લંડનઃ મુસ્લિમ કઝીન્સ રેશમ ખાન અને જમીલ મુખ્તાર પર ઈસ્ટ લંડનમાં ૨૧ જૂને એસિડ એટેક કરાયો હતો, જેને મેટ્રોપોલીટન પોલીસ હેટ ક્રાઈમ ગણાવી રહી છે. કોઈ જાતની ઉશ્કેરણી વિના જ કરાયેલા એસિડ હુમલામાં રેશમ ખાન અને જમીલ મુખ્તારને દાઝી જવાની ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે આ કેસમાં ઈસ્ટ લંડનના કેનિંગ ટાઉન વિસ્તારમાં અવારનવાર આવતા ૨૪ વર્ષીય જ્હોન ટોમલીનને શંકાસ્પદ હુમલાખોર ગણાવી લોકોને તેનાથી દૂર રહેવા ચેતવણી આપી છે.
રેશમ ખાનની ૨૧મી વર્ષગાંઠની ઉજવણી કરવા તે અને તેનો કઝીન જમીલ ૨૧ જૂનની સવારે બહાર નીકળ્યાં હતાં ત્યારે બેક્ટનની ટ્રાફિક લાઈટ્સ પાસે કારમાં બેઠાં હતાં ત્યારે તેમના પર એસિડનું પ્રવાહી ફેંકવામાં આવ્યું હતું. બન્ને કઝીન્સને ચહેરા અને શરીર પર એસિડથી દાઝવાની ગંભીર ઈજા પહોંચી હતી. જમીલ મુખ્તાર કોમામાં ચાલ્યો ગયો હતો. મેટ્રોપોલીટન પોલીસે શરૂઆતમાં જ્હોન ટોમલીનને શંકાસ્પદ હુમલાખોર ગણાવી હુમલા માટે ધાર્મિક અથવા રંગદ્વેષી હેતુ હોવાનું નકાર્યું હતું. જોકે, ૩૦ જૂને આઘાતજનક ઘટનામાં નવા પુરાવા હાથ લાગ્યા હોવાનું જણાવી એસિડ હુમલાને હેટ ક્રાઈમ ગણાવ્યો હતો અને લોકોને ટોમલીનથી દૂર રહેવા ચેતવણી આપી હતી.
રેશમ ખાને જણાવ્યું હતું કે,‘મારાં જન્મદિને હું અને મારો કઝીન સવારે કાર ડ્રાઈવ પર ગયાં હતાં ત્યારે ટ્રાફિક લાઈટ પાસે ઉભેલા એક માણસે અચાનક આવી કારની વિન્ડોમાંથી પ્રવાહી ફેંક્યું હતું. આ પછી કઝીનની સાઈડે જઈને પણ તેણે તેના પર વધુ પ્રવાહી ફેંક્યું હતું અને તે નાસી ગયો હતો. મને સખત પીડા થતી હતી અને મારાં કપડાં બળવા લાગ્યા હતા. અમને રસ્તા વચ્ચે જ વસ્ત્રો દૂર કરવાની ફરજ પડી હતી. અમે મદદ અને પાણી માટે ચીસાચીસ કરી હતી. આ બધું ૪૫ મિનિટ ચાલ્યું હતું. એક ડ્રાઈવરે અમને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.’ રેશનને સ્કીન ગ્રાફ્ટિંગ કરાયું છે અને તેનો ચહેરો કેવો લાગશે તેની રાહ જોવાય છે. જમીલ મુખ્તારને વધુ ગંભીર ઈજા પહોંચી હતી અને તે કોમામાં ચાલ્યો ગયો હતો. રેશમે કહ્યું હતું કે,‘મારું જીવન હવે કેવું હશે તેના વિચારો આવ્યા કરે છે. બ્રિટનમાં એસિડ હુમલા વિશે મેં કદી સાંભળ્યું જ નથી.’
એસિડ હુમલાથી એશિયન કોમ્યુનિટી ભારે આઘાતમાં છે. ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે વાતચીતમાં લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘ન્યુહામમાં યુવતી પર એસિડ હુમલાની ક્રિમિનલ ઘટનાને વખોડવી જોઈએ. કોઈ પણ માનવીને શારીરિક કે અન્ય નુકસાન પહોંચાડવાનો કોઈને અદિકાર નથી. આ માત્ર એક હુમલો નથી પરંતુ, તેનાથી કોમ્યુનિટીમાં ફેલાતો ડર અસામાન્ય છે. કોમ્યુનિટીએ આ મુશ્કેલ સમયમાં પીડિત અને તેના પરિવારને સપોર્ટ કરવા આગળ આવવું જોઈશે.’
રેશમ સાયપ્રસથી એક વર્ષના એક્સચેન્જ પ્રોગ્રામ પછી હાલ પાછી ફરી છે. તેના એક વિદ્યાર્થી મિત્રે લાંબી સારવારમાં મદદ માટે નાણા એકત્ર કરવા ‘GoFundMe’ પેજ પણ બનાવ્યું છે. અન્ય મિત્ર ડેનિયલ માને જણાવ્યું હતું કે,‘રેશમ આત્મવિશ્વાસપૂર્ણ યુવતી છે. તે સમરમાં પોતાનો બિઝનેસ સ્થાપવા તેમજ એશિયન બ્રાઈડલ, મેક-અપ અને હેર આર્ટિસ્ટ મોડેલ બનવા પણ વિચારતી હતી પરંતુ હવે તેની ઓળખ છીનવાઈ ગઈ હોવાનું તેને લાગે છે.’