લંડનઃ લાખો બ્રિટિશરોએ શેરીઓ અને ઘરના દ્વાર તેમજ બાલ્કનીઝમાં ઉભા રહીને ચોથા સપ્તાહે પણ ‘ક્લેપ ફોર કેરર્સ’ કાર્યક્રમમાં કોરોના વાઈરસની મહામારીમાં મોખરે રહીને લોકોની કાળજી લેનારા કેરર્સ તરફ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. NHS વર્કર્સ, સુપરમાર્કેટ્સ સ્ટાફ, ઈમર્જન્સી સર્વિસીસ અને શિક્ષકો સહિતના ફ્રન્ટલાઈન વર્કર્સને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા હતા. કોરોનાની સારવાર પછી આરામ કરી રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમની સગર્ભા ફીઆન્સી કેરી સાયમન્ડ્સે પણ કેરર્સનો આભાર માન્યો હતો. માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબ પણ ઓલ્ડ ટ્રેફોર્ડને ભૂરી રોશનીથી ઝળહળાં કરી ઉજવણીમાં જોડાઈ હતી. કરુણ બાબત તો એ રહી છે કે કોરોના સામેના જંગમાં NHSના ડોક્ટર્સ અને નર્સીસ સહિત ૪૫ કર્મચારીએ જાન ગુમાવી બલિદાન આપ્યા છે.
લાખો બ્રિટિશરોની સાથે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન, ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, લેબરનેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકારણીઓ અને સેલેબ્રિટીઝ પણ કોરોના મહામારીના જંગમાં મોખરે રહેલા હેલ્થકેર વર્કર્સને સમર્થન આપવા તેમના ઘરનાં બારણે તાળીઓ પાડતાં જોવા મળ્યા હતા. લોકોએ ફરી એક વખત NHS વર્કર્સ, સુપરમાર્કેટ્સ સ્ટાફ, ઈમર્જન્સી સર્વિસીસ અને શિક્ષકો સહિતના ફ્રન્ટલાઈન વર્કર્સ પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.
વડા પ્રધાનની ફીઆન્સી કેરીએ હેલ્થ કેરર્સની સાથોસાથ માટે ૧૭ મિલિયનની જંગી રકમ દાનમાં મેળવનારા ૯૯ વર્ષના કેપ્ટન ટોમ મૂર માટે પણ તાળીઓ વગાડી તેમણે દેશવાસીઓને ભારે પ્રેરણા આપી હોવાનું જણાવ્યું હતું. કેરીએ ફ્રન્ટલાઈન વર્કર્સને બ્રિટનમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યા હતા.