લંડનઃ રિપબ્લિક ઓફ યુગાન્ડાની 62મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠ નિમિત્તે પ્રતિષ્ઠિત IMO બિલ્ડિંગ ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં મહાનુભાવો, રાજદ્વારીઓ અને યુગાન્ડાની કોમ્યુનિટીના સભ્યો સહિત વિશિષ્ટ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં યુગાન્ડાના સમૃદ્ધ અને જોશપૂર્ણ વારસાને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સભ્યોએ માણ્યો હતો. આ સાંજ યુગાન્ડાએ સ્વતંત્રતા હાંસલ કર્યા પછી પોતાના લોકોમાં એકતા અને ગર્વની ભાવનાને પ્રોત્સાહન આપવા સાથે વચન અને પ્રગતિથી પૂર્ણ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકદમની યાત્રા હાથ ધરી છે તેનું સ્મરણ કરાવનારી બની રહી હતી.
રિપબ્લિક ઓફ યુગાન્ડાના યુનાઈટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ સ્થિત હાઈ કમિશનર તેમજ આયર્લેન્ડ માટે એમ્બેસેડર નિમિષા માધવાણીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે,‘ આજે આપણે આપણા દેશના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ દિવસ - યુગાન્ડાની 62મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠને ઉજવવા ગર્વ અને આદર સાથે એકત્રિત થયા છીએ. આપણે આ દિવસના મહત્ત્વને યાદ કરીએ છીએ અને આપણને અહીં સુધી પહોંચાડનારી યાત્રાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણાં હૃદય ખુશીઓથી છલકાઈ ઉઠે છે. યુગાન્ડાએ 9 ઓક્ટોબર, 1962ના દિવસે સંસ્થાનવાદી શાસનની છાયામાંથી બહાર આવી સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યું હતું. આપણા વડવાઓ હિંમત અને નિર્ધાર સાથે લડ્યા હતા અને આજે આપણે જેને વતન કહીએ છીએ તેવા યુગાન્ડાનો પાયો તૈયાર કર્યો હતો. આપણે આપણા જાણીતા અને અજાણ્યા નાયકો પ્રતિ કૃતજ્ઞતાના અનંતપણે ઋણી રહીશું જેમના બલિદાનોએ આપણી આઝાદી મેળવી આપી અને આત્મનિર્ણાયકતાના માર્ગ પર સ્થાપિત કર્યા.’
આ રિસેપ્શન સમારંભમાં માર્શલ ઓફ ડિપ્લોમેટિક કોર્પ્સ, એમ્બેસેડર એલિસ્ટર હેરિસન, ડીન ઓફ ડિપ્લોમેટ્સ, નામદાર એમ્બેસેડર ઈવાન રોમેરો સહિત સંખ્યાબંધ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ઉપસ્થિત માનવંતા મહેમાનોમાં સાથી એમ્બેસેડર્સ, સિટીબેન્કના સીઈઓ અને તેમની ટીમ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો.
આ ઉપરાંત, યુગાન્ડા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડા માટે યુકેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટના પ્રતિનિધિ ઓલિવર સ્કેઈટ પણ હાજર હતા. આ ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ તેમજ ડાયસ્પોરામાં એશિયન કોમ્યુનિટીના સભ્યો અને યુગાન્ડાના લોકોનું નોંધપાત્ર પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું.