લંડનઃ હેરોના મેયરપદે કાઉન્સિલર રેખાબહેન શાહના એક વર્ષના સમાપન ટાણે તેમનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રવિવાર ૭ મેએ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ કોમ્યુનિટીઝ અને ધર્મોના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હેરોના મેયરપદે રેખાબહેન શાહના એક વર્ષના ગાળામાં હેરોની સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. વિવિધ ધર્મોના ચેપલિન્સે કોમ્યુનિટીઝને એકસાથે લાવવાના રેખાબહેનના અથાક કાર્ય અને જુસ્સાને બિરદાવ્યો હતો.
હેરોના ધાર્મિક સમુદાયોમાંથી મેયરના પાંચ ચેપલિન્સમાંના એક રેબી કેથલીન દ મેગ્ટિજ-મિડલટને મેયર્સ સર્વિસ ઓફ થેન્ક્સગિવિંગ સમારંભમાં જણાવ્યું હતું કે,‘ મેયર કાઉન્સિલર રેખા શાહે પોતાને તમામ સાથી સ્ત્રી-પુરુષોના કલ્યાણનાં ઉત્સાહી અને અથાક હિમાયતી પુરવાર કર્યાં છે. મેયરે કોમ્યુનિટી માટે અને સાથે રહીને વ્યક્તિગત રીતે તેમજ સામાજિક કાર્યકર તરીકેના જીવનમાં અને આ મેયરપદના ગાળામાં જે કાર્ય કર્યું છે તે અદ્ભૂત છે. તેઓ તમામ ફેઈથને આવરી લેવામાં વિનમ્ર અને કલ્પનાપૂર્ણ વ્યક્તિ રહ્યાં છે. તેઓ સાચા અર્થમાં ‘મૂવર એન્ડ શેકર’ બની રહ્યાં છે.’
તેમણે ઉમેર્યું હતું કે,‘તમે આ કોમ્યુનિટીને ગતિશીલ બનાવતા રહેશો અને સમાજને બહુસાંસ્કૃતિક, આનંદદાયી, સંવાદી અને સમાવિષ્ટ બનાવવામાં મદદ કરતાં રહેશો. મારાં સાથી ચેપલિન્સ દ્વારા કરાયેલી પ્રાર્થના અને ઉપદેશ વાંચન આપણા ધર્મોના શાણપણની ઊંડાઈ દર્શાવે છે. આપણે ભવિષ્યમાં પણ આ ભાગીદારી ચાલુ રાખીશું તેવી આશા વ્યક્ત કરું છું.’
મેયરે સ્થાનિક ચેરિટીઝ પાર્કિન્સન્સ અને હેરો બીરેવમેન્ટ કેર માટે ૨૩,૦૦૦ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કરાવી કોમ્યુનિટીને મદદ કરી છે.