લંડનઃ સોમવાર 20 મેએ યુકે-નેપાળ મૈત્રી સમજૂતીની શતાબ્દી ઉજવણી નિમિત્તે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકે-નેપાળ મૈત્રી સમજૂતી પર 1923ની 21 ડિસેમ્બરે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શાંતિ અને મિત્રતાની આ સમજૂતી મહત્ત્વપૂર્ણ હતી કારણકે તેનાથી યુકે દ્વારા નેપાળના સાર્વભૌમત્વ અને આઝાદીને સત્તાવાર માન્યતા અપાઈ હતી. યુકેની નેપાળી કોમ્યુનિટી માટે નંબર 10માં આ પ્રકારનું પ્રથમ રિસેપ્શન હતું અને 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઈન્ડો-પાસિફિક એન મેરી ટ્રેવેલ્યાન સાથે મુલાકાત પણ કરી હતી.
નેપાળી એમ્બેસેડર જ્ઞાનચંદ્ર આચાર્ય અને તેમના પત્ની સુનિતા, પ્રસિદ્ધ અભિનેત્રી મનિષા કોઈરાલા, ઓલિમ્પિક સ્વીમર ગૌરિકા સિંહ, વિક્રમસર્જક અને દિવ્યાંગ પર્વતારોહક હરિ બુધા માગર, નેપાળી કોમ્યુનિટીના અગ્રણી અને યુકે-નેપાળ મિત્રતાના હિમાયતી પ્રશાંત કુંવર, પૂર્વ બ્રિટિશ આર્મી ઓફિસર ટોલ ખામચા, કાઉન્સિલર લાચ્છ્યા ગુરુંગ, રાવિજુંગ લામિછાને, બિક્રમ ભટ્ટારાય, લક્ષ્મી રાય થાપ, જગન કારકી, મોન્ટીના સ્થાપક મહન્તા શ્રેષ્ઠા OBE સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત હતા.
પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક વિદેશ જવા તૈયાર હતા ત્યારે પણ તેમણે રિસેપ્શનમાં નેપાળી કોમ્યુનિટી સાથે વાતચીત કરી હતી. તેમણે મૂળ બ્રિટન-નેપાળ સંધિને નિહાળી હતી અને ક્રિકેટ નેપાળ એસોસિયેશન (CAN)ની ICC T-20 વર્લ્ડ કપ જર્સીની ભેટ આનંદસહ સ્વીકારી હતી. તેમણે યુકે અને નેપાળના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા અને મિત્રતાના પ્રતીકરૂપ ગુરખા અને ડાયસ્પોરા નેપાળી કોમ્યુનિટીના યોગદાનની પણ વાત કરી હતી. અગાઉ, નેપાળી એમ્બેસેડર જ્ઞાનચંદ્ર આચાર્યે યુકે-નેપાળ સંબંધોને બિરદાવવા સાથે આજની ઉજવણીના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. મિનિસ્ટર ઓફ સ્ટેટ એન મેરી ટ્રેવેલ્યાને ઘણા મુદ્દાઓ પર વાત કરવા સાથે નેપાળને ક્લાઈમેટ ચેઈન્જ સહિત વ્યાપક મુદ્દાઓ પરત્વે મદદ કરવા યુકેની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.
રિસેપ્શનમાં નેપાળી વાનગીઓ પીરસવામાં આવી હતી જેમાં, સિન્કી બહામાઝ સાધાકો, આલુ ટામા સેવાઈ, નેપાળી મોમોઝ, પાલપાલી આલુ ચુકુની અને તેપાળી શરબતનો સમાવેશ કરાયો હતો.