લંડનઃ ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની 1948માં કરાયેલી હત્યાના સ્મરણમાં દર વર્ષે 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેમને સ્મરણાંજલિ અર્પવામાં આવે છે. આ દિવસ માત્ર ભારતમાં નહિ, સમગ્ર વિશ્વમાં અને વિશેષતઃ યુકેમાં પણ મનાવાય છે જ્યાં ધ ઈન્ડિયા લીગ અને ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે વાર્ષિક પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાય છે.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લોર્ડ મેઘનાદ દેસાઈ તેમજ સાંસદો બોબ બ્લેકમેન, વેલેરી વાઝ, લોર્ડ રાવલ, લોર્ડ સાહોટા, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા અને અન્ય મહાનુભાવોએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી આદરભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધ ભવનના ગાયકોએ ગાંધીજીને પ્રિય ભજનોનું આત્મીયગાન કર્યું હતું.
ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે હાઈ કમિશનર દોરાઈસ્વામી, કેમડેનના મેયર કાઉન્સિલર સમતા ખાતૂન અને અન્ય મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમના શાંતિ, સત્ય અને અહિંસાના શાશ્વત વારસાનું સન્માન કર્યું હતું.