યુકેના તમામ ક્રિમેટોરિયમમાં ભગવાન શિવની પ્રતિમા મૂકવા માગ

Wednesday 20th February 2019 04:23 EST
 
 

લંડનઃ લેસ્ટરના ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમના પ્રાંગણમાં ભગવાન શિવની પ્રતિમા અને પૂજા રૂમને આવકારતા હિંદુઓએ યુકેના તમામ ક્રિમેટોરિયમમાં શિવપ્રતિમા મૂકવા અને હિંદુ પૂજા રૂમ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમમાં શિવપ્રતિમા અને ‘પૂજા રૂમ’ યુકેમાં ક્રિમેટોરિયમ ભૂમિ પર પ્રથમ હોવાનું મનાય છે. ભારતથી લવાયેલી ભગવાન શિવની વ્હાઈટ માર્બલની પ્રતિમાનું વજન અંદાજે ૭૭૦ પાઉન્ડ છે.

અમેરિકાના રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે જણાવ્યું હતું કે શોકમગ્ન હિંદુ પરિવારો માટે હિંદુ વાતાવરણ અને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓની ઉપસ્થિતિમાં પરંપરાગત પૂજા કરવાનું મહત્ત્વ હોય છે. ક્રિમેટોરિયમમાં પ્રતિમા અને પૂજા રૂમ હોય તો શોકગ્રસ્ત પરિવારો અને મિત્રો સાથે મળી યોગ્ય રીતે, શાંતિ અને આદરપૂર્વક અંતિમવિધિ સંપન્ન કરી શકે. સ્મશાનગૃહોમાં હિંદુ પ્રતિકો હશે તો યુકેમાં મોટી સંખ્યામાં વસતા તેમજ દેશ અને સમાજમાં મોટું યોગદાન આપનારા શાંતિપ્રિય અને મહેનતુ હિંદુ સમાજને તેમનો દેશમાં સમાવેશ કરાયો હોય તેવી લાગણી થશે.

ઝેડે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શિવની પ્રતિમા અને પૂજા રૂમના ડિઝાઈનિંગ અને તૈયાર કરવાની પ્રક્રિયામાં ધાર્મિક કૌશલ્યની જરૂર હોય તો તેઓ અથવા અન્ય હિંદુ વિદ્વાનો અધિકારીઓને મદદરૂપ થવામાં આનંદ અનુભવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter