યુએસમાં 10 દિવસમાં વધુ એક સ્વામિનારાયણ મંદિર પર હુમલાથી સનસનાટી

Wednesday 02nd October 2024 15:50 EDT
 
 

સેક્રામેન્ટોઃ અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મસ્થાન પર ફરી હુમલો થયો છે. 10 દિવસમાં બીજી વખત હિન્દુ ધાર્મિક સ્થળ પર આ રીતે હુમલો કરાયો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુવિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. કેટલાક તત્વોએ ‘હિન્દુઝ ગો બેક’ના સૂત્રો લખ્યા હતા. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. હાલમાં અમેરિકામાં હિન્દુમિશિયા વધી રહ્યો છે.
 
હિન્દુમિશિયા એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓ પ્રત્યે નફરતને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને હિન્દુફોબિયા પણ કહી શકાય. જોકે, બંને વચ્ચેનો તફાવત એ છે કે હિન્દુફોબિયા શબ્દમાં ડરનો સમાવેશ થાય છે જ્યારે હિન્દુમિશિયા હિન્દુઓ પ્રત્યે તિરસ્કાર-અણગમાનો ભાવ દર્શાવે છે. આ હુમલાની માહિતી સ્વામિનારાયણ મંદિર તરફથી એક્સ પર આપવામાં આવી છે.

મંદિર તરફથી લખવામાં આવ્યું હતું કે, ‘ન્યૂ યોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલા બાદ 10 દિવસમાં આ બીજો હુમલો છે. જેમાં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. આ દરમિયાન હિન્દુઓને પાછા જાવના સૂત્રો લખવામાં આવ્યા હતા. અમે આ નફરત સામે સંગઠિત છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.’
સેક્રામેન્ટોની સ્થાનિક સંસ્થાએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં માત્ર તોડફોડ જ નથી કરવામાં આવી પરંતુ ત્યાંની પાઇપલાઇન પણ સમાજવિરોધીઓએ કાપી નાખી છે.
આ તોડફોડ બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા. આ લોકોમાં સ્થાનિક સરકારી અધિકારીઓ અને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટીફન નગુયેન પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 16 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો થયો હતો. ત્યારે પણ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter