએ એક લાખ રૂપિયાની ટિકિટ લઈને યાત્રા કરી હતી. યાત્રામાં કેદારનાથ પછી યાત્રિકોએ વિશ્વનાથ (વારાણસી), વૈદ્યનાથ (દેવઘર), જગન્નાથ પુરી, મલ્લિકાર્જુન (શ્રીશૈલમ), રામેશ્વરમ, તિરુપતિ બાલાજી, ઓંધા નાગનાથ, ધૃષ્ણેશ્વર, ભીમાશંકર, ત્રયંબકેશ્વર, ઓમકારેશ્વર (ઉમકારેશ્વર)ની મુલાકાત લઇને દેવાધિદેવ મહાદેવના દર્શન - પૂજાઅર્ચન કર્યા હતા. યાત્રાના સમાપન પૂર્વે નાગેશ્વર અને સોમનાથ મંદિરના દર્શન કરી અભિષેક કર્યો હતો.
યુવાનોની સંખ્યા વિશેષ, 165 એનઆરઆઇ પણ જોડાયા
હવે ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાઓમાં યુવાનોની સંખ્યા વધી રહી છે. રામકથા યાત્રાના 1008 મુસાફરોમાંથી માત્ર 292 મુસાફરો જ 60 વર્ષથી વધુ વયના હતા. બાકીના 716 મુસાફરોમાંથી 21થી 40 વર્ષથી ઓછી ઉંમરના હતા અને 165 એનઆરઆઈ હતા. ભારતીય મુસાફરોમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા અનુક્રમે 421 અને 422 હતી. 10 દેશોના મુસાફરોમાં અમેરિકાના 81, બ્રિટનના 57 યાત્રી હતા.