લંડનઃ નાણા ચૂકવવાના સાધન તરીકે ચેક લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ સાધન છે પરંતુ, ઘણી કંપનીઓ હવે તેને સ્વીકારવાનું નકારે છે અથવા તેના ઉપયોગ માટે વધારાનો ચાર્જ લગાવે છે. બેન્કોની શાખાઓ બંધ થવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ચેક જમા કરાવવાના સ્થળની સમસ્યા પણ વધી છે. હાઈ સ્ટ્રીટની કોઈ બેન્ક હવે ગ્રાહકોને વિનંતી વિના ચેકબૂક ઓફર કરતી નથી. તમામ પેમેન્ટ્સનો માત્ર 1 ટકા વ્યવહાર હોવાં છતાં, હજારો લોકો માટે ચેક્સનું વિશેષ મહત્ત્વ છે.
ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીએ 2018 સુધીમાં ચેક્સ તબક્કાવાર દૂર કરવાની જાહેરાત કરી ત્યારે ભારે વિરોધ થયો હતો અને પરિણામે બે વર્ષ પઠી પેમેન્ટ્સ કાઉન્સિલે આ નિર્ણય પાછો ખેંચી લોકપ્રિય પેપર પેમેન્ટ સ્લીપ્સને જરૂર રહે ત્યાં સુધી યથાવત રાખવાની ફરજ પડી હતી. જોકે, હવે ફર્મ્સ ચેક વ્યવસ્થાનો અંત લાવવા પ્રયાસ કરી રહી છે. લોકડાઉન્સમાં નિયંત્રણોના કારણે ચેકનો ઉપયોગ ઘટી ગયો હતો અને બેન્કોની શાખાઓ બંધ થઈ રહી છે ત્યારે ગ્રાહકોને ચેક ક્યાં જમા કરાવવા તેની વિમાસણ થઈ રહી છે.
સેવિંગ્સ સંસ્થા NS&I એ તેના લોકપ્રિય પ્રીમિયમ બોન્ડ પ્રાઈઝ ચેક્સનું પોસ્ટિંગ બંધ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ, ભારે વિરોધ પછી નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. ટેક-સેવી લોકો ચેક્સને ભૂતકાળની બાબત ગણાવે છે પરંતુ, લોકો સ્થાનિક બિઝનેસીસને પેમેન્ટ કરવા, ચેરિટીઝને દાન આપવા તેમજ બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રનને ભેટ તરીકે મોકલવા ચેકનો ઉપયોગ કરતા રહે છે. કેટલાક લોકો મહિને એક ડઝન કરવા વધુ ચેક્સ લખે છે કારણકે એક બટનની ક્લિકથી નાણા ઓનલાઈન ટ્રાન્સફર થઈ જાય તેના કરતાં ચેક લખવા વધુ સલામત લાગે છે.
બેન્કિંગ ટ્રેડ સંસ્થા યુકે ફાઈનાન્સ અનુસાર ચેકનો ઉપયોગ1990માં ટોત પર હતો જ્યારે 4 બિલિયન ચેક્સ લખાયા હતા. વર્ષ 2010માં એક બિલિયનથી વધુ ચેક્સની ચૂકવણી કરાઈ હતી પરંતુ, 2020માં સંખ્યા ઘટીને 185 મિલિયન થઈ હતી. 2020માં મહામારી દરમિયાન અગાઉના વર્ષ કરતાં 32 ટકા ઘટાડો નોંધાયા હતા. બાર્કલેઝ કહે છે કે કોવિડ-19ના ત્રાટકવા અગાઉની સરખામણીએ તેના પર્સનલ કસ્ટમર્સ દ્વારા લખાયેલા ચેક્સની સંખ્યામાં 44 ટકા ઘટાડો થયો હતો. મોન્ઝો અને સ્ટારલિંગ બેન્ક જેવી કેટલીક મોબાઈલ બેન્ક્સ તો ચેકબૂક આપતી જ નથી.