લંડનઃ યુકેના અર્થતંત્રના વર્કફોર્સમાં ૧૧ ટકા નોકરીઓ માઈગ્રન્ટ વર્કર્સના હાથમાં છે જેમાં, ૨.૨ મિલિયન ઈયુ નાગરિકો કાર્યરત છે પરંતુ, બ્રસેલ્સ બ્લોકના અહીં રહેતાં ૨.૭ મિલિયન લોકોનાં ચાર ટકા એટલે સાતમાંથી એક અથવા તો ૩૯૦,૦૦૦ જેટલાં ઈયુ નાગરિક બેરોજગાર અથવા નિષ્ક્રિય હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા જણાવે છે. બીજી તરફ, યુકેના નાગરિકોના ચાર ટકા બેરોજગાર છે અને ૧૭ ટકા નિષ્ક્રિય છે.
ONSના ૨૦૧૬ માટેના આંકડા જણાવે છે કે સમગ્રપણે વર્કફોર્સના ૧૦ ટકાથી વધુ વિદેશી નાગરિકો છે અને ફૂડ, રીટેઈલ અને મેન્યુફેક્ચરિંગ જેવાં મહત્ત્વના ક્ષેત્રોમાં છમાંથી ચાર કરતા વધુ નોકરી તેમના હાથમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે માઈગ્રન્ટ વર્કર્સની સૌથી વધુ સંખ્યા ૫૧૦,૦૦૦ ઈયુ નાગરિકો સાથે ૬૬૯,૦૦૦ની છે, જેઓ માલસામાનના વેચાણ અથવા સફાઈ જેવા પ્રાથમિક કામકાજમાં નોકરી કરે છે. આ પછી પ્રોફેશનલ નોકરીઓમાં ૩૫૨,૦૦૦ ઈયુ નાગરિકો સાથે અંદાજે ૬૫૮,૦૦૦ બિન-યુકે નાગરિકો કામ કરે છે.
યુકેના નાગરિકો ૩૨ કલાક કામ કરે છે તેની સરખામણીએ રોમાનિયા અને બલ્ગેરિયા સહિત ઈયુ-૮ દેશોના નાગરિકો ૪૦થી વધુ કલાક કામ કરે છે. જોકે, પ્રતિ કલાક ૧૧.૩૦ પાઉન્ડની સરેરાશ રાષ્ટ્રીય કમાણીની સામે તેમને ૮.૩૩ પાઉન્ડનો નીચો પગાર ચુકવાય છે.