લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું. તેમનો જન્મ ૧૮મી સપ્ટેમ્બર ૧૯૩૬ના રોજ રંગૂન, મ્યાનમાર (બર્મા)માં થયો. માતા કમળાબહેન અને પિતા ભાઈલાલભાઈ. બીજા વિશ્વયુદ્ધના કારણે નાનકડા રમેશને રાતોરાત રંગૂન છોડી ભારત આવવું પડ્યું. આમ પણ તેમને શાળાએ બેસાડવાનો સમય થયો હતો અને બર્મામાં ગુજરાતી નિશાળ ક્યાંથી લાવવી? માતા અને નાના ભાઈ ઘનશ્યામ સાથે એ નાસિક આવ્યા, જ્યાં તેમના નાના લલ્લુભાઈ વેપાર કરતા હતા.
નાસિકમાં ગુજરાતી શાળામાં ભણ્યા. ત્યાં જ તેમની સર્જનશક્તિ ખીલી. કાવ્યરચના એ કાચી ઉમરે શરૂ થઇ. સાહિત્યકાર જ્યોતીન્દ્ર દવેના હસ્તે મેડલ આપી શાળાએ તેમનું સન્માન કર્યું. પાછળથી તેમણે હજારો કવિતા અને ગીતો રચ્યા અને “હૃદયગંગા” જેવા અપ્રતિમ કાવ્યસંગ્રહ સમાજને ભેટ કર્યા. ચિત્રકામ પણ શીખ્યા અને સુંદર ચિત્રો દોરવાનું શરૂ કર્યું. રંગોળી પણ કરતા. ૧૯૫૪માં મેટ્રિક પાસ થયા પછી પિતાજીએ તેમને બર્મા બોલાવી લીધા, જેથી પોતાને વેપારમાં મદદ મળે. પિતાજી ઝવેરાતનો ધંધો કરતા. તે સમયે પિતાજી પ્રોમ નામના શહેરમાં રહેતા હતા.
રમેશભાઈને રંગુન જઈને સોનું ખરીદીને પ્રોમ લઇ જવું પડતું, જે બહુ જોખમ અને જવાબદારીનું કામ હતું. ત્યાં રમેશભાઈને પોતાની ઉમરના બીજા યુવાનો મળી ગયા. તેમને રમતગમતમાં બહુ રસ હતો. નાસિકમાં કબડ્ડી રમતા. બર્મામાં તેમણે ક્રિકેટ ક્લબ બનાવી.
તેમના આ નવા મિત્રો પૈકીનાં એક વલ્લભભાઈના કાકા લંડન રહેતા. વલ્લભભાઈએ બર્માથી લંડન જવા નક્કી કર્યું તો રમેશભાઈ પણ તૈયાર થઇ ગયા.
પિતાજીએ બહુ સમજાવ્યા પછી પ્રવાસખર્ચ આપવાનું સ્વીકાર્યું, પણ તાકીદ કરી કે ત્યાં ગયા બાદ પૈસા માગીશ તો હું આપીશ નહીં. તેમણે આ પડકાર સ્વીકારી લીધો.
લંડન આવીને કપરો સંઘર્ષ ચાલુ થયો. કદ નાનું, અંગ્રેજી જેવુતેવું આવડે. કોલેજ કરેલી નહીં. આવીને મિલમાં સફાઈ કરવાની મજૂરી મળી તે સ્વીકારી. બર્મિંગહામ રહ્યા. થોડા સમય પછી લંડન આવી ઇન્ડિયા કોફી હાઉસ ખોલી પૂરી-શાક પીરસવાનું શરૂ કર્યું. ભારતથી લંડન ભણવા આવતા ગુજરાતી અને મારવાડી, જૈન વિદ્યાર્થીઓને તે સમયે શોધે તો પણ શાકાહારી ભોજન મળતું નહીં. ઇન્ડિયા કોફી હાઉસ તેમને માટે આશીર્વાદરૂપ થઇ પડ્યું.
૧૯૬૪માં ઉત્તરાસંડાથી ભણવા આવેલા ઉષાબેન પટેલ સાથે તેમણે લગ્ન કર્યા. તેમને હિંદુ વિધિથી લગ્ન કર્યા, જે તે દિવસોમાં નવાઈની વાત હતી અને અનેક અખબારોએ તેની નોંધ લીધી. તેમણે તરત જ પોતાની મનગમતી પ્રવૃત્તિ શરૂ કરી.
સ્વામી વલ્લભદાસ અને તેમના શિષ્ય સ્વામી હરિદાસ શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત હતા. તેમને કોઈએ બોલાવ્યા હતા. રસ્તે ચાલતા જતા રમેશભાઈને કાને ભારતીય સંગીતના સૂરો કાને પડતાં જ એ ખેંચાયા સુરોની દિશામાં અને તેમનો સ્વામી સાથે પરિચય થયો. સ્વામી પોતાની સંસ્થા માટે ભંડોળ માટે આવ્યા હતા તેમાં રમેશભાઈને પોતાનાથી બનતી મદદ કરી. પછી તેમણે ટોટનહામ કોર્ટ રોડ જેવા વિસ્તારમાં ઇન્ડિયન એમ્પોરિયમ નામની દુકાન શરૂ કરી અને સાથે નવકલા નામની સંસ્થા શરૂ કરી.
નવકલા દ્વારા તેમણે ભારતીય નાટકો, નૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા. તેમણે ‘કોના બાપની દિવાળી’ જેવું ગુજરાતી નાટક પણ રજૂ કરીને ચાહના મેળવી. ગરબા લઈને તેઓ યુરોપિયન ડાન્સ ફેસ્ટિવલમાં ગયા અને ઇનામ લઇ આવ્યા. સાથે વાનગીઓનાં કાર્યક્રમમાં ભારતીય શાકાહારી વાનગીઓનું પ્રદર્શન યોજીને તેને લોકપ્રિય કરવાના પ્રયાસ કર્યા. નવકલાએ ભારતીય શાસ્ત્રીય નૃત્યો શીખવવા શાળા શરૂ કરી અને કેટલીક દીકરીઓને તો નૃત્ય શીખવા માટે ભારત મોકલવાની પણ વ્યવસ્થા કરી.૧૯૭૩માં મંદિર રેસ્ટોરાં શરૂ કરી, જેમાં લગ્ન અને બીજા કાર્યક્રમો માટે હોલ બનાવ્યો, જેનું નામ પંડિત રવિશંકરને નામે રાખ્યું. હોલનું ઉદ્ઘાટન પણ પંડિતજીના હસ્તે થયું, જેમાં જ્યોર્જ હેરિસન જેવી હસ્તીઓએ પણ હાજરી આપી. યહૂદી મેન્યુહીન જેવા પ્રખ્યાત વાયોલીનવાદકે પણ ‘મંદિર’નો લાભ લીધો. અનેક નામી-અનામી સંગીતકારોએ અને નર્તકોએ ‘મંદિર’માં કાર્યક્રમો કર્યા. તેમણે આયુર્વેદ અને યોગનો પણ પ્રચાર કર્યો.
૨૦૦૨માં મંદિર રેસ્ટોરાં બંધ કરવું પડ્યું. પત્ની ઉષાબેનની સારવાર માટે ભારત આવ્યા અને ૨૦૦૩માં ઉષાબેનનું અવસાન થતા તેમણે વડોદરા વસવાનું નક્કી કર્યું. ત્યાં પણ તેમણે બૈજુ બાવરા - તાનારીરી હોલ બનાવીને સંગીતની મહેફિલ શરૂ કરી. ૨૦૧૫માં વડોદરા છોડીને કરમસદ જઈ વસ્યા અને ત્યાં પણ સુંદર હોલ બનાવી કળાપ્રવૃત્તિ ચાલુ રાખી.
ઓગષ્ટ ૨૦૨૧માં મગજને લોહી પહોંચાડતી ધોરી નસમાં બ્લોક હોવાનું નિદાન થયું, તે માટે સર્જરી પણ કરાવી હતી. અનેકવિધ પ્રવૃત્તિઓ હર્યાભર્યા તેમના જીવનનો ટૂંકમાં પરિચય મેળવવો મુશ્કેલ છે. દીકરા કલ્પેશ અને બહોળા મિત્રવર્તુળને તેઓ પાછળ મૂકી ગયા છે. પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાથર્ના.
કેટલાં હૃદયો મહી મેં ઘર કર્યું છે જોઈ લો,
જ્યાં જ્યાં હતા દ્વાર ખુલ્લા ત્યાં પ્રવેશ્યો દોસ્તો.
•
એક દિન હંસો અમારો આભમાં ઉડી જશે
પ્રણય કેરા દેવળો યુગ યુગ ઉભા છે દોસ્તો !!!
- રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’