બર્મિંગહામઃ લેબર પાર્ટીના બર્મિંગહામ એજબાસ્ટનના સાંસદ અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર યુકે શીખ્સના ચેરમેન પ્રીત કૌર ગિલે યુકેમાં શીખો સંસ્થાગત વંશભેદ અનુભવતા હોવાનો આક્ષેપ હોમ સેક્રેટરી અમ્બર રડ પર લગાવ્યો છે. શીખોને હેટ ક્રાઈમ એક્શન પ્લાનમાંથી શાથી અને કેવી રીતે બહાર રખાયા તેનો ખુલાસો હોમ સેક્રેટરી આપી શક્યાં નથી.
શીખ ફેડરેશન (યુકે)ના અધ્યક્ષ ભાઈ અમરિક સિંહે પણ જણાવ્યું હતું કે,‘શીખોની વાત આવે ત્યારે એક ધર્મ અને વંશીય જૂથ એવાં શીખોની સામે સરકારના વિભાગો દ્વારા સંસ્થાગત વંશભેદ આચરવામાં આવે છે તેનો પર્દાફાશ પ્રીતે કર્યો છે. શીખોનું અસ્તિત્વ જ ન હોય તેમ ધર્મો પર કેન્દ્રિત હેટ ક્રાઈમ એક્શન પ્લાન તેમજ વંશીય જૂથો પર કેન્દ્રિત રેસ ડિસ્પેરિટી ઓડિટમાં ઉલ્લેખ જ ન થાય તે અસ્વીકાર્ય છે.’
શીખ ફેડરેશન (યુકે) દ્વારા વડા પ્રધાન થેરેસા મે, હોમ સેક્રેટરી રડ તેમજ કોમ્યુનિટિઝ સેક્રેટરી સાજિદ જાવિદને શીખ કોમ્યુનિટી તરફના દેખીતા હેટ ક્રાઈમ્સ વિશે પત્રો લખાયાં હતાં.