લંડનઃ યુકેની શાળાઓમાં ગત પાંચ વર્ષમાં ૬૦,૦૦૦થી વધુ રેસિસ્ટ ઘટના નોંધાઈ હોવાનું ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે. યુકેની સરકારે રેસિસ્ટ ઘટનાઓ રિપોર્ટ કરવાનું શાળાઓ માટે કાનૂની ફરજિયાત બનાવ્યું નહિ હોવાથી સાચો આંકડો વધુ હોવાની સંપૂર્ણ શક્યતા છે. સરકાર આ સમસ્યાનું સાચું પ્રમાણ છુપાવી રહી હોવાનો નિષ્ણાતોએ આક્ષેપ લગાવ્યો છે.
ઈંગ્લેન્ડના પાંચમા ભાગના મલ્ટિ એકેડેમી ટ્રસ્ટ્સ અને ૨૦૧ કાઉન્સિલને ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન (FoI) વિનંતી મોકલાઈ હતી જે મારફત કુલ ૬૦,૧૭૭ રંગભેદી ઘટનાઓ બહાર આવી હતી. કથિત પીડિત અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા બિનઈરાદાપૂર્ણ રેસિઝમ તરીકે ગણાવાઈ હેય તેવી કોઈ પણ પરિસ્થિતિને રેસિસ્ટ ઘટના તરીકે ગણવામાં આવે છે. સરકારે ૨૦૧૨માં શાળાઓને જણાવ્યું હતું કે રેસિસ્ટ ઘટનાઓનો લોકલ ઓથોરિટીઝને રિપોર્ટ કરવાની તેમની કાનૂની ફરજ નથી. આ ઉપરાંત, ૨૦૧૭માં એવી સલાહ પણ અપાઈ હતી કે શાળાઓએ કોઈ પ્રકારની દાદાગીરી કે ધાકધમકીનો રેકોર્ડ લેવાની જવાબદારી થતી નથી. આ કારણોસર રેસિઝમની ઘટનાઓનો વાસ્તવિક આંકડો ઘણો ઊંચો હોવાનું મનાય છે.
૯૪ કાઉન્સિલોએ ૨૦૧૬-૧૭ ગાળામાં અને વર્તમાન શાળાકીય વર્ષમાં ઈંગ્લેન્ડમાં ૨૫,૭૧૪, સ્કોટલેન્ડમાં ૩,૯૬૬ અને વેલ્સમાં ૧,૯૬૬ થઈને કુલ ૩૧,૬૫૩ રેસિસ્ટ ઘટનાઓની માહિતી આપી હતી. ઈંગ્લેન્ડમાં ૨૨૬ મલ્ટિ-એકેડેમી ટ્રસ્ટોએ આ જ સમયગાળામાં ૩૬,૦૬૩ રેસિસ્ટ ઘટનાઓ જાહેર કરી હતી જેમાંથી ઓછામાં ઓછી ૨૮,૫૨૪ ઘટનાઓની જાણ કાઉન્સિલ્સને કરાઈ ન હતી. ઈંગ્લેન્ડમાં કુલ ૧,૧૯૯ મલ્ટિ-એકેડેમી અને ૧,૪૧૯ સિંગલ એકેડેમી ટ્રસ્ટ છે. ઈંગ્લેન્ડમાં ૧૦૯ લોકલ એજ્યુકેશન ઓથોરિટીઝ અને વેલ્સની બે કાઉન્સિલ્સે જણાવ્યું હતું કે તેઓ ડેટા એકત્ર કરતા નથી.
ઈંગ્લેન્ડના પૂર્વ ચિલ્ડ્રન્સ કમિશનર એન લોંગફિલ્ડે નવા આંકડાઓને ચિંતાજનક ગણાવ્યાં હતાં. ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના અધ્યક્ષ લેડી ફોકનરે જણાવ્યું હતું કે સ્કૂલમાં ધાકધમકી કે દાદાગીરીની ઘટનાઓ અને ખાસ કરીને જાતિગત પૂર્વગ્રહો આધારિત ઘટનાઓ એકત્ર કરવા અને દેખરેખ રાખવા શાળાઓને ફરજ પાડવી જોઈએ. આનો રિપોર્ટ પણ લોકલ ઓથોરિટીઝને કરાવો જોઈએ.