'એશિયન વોઇસ – ગુજરાત સમાચાર' દ્વારા લંડનની શેરેટોન પાર્ક લેન હોટલ ખાતે શુક્રવાર, ૨૦ મેના રોજ ચેરિટી ક્લેરિટીના સહયોગથી ભવ્ય 'એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક એશિયન સમુદાય સાથે ચેરીટી ક્ષેત્રે નામના ધરાવતા બ્રિટિશ સમુદાયના અગ્રણીઅો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાજવાબ ડીનર સાથે યોજાયેલા સૌપ્રથમ ચેરિટી એવોર્ડસ કાર્યક્રમમાં ઉદ્દાત વિચારો ધરાવતી અને પ્રવર્તમાન સમયમાં બ્રિટન તેમજ વિશ્વમાં સૌથી મુશ્કેલ સામાજિક મુદ્દાઓના નિરાકરણ લાવવાના પ્રયાસ કરતી વિવિધ ચેરિટીઝ સંસ્થાઅોને એવોર્ડસ એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ગ્રેટ બ્રિટન અને વિશ્વભરમાં કાર્યરત શ્રેષ્ઠ ચેરિટીઓનું કાર્ય સામે આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ આગળ વધવા માટે નામના અને ભંડોળ મેળવવાનો સંઘર્ષ કરતી સંસ્થાઓને ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાનો હતો.
અન્ય એવોર્ડસથી તદ્દન અલગ પ્રકારના આ એવોર્ડમાં પ્રત્યેક વિજેતા ચેરિટી અને વ્યક્તિઓને સપોર્ટ – સહાયનું વિશાળ પેકેજ મળ્યું હતું જેનું મૂલ્ય દરેક માટે ૨૦,૦૦૦ પાઉન્ડ અને સંભવતઃ તેથી પણ વધુ હતું. લોર્ડ ડોલર પોપટની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિર્ણાયક પેનલ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. અન્ય નિર્ણાયકોમાં ધ ફન્ડીંગ નેટવર્કના સીઈઓ કેટ માર્શ, ચેરિટી એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇસ ટીમના પાર્ટનર અને વડા જોનાથન બર્કફિલ્ડ, સ્ટોન કિંગLLP, કીપાથ એજ્યુકેશનના સીઈઓ રાજય નાયક તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઈસ ચેરમેન સુભાષ ઠકરારનો સમાવેશ થયો હતો.
આ એવોર્ડના પ્રેફરન્સમાં સામાજિક પહેલકાર અને ઉદ્યોગસાહસિક માઈકલ નોર્ટન OBE, ધ ફન્ડીંગ નેટવર્કના સીઈઓ કેટ માર્શ, અભિનેતા નિતીન ગણાત્રા, રેશનલ એફએક્સના ગ્રુપ ચેરમેન અને સીઈઓ રાજેશ અગ્રવાલ, જનરલ કાઉન્સેલ અને રોશના કંપની સેક્રેટરી ફંક અબિમોલા રાઇટ સાઇડના સીઈઓ આનંદ શુક્લ, યુકે સ્થિત યુગાન્ડાના હાઈકમિશનર જોઈસ કીકાફુન્ડા, APCOના સિનિયર કાઉન્સેલર ડો. રોજર હેઇસ, સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ મેન્ટર અને ઉદ્યોગ સાહસિક જાવેદ હબિબ તેમજ CSR અને ટેલિનોર મ્યાનમારના વડા મિન થૂ આંગનો સમાવેશ થયો હતો.
આ એવોર્ડ્સને ચેરિટી ઓફ ધ યર, સ્ટાર્ટ-અપ ઓફ ધ યર, આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ, આઉટસ્ટેન્ડિંગ PR ટીમ, ફંડ રેઇઝિંગ કેમ્પેઇન, મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ, એક્સેલન્સ ઇન CSR, કન્સલ્ટન્સી ઓફ ધ યર, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ઓફ ધ યર અને એડિટર ચોઇસ સહિત ૧૦ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ વર્ષના વિજેતાઓમાં અનુક્રમે મેજિક બસ, માય લાઇફ ફિલ્મ્સ, પ્રિયા વરદરાજન દુર્ગા એલાર્મ, લંડન્સ એર એમ્બ્યુલન્સ, પોલિયો ચિલ્ડ્રન, શાંતિ લાઇફ, નેટવેસ્ટ, ન્યુ ફિલાન્થ્રોપી કેપિટલ, CCLA અને મહમૂદ અહમાદુનો સમાવેશ થયો છે.
આ ભવ્ય સાંજે ઉદ્ઘોષિકાનું કાર્ય પ્રતિભાશાળી અભિનેત્રી શીના ભટ્ટેસાએ કર્યું હતું. જ્યારે ગાયક નવીન કુંદ્રા અને મેથ્યુ સલ્ઝમાન જાઝ ગ્રુપ દ્વારા શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ એવોર્ડ વિશે માહિતી આપતા ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે ‘બ્રિટિશરો ઉદારહૃદયી છે. સરેરાશ જોઈએ તો દરેક વ્યક્તિ દરેક વર્ષે યોગ્ય ચેરિટીસને સપોર્ટ કરવા ૧૦૦ પાઉન્ડનું દાન કરે જ છે. ચેરિટીઝ કમિશનના ડેટા મુજબ દેશમાં ૧૬૫,૦૦૦થી વધુ રજિસ્ટર્ડ ચેરિટીઝ છે. જેમાંથી ૨૫,૦૦૦ જેટલી ચેરિટીઝ એશિયન કનેકશન ધરાવે છે તેમજ ૧૦,૦૦૦ ચેરિટીઝ ભારતીય પશ્ચાદભુ ધરાવે છે. ભારતની સહયોગ સંભાળ અને દાનનો વારસો સદીઓ જૂની પરંપરા છે. સ્વયં સહાયની આપણી પરંપરા ઉચ્ચ માપદંડ અને પારદર્શિકાને પ્રોત્સાહિત કરે છે. આપણે એવી પણ આશા રાખીએ કે તે આપણા સાથી માનવીઓને મદદ કરવાની પણ યાદ અપાવે - ભલે નાણાથી નહીં તો સમયથી પણ મદદ કરી શકાય.’
નિર્ણાયક પેનલના અધ્યક્ષ લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે ‘આ દેશમાં મારા ૪૫ વર્ષના રહેવાશ દરમિયાન મેં ઘણી વ્યક્તિઓની આશ્ચર્યકારી ઉદારતા નિહાળી છે. હોસ્પિસીસમાં સ્વયં સેવકની કામગીરી બજાવવાથી માંડી અન્ય ચેરિટીઝના ટ્રસ્ટી તરીકેની કામગીરી દરમિયાન નિસ્વાર્થ અને ભાવનાશીલ વ્યક્તિઓએ પોતાના સમયશક્તિ અને સંવેદનાઓના સમર્પણ થકી આ વિશ્વને વધુ સારું બનાવવા પ્રયાસ કર્યો છે. પરંતુ આ બધી શુભકામનાઓની સાથોસાથ પ્રચંડ જવાબદારીઓ પણ આવે છે. એ બાબત મહત્વની છે કે જો ચેરિટીઝનો વિકાસ થતો રાખવો હોય તો તેઓએ કોઈપણ જાહેર નોંધાયેલા બિઝનેસ કે સરકારી વિભાગની પાસે આપણે માગણી કરીએ છીએ તેવી શ્રેષ્ઠ રીતરસમોની ગાઈડલાઇન્સનો અમલ થાય તે રીતે વર્તવું જોઈએ. આનો અર્થ પારદર્શિતા, લોકશાહી અને વહીવટ પ્રત્યે કૌશલ્ય આધારિત અભિગમ થાય છે.'
તેમણે જણાવ્યું હતું કે 'હું આજ રાત્રિના તમામ નોમિનીઓનો આભાર માનવા ઈચ્છું છું. તમારા કાર્યથી મને અને મારા સાથી નિર્ણાયકોને પ્રેરણા મળી છે. અને આના પરિણામે અમારે કેટલાક અતિ મુશ્કેલ નિર્ણયો લેવાના થયા છે. આખરે વિજેતાઓનો નિર્ણય અતિ કડક અને સંપૂર્ણ પ્રક્રિયા પછી લેવામાં આવ્યો છે. તમે પ્રતિષ્ઠિત અને ઉત્કૃષ્ટ ચેરિટીઝ છો અને હું મારા સાથી નિર્ણાયકો વતી પણ એમ કહું છું કે આજ રાત્રિના વિજેતાઓ તરીકે તમને બધાને પસંદ કરવાનું બહુમાન અમને સાંપડ્યું છે. આ એક વિશેષ એવોર્ડસ છે કારણ કે તમે તમારી સંબંધિત કેટેગરીઝમાં સૌપ્રથમ વિજેતાઓ છો, પરંતુ હું આશા રાખું છું કે આગામી ૧૫ અથવા ૨૦ વર્ષના સમયગાળામાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસને થર્ડ સેકટરમાં અતિશ્રેષ્ઠ પ્રવૃત્તિ તરીકે કાર્યરત અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા એવોર્ડસ તરીકે પ્રતિષ્ઠા સાંપડશે, જે તેનો અધિકાર છે....’
આ એવોર્ડ સમારંભના સહભાગીદાર અને સહઆયોજક ચેરિટી ક્લેરિટી વતી પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે, ‘ડિમેન્શિયા, મહિલા સશક્તિકરણ, પોલિયો, અને માઇક્રો ફાઇનાન્સ લોન્સ જેવી કેટલીક અતિ મુશ્કેલ સમસ્યાઓના નિરાકરણમાં આ વિજેતાઓ માત્ર બ્રિટન નહીં પરંતુ નાઈજિરિયા જેવા દૂરના પ્રદેશમાં પણ સંકળાયેલા છે તે ખરેખર આનંદની વાત છે.
ભારતથી પ્રસિધ્ધ થઇ રહેલા 'ધ ઇકોનોમિક ટાઇમ્સ' અખબારમાં એશિયન વોઇસ ચેરીટી એવોર્ડ્ઝ' અંગે ગત તા. ૨૧મી મે, ૨૦૧૬ના રોજ સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જેની વધુ માહિતી માટે જુઅો 'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ની વેબસાઇટ : http://bit.ly/1OKV21l