લંડનઃ રોચડેલના ૪૨ વર્ષીય ઠગ બિઝનેસમેન મુબાસિર આલમને બે VAT છેતરપીંડીમાંથી ઘરભેગા કરેલા ૧.૨૫ મિલિયન પાઉન્ડની રકમમાંથી આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડ ચુકવવા અથવા વધુ ચાર વર્ષની જેલ ભોગવવાનો આદેશ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ફરમાવ્યો છે.
માલ્ડન સ્ટ્રીટના મુબાસિર આલમે બનાવટી વેટ રીપેમેન્ટ્સ મેળવવાના ઈરાદે આઠ નકલી ક્લોધિંગ કંપનીઓ ઉભી કરી હતી. આ કેસમાં તેને નવેમ્બર ૨૦૧૪માં પાંચ વર્ષની જેલની સજા કરાઈ હતી. હવે તેણે ત્રણ મહિનાની અંદર ચોરેલો ટેક્સ ચુકવવો પડશે અથવા વધુ ચાર વર્ષ માટે જેલમાં રહેવું પડશે. આ પછી પણ તેણે નાણા તો ચુકવવા જ પડશે.
કોર્ટે ઠરાવ્યું હતું કે આલમે તેના અપરાધોમાંથી ૧,૦૫૩,૫૮૬ પાઉન્ડનો લાભ મેળવ્યો છે. રેવન્યુ વિભાગની તપાસમાં હાથ લાગેલા પુરાવા અનુસાર તેની પાસે ૩૨૮,૮૪૦ પાઉન્ડની મિલકતો તેમજ બેન્કખાતાઓમાં અને પરિવારના અન્ય સભ્યોને ૭૦,૦૦૦ પાઉન્ડની ભેટ આપી હતી. આ મુદ્દે ૩૯૭,૨૩૫ પાઉન્ડ પરત ચુકવવા કોર્ટે તેને આદેશ કર્યો હતો.
HMRC ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના આસિ. ડિરેક્ટર ડેબી પોર્ટરે જણાવ્યું હતું કે, ‘આલમે તેણે ઉભી કરેલી બનાવટી કંપનીઓથી અંતર જાળવવા ઘણું કર્યું હતું અને જાહેર નાણા ખિસ્સાભેગાં કર્યા હતા. અમે UK VAT સિસ્ટમનો આવો દુરુપયોગ થવા દઈશું નહિ અને ચોરેલાં નાણા કરદાતાઓના ભંડોળમાં પાછા આવે તે માટે બધું જ કરીશું.’