લંડનઃ રેલવેમાં અવરજવર કરતા લાખો પ્રવાસીઓ સામે પાંચ વર્ષમાં સૌથી મોટો ભાવવધારો તોળાઈ રહ્યો છે. ફૂગાવાના માપ રીટેઈલ પ્રાઈસીસ ઈન્ડેક્સને સુસંગત રેલવે ભાડાંમાં નિયંત્રિત ભાવવધારો જાન્યુઆરી મહિનામાં કરાય છે. આ વખતે રેલવે ભાડામાં ૩.૯ ટકાનો વધારો થવાની શક્યતા છે, જેનાથી ઘણી સીઝન ટ્કિટ્સના ભાવ સેંકડો પાઉન્ડ વધી જશે. અત્યારે પણ વેતનભીડ અનુભવતા પરિવારો અને સધર્ન રેલવે જેવી નબળો દેખાવ કરતી રેલસેવાઓ માટે આ વધારો માટો ફટકા સમાન બની રહેશે.
રેલવે ભાડાંમાં વધારો આગામી મહિને જાહેર કરાશે અને વર્તમાન સપાટીથી વધીને ૩.૭ ટકાથી ૩.૯ ટકાનો વધારો રહેવાની ધારણા છે. આ વર્ષના જાન્યુઆરીમાં ૧.૯ ટકાનો ભાવવધારો કરાયો હતો તેની સરખામણીએ સૂચિત વધારો લગભગ બમણો હશે.
લંડનથી બર્મિંગહામના પ્રવાસીઓ માટે સીઝન ટિકિટના ભાવ ૪૧૪ પાઉન્ડના વધારા સાથે ૧૦,૬૨૮ પાઉન્ડથી વધી ૧૧૦૪૨ પાઉન્ડ થશે. લંડન વિક્ટોરિયાથી બ્રાઈટન જવા સધર્ન પર સીઝન ટિકિટનો ભાવ આશરે ૧૬૩ પાઉન્ડ વધી જશે. લિવરપૂલથી માન્ચેસ્ટર માટે સીઝન ટિકિટના ભાવમાં ૧૧૯ પાઉન્ડ તેમજ લંડનથી મેઈડનહેટ સુધીના સીઝન ટિકિટના ભાવમાં ૧૧૬.૫૦ પાઉન્ડનો વધારો થશે.