લંડનઃ બાપુના હુલામણા નામથી પ્રખ્યાત ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતી 2 ઓક્ટોબરે પુષ્પાંજલિઓ, હૃદયંગમ સંગીત અને પ્રેરણાદાયી પ્રવચનો સાથે ઊજવાઈ હતી. લંડનમાં ટાવિસ્ટોક સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્ક્વેરસ્થિત બે યાદગાર સ્મારકો ખાતે ઈવેન્ટ્સ યોજાયા હતા જેમાં, ગાંધીજીના શાશ્વત વારસાને સન્માન આપવા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
ભારતના કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે ગાંધીજીના સ્વચ્છતાના આવશ્યક સંદેશા પર ભાર મૂકવા સાથે જણાવ્યું હતું કે આ વર્ષ ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઈન્ડિયા મિશન)ની દશાબ્દી ઊજવાઈ રહી છે. એકતાના સંદેશા પર ભાર મૂકવા મહાત્મા ગાંધીની મનગમતી પ્રાર્થના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’નો ઉલ્લેખ કરી મેઘવાલે જણાવ્યું હતું કે,‘સમગ્ર વિશ્વ આ મહાન માનવીને બિરદાવી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સે મહાત્મા ગાંધીના જન્મદિનને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન’ તરીકે જાહેર કરી મહાત્માના સ્મરણને ચિરંજીવ બનાવવાનું પસંદ કર્યું છે તે યથાયોગ્ય જ છે.’
કેમડેનના ડેપ્યુટી મેયર કાઉન્સિલર એડી હેન્સને જણાવ્યું હતું કે,‘મહાત્મા ગાંધી ગમે તેવી મુશ્કેલીમાં પણ અહિંસામાં તેમની માન્યતાને વળગી રહેવામાં મક્કમ હતા. આજે આપણે શાંતિપૂર્ણ વિરોધ લશ્કરી આક્રમણ કરતાં પણ વધુ હાંસલ કરી શકે છે તેમ દર્શાવતી તેમની ફીલોસોફીને સન્માન આપીએ છીએ.’
ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,‘ગાંધીજીનું જીવન દરેક માટે બોધપાઠ જેવું છે. જો આપણે અન્યોને સમજવામાં, આસપાસના વાતાવરણમાંથી કશું શીખવાનો પ્રયાસ કરવાનો સમય કાઢી શકીએ તો આપણી જાતની અંદર જ રહેલા મહાત્માને ઓળખી-શોધી શકીશું.’
પૂર્વ લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ પોતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કેં,‘નમસ્તે, ગત 25 કરતાં વધુ વર્ષથી દર વર્ષે 2 ઓક્ટોબરે અહી હાજર રહેવું તે ભારે સન્માન અને વિશેષાધિકાર છે. હું આ માટે કેમડેન તેમજ સંકળાયેલા સહુ કોઈનો, ખાસ કરીને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી અને પ્રકાશક સીબી પટેલનો ઋણી છું જેમણે ઘણા વર્ષો અગાઉ પ્રતિમા માટે અભિયાનની શરૂઆત કરી હતી. હું હૃદયપૂર્વક કેમડેન અને આ મિશનને વાસ્તવિકતામાં ફેરવનારા સહુનો આભાર માનું છું. હું ભારતીય હોવાનું અને મહાત્મા ગાંધીના મૂલ્યોને આત્મસાત કરવામાં ભારે ગૌરવ ધરાવું છું. મારા પિતા સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીના સમર્પિત અનુયાયી હતા તેમજ પંજાબમાં 1943થી 1945ના ગાળામાં ક્વિટ ઈન્ડિયા આંદોલનના આયોજનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એ મૂલ્યોને જાળવી રાખવા તે સાચે જ વિશેષાધિકાર છે.’
આ ઈવેનિ્ટમાં ભવન યુકેના વિદ્યાર્થીઓએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ તથા મહાત્મા ગાંધીના અન્ય મનપસંદ ભજન ‘વૈષ્ણવજન’ની રજૂઆત કરી હતી. શાંતિ અને સંવાદિતાના બૌદ્ધ મંત્રોચ્ચારણ સાથે ટાવિસ્ટોક સ્ક્વેરમાં કાર્યક્રમનું સમાપન થયું હતું.
પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે 2015માં ગાંધીપ્રતિમાનું અનાવરણ કરાયું હતું. અહીં, ઘણા વિદ્યાર્થીઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો પુષ્પાંજલિ અર્પણ કરવા એકત્ર થયા હતા. બ્રિટિશ ભારતીય અર્થશાસ્ત્રી અને ઉમરાવ લોર્ડ મેઘનાદ દેસાઈએ ઈવેન્ટની કમાન સંભાળી હતી. શાંતિના ચાહક અને ઉપદેશક મહાત્મા ગાંધીને સન્માનવા યુકેની રાજધાનીમાં આ સ્મારક સ્થાપવાના ચેરિટી અભિયાનમાં લોર્ડ દેસાઈએ પાયાની ભૂમિકા ભજવી હતી.