જાણીતા બોલીવુડ સંગીતકાર પદ્મશ્રી આણંદજી વીરજી શાહ અને શ્રીમતી શાંતાબેનની સુપુત્રી તથા પીટર વાલંભીયાના જીવનસંગિની અ.સૌ. રીટાબહેનનું શુક્રવાર તા.૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ દુ:ખદ અવસાન થતાં બન્ને પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. રીટાબેન ૩૫ વર્ષથી લંડનમાં સ્થાયી થયાં હતાં અને પોતાનો ટ્રાવેલ અને ટૂરીઝમનો બીઝનેસ પી.ટી.સી. ટ્રાવેલ નામે શરુ કર્યો હતો. ગુજરાતી સમાજમાં સારી એવી લોકપ્રિયતા રીટાબહેને મેળવી હતી. દીકરી, પત્ની, માતા અને બહેન એમ વિવિધ સ્વરૂપે રીટાબહેન એક કર્મઠ નારી હતા. એમનો મળતાવડો, પ્રેમાળ સ્વભાવ, સાહસિકતા સદાય એમના સંતાનો રીકીન અને સોનિયાને પ્રેરણા આપતા રહેશે.
પદ્મશ્રી આણંદજીભાઇ જ્યારે જ્યારે લંડન આવે ત્યારે રીટાબહેન એમને સામાજિક મેળાવડાઓમાં લઇ જતા એની ખોટ સાલશે. “ગુજરાત સમાચાર" કાર્યાલયમાં પણ અચૂક આવતા અને તંત્રીશ્રી સી.બી.પટેલ પરિવાર સાથે ય સારો એવો ઘરોબો હતો.
તાજેતરમાં જ આણંદજીભાઇનું હાઉસ ઓફ લોર્ડ્સમાં સન્માન યોજાયું ત્યારે પણ રીટાબહેન સાથે હતા. પિતાની ખૂબ જ કાળજી રાખતી વ્હાલસોયી યુવા દિકરીની એક્ઝીટ માતા-પિતા માટે અસહ્ય બને એ સ્વાભાવિક છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને એમના ચરણોમાં સ્થાન આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી "ગુજરાત સમાચાર" પરિવારની અભ્યર્થના. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
રવિવાર ૧૦ ઓક્ટોબરના રોજ સદ્ગત આત્માની શાંતિ અર્થૈ શાંતિ ભજનનું આયોજન ઇસ્ટ લંડનના હોલીડે એક્સપ્રેસમાં અને ઝૂમમાં પણ રાખ્યું હતું. મોટી સંખ્યામાં એમના સ્વજનો, મિત્રો અને ચાહકોએ હાજરી આપી અંજલિ આપી હતી.
રીટાબહેનના સ્મરણાર્થે નાગ્રેચા પરિવારે રવિવાર ૧૬ ઓક્ટોબરના સાંજે ૭ થી ૯ હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલ, ૧૯૮/૨૦૦ લેટન રોડ, લંડન, E15 1DTખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.