લંડનઃ યુકેમાં ડાયસ્પોરા ૬ પુરુષ અને ૨ સ્ત્રીઓ સહિત ૮ ભારતીયના M1 મોટર વે પર શનિવાર ૨૬ ઓગસ્ટના સવારના કરુણ અકસ્માતમાં મૃત્યુથી શોકાતુર બની ગયા છે. પાંચ વર્ષની એક બાળકી સહિત અન્ય ચાર વ્યક્તિ ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બ્રિટિશ મોટર વે પર નવેમ્બર ૧૯૯૩માં M40 પર અકસ્માતમાં ૧૨ બાળકો અને તેમના શિક્ષકનું મોત થયા પછી આ ઘટનાનો મૃત્યુઆંક સૌથી વધુ છે. આ કરુણ ઘટનાની વિગત એવી છે કે ૧૬ બેઠકની મીની બસ એક દિશામાં જઈ રહેલી બે ટ્રકની વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી. આ મીની બસમાં નોટિંગહામથી લંડન જતાં બાર ભારતીય પ્રવાસીઓ હતા જેઓ યુરોપની ટુર પર જવાના હતા. મીની બસના ડ્રાઇવર સીરિયાક જોસેફ પણ ભારતના કેરાળાના મલયાલી મૂળનો હતો અને ૧૫ વર્ષથી યુકેમાં વસવાટ કરતો હતો. તે પોતાની પાછળ નર્સ પત્ની અને બે બાળકને વિલાપ કરતાં મૂકી ગયેલ છે.
પોતાના પરીવાર સાથે યુકેની મુલાકાતે આવેલા આ પ્રવાસીઓ આઈટી કોન્ટ્રાક્ટીંગ કંપની વિપ્રોની નોટિંગહામસ્થિત ક્રેડિટ કાર્ડ પ્રોવાઇડર કેપિટલ વનની ઓફિસ માટે કામ કરતા હતા. વિપ્રો દ્વારા રવિવારે ત્રણ મૃતકના નામ જાહેર કરાયા હતા જેમાં કાર્તિકેયન, રામસુબ્રમણ્યમ પુગાલુર, રિષી રાજીવકુમાર (કેરળના ચિંગાવાનમના વતની) અને વિવેક ભાસ્કરનનો સમાવેશ થયો છે. તેમના અન્ય કર્મચારી મનોરંજન પન્નીરસેલ્વમ અને તેમની પત્ની સંગીતા ગંભીર હાલતમાં છે. જોકે પન્નીરસેલ્વમના પિતા એ. પન્નીરસેલ્વમ, કાકી તામિલમની અને કાકા આરાચેલ્વન અરુણાચલમ અકસ્માતમાં મોતને ભેટ્યાં છે. વિપ્રોના પ્રવકતાએ જણાવ્યું હતું તેમના સાથીઓ પન્નીરસેલ્વમને સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
બર્મિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલમાં પાંચ વર્ષની બાળા પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એક મૃતક તેના પિતા હોવાનું મનાય છે. જ્યારે તેની માતા પણ મૃત્યુ પામી છે જેનું નામ જાહેર કરાયું નથી. ભારતીય હાઈકમિશનના સૂત્રોએ જણાવ્યું છે કે અમે તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યા છે અને અસરગ્રસ્તોના પરિવારો સાથે સંપર્કમાં છીએ.
મીની બસના ડ્રાઇવરને શ્રદ્ધાંજલિ
મીની બસના ડ્રાઇવરને બે સંતાનના પિતા સીરિયાક જોસેફ તરીકે ઓળખી કઢાયા છે. આ બસનું સંચાલન જોસેફ ૨૦૦૮ના વર્ષથી ABC Travels તરીકે કરી રહ્યા હતા. સીરિયાક જોસેફના મિત્રોએ તેમને પ્રેમાળ અને ઉદાર વ્યક્તિ ગણાવ્યાં હતાં. અકસ્માતના માત્ર બે દિવસ અગાઉ તેમણે પુત્રીને GCSE પરીક્ષામાં ૧૨ A અને A* મળવાની ઉજવણી કરી હતી. જોસેફ કેરળના કોટ્ટયામ જિલ્લાના પાલા વિસ્તારના હતા. તેમની બાવન વર્ષની પત્ની અનેય નોટિંગહામ સિટી હોસ્પિટલમાં કાર્ડિયાક યુનિટ નર્સ તરીકે કામ કરે છે. ભારતીય મૂળના જોસેફ બેન્ની નામથી વધુ લોકપ્રિય હતાં. આ દંપતીના બે સંતાન બેન્સન અને બેનિતા છે. પરિવારના દરેક સભ્યના પ્રથમાક્ષર પરથી કંપનીનું નામ ABC ટ્રાવેલ રખાયું હતું.
બેનિને પોતાનું શ્રેષ્ઠ મિત્ર ગણાવતાં ૪૯ વર્ષના સોયીમોને કહ્યું હતું કે આ કરુણ અકસ્માતના પાંચ કલાક પહેલાં જ શુક્રવારે રાત્રે ૧૦ વાગે તેઓ મર્યાં હતા. આ વખતે મેં કદી વિચાર્યું ન હતું કે આ આપણી છેલ્લી મુલાકાત બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે ગયા જ વર્ષે બેની અને અનેયે ૨૦મી લગ્નગાંઠ ઊજવી હતી. બેની ડ્રાઇવર તરીકે સંપૂર્ણ હતાં. તેઓ સ્લો લેન અથવા સેકન્ડ લેનનો જ ઉપયોગ કરતાં હતાં.
રવિવારે સવારે લેન્ટન બુલેવાર્ડ પરના સેન્ટ પોલ્સ કેથલિક ચર્ચમાં પ્રાર્થના યોજવામાં આવી હતી. આ સમયે તેમના પુત્ર બેન્સન જોસેફે પિતાની વાતો યાદ કરી હતી. તેણે કહ્યું હતું કે તેમના પિતા ભારતથી મુલાકાતે આવતા પરિવારોને લંડન લઈ જવાની કામગીરી બજાવતા હતા. તે પોતાના પિતાને ગુમાવવાની લાગણી અનુભવે છે. અનેય અને તેમના બે સંતાનો રજાઓ પરથી હમણાં જ પાછા ફર્યા હોવાથી કલાયન્ટ સાથે લંડન જવા ઉપડી ગયેલા બેન્ની સાથે તેમની કોઈ મુલાકાત થઈ શકી નહોતી. પ્રાર્થના દરમિયાન સીરિયાકના પિતા બીજુ જોસેફે પણ આ ઘટના પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો હતો. બેનીના પડોશી હાના આદમ, ગાઢ મિત્ર મનુ ઝાકરીયા પણ પ્રાર્થના સભામાં સામેલ થયા હતાં.
ટ્રક ડ્રાઇવર્સ કોણ હતા?
અકસ્માતમાં સંકળાયેલી બે ટ્રકમાંથી એક ફેડ એક્સની અને બીજી ટ્રક AIM લોજીસ્ટિક્સની હતી. થેમ્સ વેલી પોલીસના જણાવ્યાનુસાર જોખમી ડ્રાઇવિંગથી મોત ઉપજાવવાની શંકાએ બંને ડ્રાઇવર-રિસઝાર્ડ માસિરેક અને ડેવિડ વેગસ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. એક ડ્રાઇવરે મર્યાદા બહાર શરાબ પીધો હોવાની શંકા છે. પોલીસ નાગરિક માસિરેક સામે બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગથી મોત નીપજાવવાના ૮ કાઉન્ટનો આરોપ લગાવાયો છે તેની સામે મર્યાદા બહાર શરાબ પીધા હોવાનો પણ આરોપ છે. તેણે ૨૬ સપ્ટેમ્બરે એઈલ્સબરી ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થવાનું છે. જ્યારે બીજા ડ્રાઇવર વેગસ્ટાફ સામે જોખમી ડ્રાઇવિંગથી મોત નીપજાવવાના ૮ કાઉન્ટ અને ગંભીર ઈજા પહોંચાડવાના ચાર કાઉન્ટનો આરોપ લાગ્યો છે. તેણે ૧૧ સપ્ટેમ્બરે મિલ્ટન કિનેસ મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાનું રહેશે.
થેમ્સ વેલી પોલીસના જોઇન્ટ ઓપરેશન્શ યુનિટના ચીફ ઇન્સપેક્ટર હેન્રી પાર્સન્સે જણાવ્યું હતું કે મૃતકોના નિકટના સગાં તેમજ વિદેશમાં રહેતા પરિવારોને માહિતી આપવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતના કારણે ૧૬ બેઠકની મીનીબસ તદ્દન કચડાઈ ગઈ હતી. હાયર કર્મચારીઓ અને તબીબી અધિકારીઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. ટેક્ષીમાં પસાર થઈ રહેલા બ્રેટ સ્મિથે પાંચ વર્ષની બાળકીને બચાવવા કામગીરી બજાવી હતી. M1નો દક્ષિણ તરફ જતો ટ્રાફિક આશરે દસ કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ તામિલ ઓર્ગેનાઈઝેશનના જેકોબ રવિબાલને ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું આવી ૩૬ ઘટનાઓ સાથે સંકળાયો છું. જ્યાં અમે મૃતદેહોને તેમના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી છે. જોકે આ વખતે વિપ્રોએ તમામ કામગીરી પોતાના હસ્તક લીધી હોવાથી અમે કશું આયોજન કર્યું નથી. જોકે યુકેમાં કોઈને મદદની જરૂર હશે તો અમે તૈયાર જ છીએ.
સ્ટાર ટુર્સ કંપનીના ડાયરેક્ટર હેમાંગ શાહે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘અમે આ ઘટનાથી ગમગીન બન્યાં છીએ. શનિવારે સવારે અમારી વેમ્બલી ઓફીસથી આ ટુરનો આરંભ થયો. ૧૧ પેસેન્જર્સને સવારે ૫.૩૦ વાગે હાજર થવાં કહેવાયું હતું. જોકે કેટલાક પેસેન્જરની ભાળ ન મળતાં અમે તેમને અને તેમના નજીકના સગાંનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાંના કેટલાક ભારતમાં હોવાથી તેમને કોઈ જાણ ન હતી. આથી તેઓ અમારી યુરોપ જતી સાંજની ટુરમાં જોડાશે તેમ અમે વિચાર્યું હતું. આ અરસામાં અમને M1 અકસ્માતની જાણ થઈ પરંતુ શનિવાર બપોર પછી જ તેમાં ઉપરોક્ત ૧૧ પેસેન્જર સંકળાયા હોવાની જાણ થઈ હતી. જોકે, આ જીવલેણ અકસ્માતમાં જે મીનીબસ હતી તે અમારી નહતી. તેને ખાનગી ભાડે રાખવામાં આવી હતી. અમારી ભારતની ઓફિસ મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવાર સાથે તેમજ યુકેમાં વિપ્રોની હ્યુમન રિર્સોસિસ ટીમના સંપર્કમાં છે અને મૃતદેહોને ભારતમાં મોકલવા તમામ શક્ય મદદ કરી રહ્યાં છીએ.’