લંડનઃ ભારતના રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ગત સપ્તાહે પ્રતિનિધિઓ સહિત ઈન્વેસ્ટર્સ બેઠક યોજવા લંડનની મુલાકાત લીધી હતી. આ બેઠકનું આયોજન FICCI અને ભારતીય હાઈ કમિશન દ્વારા તાજ 51 બકિંગહામ ગેટ ખાતે કરાયું હતું. આ પ્રસંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી પણ ઉપસ્થિત હતા. બેઠકમાં મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ્સ (MoU) પર સહીસિક્કા અને આપ-લે થઈ હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી યુકેમાં રાજસ્થાની ડાયસ્પોરાને પણ મળ્યા હતા.
ઈન્વેસ્ટર્સ મીટનો હેતુ રોકાણકારો માટે રાજસ્થાનમાં ઈન્વેસ્ટમેન્ટ્સની તક, ગ્રીન/રિન્યુએબલ/સોલાર એનર્જી, ફિન્ટેક, ડિજિટલ બેન્કિંગ, ઓટોમોબાઈલ્સ, હેન્ડિક્રાફ્ટ્સ, ટુરિઝમ વગેરે સેક્ટર્સમાં રોકાણોની ચર્ચાનો હતો. આ બેઠક જયપુરમાં 9થી 11 ડિસેમ્બરના ગાળામાં યોજાનારા ‘રાઈઝિંગ રાજસ્થાન’ની ફાઈનલ અગાઉ મુખ્યમંત્રી દ્વારા હાથ ધરાયેલા 9 રોડ શોઝ અથવા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનો એક હિસ્સો હતી.
મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે,‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત ભારત @2047ની કલ્પના પૂરી પાડી છે. રાજ્ય વિકસિત ભારત-વિકસિત રાજસ્થાનને વાસ્તવિક સ્વરૂપ આપવા પ્રતિબદ્ધ છે અને અમે આગામી પાંચ વર્ષમાં 350 બિલિયન ડોલરના અર્થતંત્ર બનવાનો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી વર્ષોમાં આર્થિક રૂપાંતરના સૌથી મોટા લાભાર્થી યુવાવર્ગ, મહિલાઓ, ખેડૂતો અને કચડાયેલા વર્ગો બની રહેશે.’
તેમણે કહ્યું હતું કે રાજ્ય આ વિકાસમાર્ગે આગળ વધે તેમાં ખાનગી ક્ષેત્ર પણ મદદરૂપ ભૂમિકા ભજવી શકે છે. બિઝનેસ કરવામાં સરળતાનું વાતાવરણ સર્જવામાં નીતિપરિવર્તનની કામગીરી ચાલે છે. તેમણે રાઈઝિંગ રાજસ્થાનની ઐતિહાસિક વિકાસગાથામાં હિસ્સેદાર બનવા સહુને આમંત્રિત કર્યા હતા.