રામનામી સંપ્રદાયઃ તન પે રામ, મન મેં રામ, બસ રોમ રોમ મેં રામ રામ

Wednesday 24th January 2024 06:58 EST
 
 

રાયપુરઃ અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર દેશ રામમય થઇ ગયો છે, કરોડો ભકતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે સાચું, પરંતુ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારમાં વસતાં આ સમુદાય તો આજીવન રામમય રહે છે. આપ સહુને જાણીને નવાઈ લાગશે કે છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં રામનામી નામનો એક સંપ્રદાય વસે છે જે છેલ્લા જે છેલ્લા 100 વર્ષથી પોતાના શરીર પર ઝીણા કાળા અક્ષરે રામનામ ત્રોફાવે છે.

રામનામી સંપ્રદાયની પરંપરા મુજબ કોઈ પણ બાળક બે વર્ષનું થાય એટલે શરીર પર રામનામ લખવાની શરૂઆત થાય છે. સમય જતા શરીર પર રામનામ આછું થાય તો પણ શ્રદ્ધા અને વિશ્વાસ અકબંધ રહે છે. જેના પર રામનામ પણ લખ્યું હોય તેવા જ કપડા પહેરે છે.
રામનામી સમુદાયના નિયમો ધ્યાન ખેંચે તેવા છે. એક વાર જેના શરીર પર રામનામનું ટેટૂ બની જાય તે કયારેય શરાબ, માંસ જેવી વસ્તુઓને હાથ લગાડી શકતો નથી. એટલું જ નહીં, વ્યકિતએ ડગલેને પગલે રામનામ બોલવું પણ એટલું જ જરૂરી છે. આખા શરીર પર રામનામ ત્રોફાવનાર લોકોને ‘પૂર્ણનાક્ષિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે હવેની પેઢીને નોકરીઓ મેળવવામાં તકલીફ પડતી હોવાથી 1970 પછી ભાગ્યે જ કોઈ રામનામી આખા શરીરે ટેટુ ચીતરાવે છે.
રામમંદિરના નિર્માણ પ્રસંગે ઘણા રામાનામી અયોધ્યા પહોંચ્યા છે. ભગવાન શ્રી રામના ગુણગાન અને ભકિત જ તેમના જીવનનો એક માત્ર ઉદ્દેશ છે. માથા પર મોરપીંછ અને પગમાં ઘુંઘરુ રામાનામીની આગવી ઓળખ છે. રામનામીઓના મકાનની દીવાલો પર પણ માત્ર રામનામ જ લખેલું હોય છે. બારી અને બારણા પણ રામનામથી રંગાયેલા હોય છે. જે કપડા પર રામનામ પણ લખ્યું હોય તેવા જ કપડા પહેરે છે. દૂરથી એક બીજાને રામ રામ કહીને બોલાવે છે.
રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન આશ્રમ હોય છે - કોઈ વ્યકિત પોતાના શરીરના અંગ પર રામનામ લખાવે ત્યારે રામનામી કહેવાય છે. માથા પર નામ લખાવનાર શિરોમણી અને સમગ્ર માથા પર નામ લખાવનારને સર્વાંગ રામનામી તરીકે ઓળખવામાં આવે છે. જે સમગ્ર શરીર પર રામનામ લખાવે છે તે ચૂસ્ત રામનામી તરીકે ઓળખાય છે.

કોઇ મંદિર નહીં, માત્ર ભજન આશ્રમ
નવાઈની વાત તો એ છે કે તેઓ કોઈ મંદિરમાં જતા નથી કે કોઈ પણ પ્રકારની મૂર્તિઓની પણ પૂજા કરતા નથી. પોતાના હૃદયમાં જ રામ વસેલા છે તેમ માને છે. છતીસગઢમાં મહા નદીના કાંઠા પાસેના વિસ્તારમાં રામનામીઓ વસે છે. રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન આશ્રમ હોય છે.
સૌથી જૂના ભજન આશ્રમ ગ્રામ પિરદા, વિકાસખંડ, માલખરૌદા, જાજાગીર જિલ્લાના ગ્રામ ઉડકાનન, વિકાસખંડ, બિલાઈગઢા તથા શિવરી નારાયણમાં છે. આ તમામ આશ્રમોના દરવાજા પર ‘રામ રામ’ લખેલું હોય છે. તેઓ આત્મારામના જાપ કરે છે.

સંપ્રદાય નહીં, ભક્તિ આંદોલન
રામનામીની શરૂઆત એક ભકિત આંદોલન તરીકે થઈ હતી. સતનામીઓને રામ મંદિરમાં પ્રવેશ ના મળતા શરીર પર રામનામ લખીને વિરોધ કર્યો હતો. રામનામી સંપ્રદાયને ભકિત આંદોલન કહેવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડને રામમય માને છે. નિરાકાર સર્વ વ્યાપી, સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા રામનો જાપ કરે છે. બ્રહ્માંડ સ્વરૂપ રામ છે.
1960માં દેશભરમાં રામનામીઓએ અખીલ ભારતીય રામનામી સભાની રચના કરી હતી. તેમની રજીસ્ટર સંસ્થા રામનામીઓની સામાજિક પ્રવૃતિઓ અને ભજન મેળાનું આયોજન કરે છે. વડીલો પોતાની આ પ્રાચીન પરંપરા જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ છે. નવી પેઢી આખા શરીર પર તો નહીં પરંતુ હાથ, પગ અથવા તો કમરના ભાગમાં જરૂર રામનામ ત્રોફાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter