લંડનઃ વડા પ્રધાન થેરેસા મે યુકેને યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી બહાર રાખવાની બાંહેધરીમાંથી પીછેહઠ કરે તેવી શક્યતા છે. બ્રેક્ઝિટ વાટાઘાટો પર થનારી અસરને ધ્યાનમાં રાખી આ બાબત કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં નહિ આવે. આના પરિણામે, દેશ વધુ પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધી ઈયુના માનવ અધિકાર કાયદાઓ સાથે સંકળાયેલો રહેશે.
ગત વર્ષે ડિસેમ્બરમાં થેરેસા મેએ ECHRમાંથી બહાર નીકળવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી અને ૨૦૨૦ના મેનિફેસ્ટોમાં તેને સ્થાન મળશે તેમ કહ્યું હતું. તેઓ સ્ટ્રાઉસબર્ગની સત્તા હેઠળ રહેવાના બદલે આ કાયદા યુકેની કોર્ટ્સને સોંપવાની તરફેણ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હોમ સેક્રેટરી તરીકે તેઓ આ કન્વેન્શન છોડવાં માગતાં હતાં કારણકે કટ્ટરવાદી ઉપદેશક અબુ કતાદાને ડિપોર્ટ કરવાની તેમની યોજના આના કારણે જ નિષ્ફળ નીવડી હતી.
યુરોપિયન કમિશનના પ્રમુખ જીન ક્લોડ જુન્કર અને ઈયુના ચીફ બ્રેક્ઝિટ નેગોશિયેટર માઈકલ બાર્નિઅર સાથેની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હોવાનું કહેવાય છે.