અોક્સફર્ડ ખાતે આવેલ અોક્સફર્ડ હિન્દુ ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર પ્રોજેક્ટના સહકારથી ભગવાન ગણેશજીની ૮૦૦ વર્ષ જુની પ્રતિમાનું પ્રદર્શન મ્યુઝીયમ અોફ અોક્સફર્ડ ખાતે 'ફોર્ટી યર્સ ફોર્ટી અોબ્જેક્ટ્સ' અંતર્ગત કરવામાં આવ્યું છે. ગણેશજીની આ પ્રતિમાને બ્રિટીશ મ્યુઝિયમ પાસેથી લાવવામાં આવી છે અને અોક્સફર્ડ હિન્દુ સમુદાય દ્વારા દાન આપવામાં આવેલ અન્ય પ્રતિમાઅો સાથે રાખવામાં આવી છે.
બોર્નમથ, બ્રેડફર્ડ, બર્મિંગહામ, લંડન અને કાઉન્ટી ડરહામ સહિતના સાત મ્યુઝિયમમાં મોગલ સમયની આ પ્રતિમાનું પ્રદર્શન કરવામાં આવનાર છે. તા. ૧૨ જાન્યુઆરી સુધી આ પ્રતિમાને મ્યુઝીયમ અોફ અોક્સફર્ડ ખાતે જોઇ શકાશે. મ્યુઝીયમ અોફ અોક્સફર્ડને ૪૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ પ્રતિમાને અોક્સફર્ડ લવાતા સ્થનિક હિન્દુ સમુદાયે પોતાની ગણેશ પ્રતિમાઅો પણ પ્રદર્શન માટે આપી હતી. મૂળ ભારતના અોરીસ્સાથી લવાયેલી આ પ્રતિમાની આગામી યાત્રા સુરક્ષીત અને સુખદ રહે તે આશયે વિદાય પ્રસંગે તા. ૧૨ જાન્યુઆરીના રોજ સાંજે ૫થી ૭-૩૦ દરમિયાન અોક્સફર્ડ ટાઉન હોલ ખાતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ સમુદાયના વડાઅો અને અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. જ્યાં ચા-કોફી, અલ્પાહારનો લાભ મળશે.
અોક્સફર્ડ હિન્દુ ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર પ્રોજેક્ટ દ્વારા કોમ્યુનિટી સેન્ટર ફંડ રેઇઝિંગ પ્લાનનું આયોજન કરવામાં આવનાર છે અને આ સેન્ટરમાં તમામ ધર્મ અને જાતીના લોકોને પ્રવેશ મળી શકશે. આ સેન્ટરનો ઉપયોગ પ્રાર્થના, મીટીંગ અને અન્ય સામાજીક, ધાર્મિક તથા સામુદાયીક કાર્યક્રમો માટે કરી શકાશે. સંપર્ક: જયા પટેલ 07878 413 195.