લંડનઃ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ લડત ચલાવનાર ૮૬ વર્ષીય અહેમદ ‘કેથી’ કથરાડા અને ૮૨ વર્ષીય ડેનિસ ગોલ્ડબર્ગનું બહુમાન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાતા નેલ્સન મંડેલા સાથે કથરાડાએ પણ રોબેન આઈલેન્ડની જેલમાં ૨૬ વર્ષ વીતાવ્યા હતાં. ડેનિસ ગોલ્ડબર્ગે ૨૨ વર્ષનો કારાવાસ વેઠ્યો હતો. બ્રિટિશ મજૂર પરિવારમાં જન્મેલા ગોલ્ડબર્ગને આફ્રિકાની રંગભેદી સરકારે સૌથી વધુ જોખમી વ્હાઈટમેન ગણાવ્યા હતા.
લંડનના ગિલ્ડહોલમાં આયોજિત સમારંભમાં આ બન્ને મહાનુભાવોને ઉદ્દેશ્ય પ્રત્યે સમર્પણ બદલ ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ એનાયત કરાયા હતા. આ સાથે ૧૯૬૩-૬૪ની રિવોનિયા ટ્રાયલમાં તેમનો બચાવ કરનારા ધારાશાસ્ત્રીઓ લોર્ડ જોએલ જોફ અને જ્યોર્જ બિઝોસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથરાડા અને ગોલ્ડબર્ગે કહ્યું હતું કે રંગભેદ પછી માનવ અધિકારો માટેની લડતમાં ઘણે આગળ વધવાનું બાકી છે.
ગોવનર હોટલમાં આયોજિત અન્ય સન્માન સમારંભમાં જાણીતા બ્રોડકાસ્ટર ડેવિડ ડિમ્બલબીએ કથરાડા અને ગોલ્ડબર્ગના ઈન્ટરવ્યૂ લઈ કારાવાસમાં વેઠેલી યાતનાસભર વ્યથાની વિગતો વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. સ્ટારવોર્સ ફિલ્મના અભિનેતા જ્હોન બોયેગાએ અશ્વેત નેતા નેલ્સન મંડેલાના રિવોનિયા ટ્રાયલના સ્ટેટમેન્ટના જાણીતા પેરેગ્રાફ્સ વાંચી સંભળાવ્યા હતા. યુરોપિયન ડાયરેકટર ઓફ ગ્લોબલ સિટીઝનના સ્ટીફન બ્રાઉને કહ્યું હતું કે આ મહાનુભાવોની સિદ્ધિ માત્ર ભૂતકાળ પૂરતી મર્યાદિત નથી. આપણા ભાવિનો પાયો પણ તેના પર જ રચાયો છે.
આ પ્રસંગે અહેમદ કથરાડાએ કહ્યું હતું કે આઝાદી મળવાની સાથે લડત સમાપ્ત થતી નથી. આપણા શિરે નવી જવાબદારી પણ આવે છે. કારાવાસમાંથી છૂટ્યા પછી કથરાડા પ્રેસિડેન્ટ મંડેલાના પાર્લામેન્ટરી કાઉન્સેલરપદે નિયુક્ત થયા હતા.