રાજેશ જૈનને મળ્યા સેવાના મેવા: “કોરોનેશન ચેમ્પીઅન”નું બિરૂદ

ઘરદીવડાં

જ્યોત્સના શાહ Tuesday 09th May 2023 16:28 EDT
 
 

આપણામાં કહેવત છે કે, “કરેલું કશું ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી" આ હકીકતનો પુરાવો એટલે રાજેશ જૈનને કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલા તરફથી મળેલ બિરૂદ "કોરોનેશન ચેમ્પીઅન".
 વ્યવસાયે એન્જીનીયર એવા લંડન સ્થિત ભારતીય રાજેશ જૈનની "કોરોનેશન ચેમ્પીઅન" તરીકેની એમની ગણના અદ્ભૂત સિધ્ધિ કહી શકાય.
 રાજેશ જૈને રાત-દિવસ જોયા વિના કોમ્યુનિટીમાં આપેલ સતત અવર્ણનીય અનુદાનની કદરનો આવો સરસ પુરસ્કાર મળતાં એમના પરિવાર ઉપરાંત જૈન સમાજ સહિત સમગ્ર ભારતીયોને ગૌરવ થાય એ સ્વાભાવિક છે.
જૈન વિશ્વ ભારતીમાં રાજેશ જૈન જોડાયાં ત્યારથી એમની સ્વયં સેવક તરીકેની સફરનો શુભારંભ થયો. ૨૦૧૨માં જૈન વિશ્વ ભારતીના ટ્રસ્ટીપદે નિયુક્ત થયા પછીના વર્ષોમાં કોમ્યુનિટી કાર્યમાં સતત વ્યસ્ત થયા. લગભગ એક દાયકા દરમિયાન સેંકડો લોકોના હ્દય અને મગજને સમાજના કાર્યમાં દાન આપવા માટે પરિવર્તિત કરવાના પાયામાં પ્રેરણામૂર્તિ બની રહ્યા.
કોવિદ-૧૯ દરમિયાન જેઓને મેડીકલ સપોર્ટની જરૂર હતી અને એ મેળવવા માટે અસહાય હતા અને ડોક્ટરો કે હોસ્પીટલોની ક્ષમતા ન હતી ત્યારે તેઓને વિના મૂલ્યે કન્સલટેશનની સેવા સાદર કરી મેડીકલ સાધનો પૂરા પાડવાની પહેલ કરવા સાથે આધ્યાત્મિક અને માનસિક સ્વસ્થતા કેળવવા મેડીટેશન સેશન્સના આયોજન કરવાનું સ્તુતય કાર્ય રાજેશભાઇએ કર્યું હતું. પેનડેમીકના સમયમાં રાત'દિ સતત કાર્યરત રહી શક્ય એટલા અસરગ્રસ્તોના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી માનવતાનો દીપ ઝળહળતો રાખ્યો.
વધુમાં વિના મૂલ્યે હજારેકથી વધુ જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં અને એમના કૌશલ્યમાં વધારો કરવા બાબતમાં નેતૃત્વ લઇ નવી પેઢીને તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા અદા કરી.
રાજેશ જૈન દ્રઢપણે માને છે કે, પ્રત્યેક સદ્કાર્યનું ફળ સમય જતાં અનેક ગણું મળે છે, "કરેલું કશું ફોગટ જતું નથી".એ ન્યાયે ઉજ્જવળ ભાવિ માટે વાવેલ બીજનું પરિણામ આજે મળ્યું છે. સમાજમાં દરેક વ્યક્તિના વ્યક્તિગત વિકાસમાં સૌના સામૂહિક વિકાસની ગૂંજાયશ રહેલી છે. જેઓનો સમય અંધકારમય છે તેઓનો હાથ જેઓનો સમય સારો છે, તેઓ ઝાલે તો એ સૌને પ્રજ્જવલિત થવાનો મોકો મળે છે. એકથી અનેક દીપ પ્રગટતા એનો ઉજાશ સર્વત્ર રેલાય છે.
રાજેશ જૈન પોતાના આ કાર્યનો યશ પત્ની મધુ જૈનને અને પોતાના પિતા સાગરમલ જૈનને આપે છે. જેમણે નાની વયમાં સેવા-દાનના બીજ રોપ્યા હતા. જે પોતાની શૈક્ષણિક કારકિર્દી અને માનવતાવાદી પ્રવૃત્તિમાં પ્રગતિનું ઉદાહરણ છે એમ તેઓ માને છે.
રાજેશ જૈનના આ સામાજિક પ્રદાનની કદર અને ઉજવણી માટે કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલાએ બકિંગહામ પેલેસમાં ૨ મે'૨૦૨૩ના રોજ યોજાયેલ પાર્ટીમાં નિમંત્રણ આપી એમના કાર્યને ચાર ચાંદ લગાવ્યા. અભિનંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter