રોબિન્સવિલેમાં સાકાર થયેલું શાનદાર અક્ષરધામ સંકુલ તેના મહામંદિર સાથે યુએસ - કેનેડાથી આવેલા 12,500 કુશળ સ્વયંસેવકોની 12 વર્ષની અથાક મહેનતથી તૈયાર થયું છે, જેની ડિઝાઈન ભારતમાં તૈયાર થઈ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ મંદિરની પ્રગતિથી વાકેફ રહ્યા હતા અને અત્યારે પ.પૂ. મહંત સ્વામી પણ એ જ રીતે સતત પ્રેરણા આપી રહ્યાં છે. અક્ષરધામ મહામંદિર 255 ફૂટ પહોળું, 345 ફૂટ લાંબું અને 191 ફૂટ ઊંચું છે, જે ઉચ્ચ કોટીના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. 185 એકર જમીનમાં બનેલા આ સંકુલમાં 548 સ્ટોન પીલર્સ, 548 સ્ટોન બ્રિક્સ, 10,000 મૂર્તિઓ અને મુદ્રાઓ, 46 સુપર સ્ટ્રકચર્સ, 37 પિરામિડ સ્ટીપલ્સનો સમાવેશ થાય છે, જેનો કન્સ્ટ્રકશન એરિયા 12 લાખ ચોરસ ફૂટ છે.
કલાના વારસાને પ્રદર્શિત કરતાં તેમાં ભારતના પ્રાચીનથી અર્વાચીન 151 સંગીત વાજીંત્રો કોતરવામાં આવ્યા છે, જેમાંના કેટલાક તો લુપ્ત થયા છે અથવા લુપ્ત તેના આરે છે. ભરત મુનિએ લખેલા ભરત નાટ્યશાસ્ત્રની 108 નૃત્ય શૈલીના આબેહૂબ શિલ્પ એટલી બારીકાઈથી તૈયાર કરાયા છે કે એમ લાગે છે કે જો મૃદંગનો તાલ સંભળાય તો આ તમામ શિલ્પોના પગ થીરકવા માંડશે.
સંકુલમાં ઇન્વર્ટેડ ડોમ્સ સાથે 9 મહામંડપમ્ છે, જે 19 લાખ ક્યુબિક ફૂટ એરિયામાં પથ્થરથી બનાવાયા છે, જ્યારે 235 મહામંડપમ્ અથવા સ્ટોન કેનોપી 1 લાખ 10 હજાર ટન કોતરણી કરેલા પથ્થરોથી સાકાર થઇ છે.
અક્ષરધામમાં એક લટાર...
• વર્ષ 2012માં પ.પૂ. પ્રમુખ સ્વામીએ જાતે આ અક્ષરધામનું આર્કિટેક્ચર ફાઈનલ કર્યું હતું અને 2014માં તેમણે પોતાનાં હસ્તે આ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
• 2015થી 2023 સુધી મંદિરનું બાંધકામ ચાલ્યું, જેમાં 12,500 સ્વયંસેવકોની મહેનત વણાયેલી છે. 10 વર્ષમાં હજારો સ્વયંસેવકોએ આ નિર્માણકાર્ય પાર પાડ્યું છે.
• 1000 વર્ષ સુધી અડીખમ રહે એવા આ અક્ષરધામ મંદિરનું નિર્માણ કરતાં 12 વર્ષ થયાં છે. સમગ્ર સંકુલનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર મુજબ થયેલું છે.
• અક્ષરધામ મંદિરના બાંધકામમાં અંદાજે 2 લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ થયો છે.
• અક્ષરધામ 255 ફૂટ × 345 ફૂટ x 191 ફૂટનું માપ ધરાવે છે અને 185 એકરમાં ફેલાયેલું છે.
• અક્ષરધામમાં એક મુખ્ય મંદિર, 12 પેટા-મંદિરો, 9 શિખર અને 9 પિરામિડ શિખરનો સમાવેશ થાય છે.
• 10,000 જેટલી પવિત્ર મૂર્તિઓ, 151 ભારતીય સંગીતનાં વાદ્યો અને 108 પરંપરાગત ભારતીય નૃત્ય રૂપોની કોતરણી અહીં સાકાર થઇ છે.
• મંદિર સંકુલમાં 300થી વધુ પવિત્ર ભારતીય નદીઓ તેમજ પ્રત્યેક 50 અમેરિકી સ્ટેટના જળનો સંગમ રચાયો છે.
• અક્ષરધામની વચ્ચેના સેન્ટ્રલ પાથ - વૈદિક પાથમાં વેદોનાં ચાર સ્વરૂપ દર્શાવાયાં છે. આ પાથના નિર્માણમાં બલ્ગેરિયન સ્ટોન, તુર્કીના લાઈમ સ્ટોન, ગ્રીસના માર્બલ, ચીનના ગ્રેનાઇટ અને ભારતના સેન્ડ સ્ટોન સહિત અલગ અલગ દેશોના પથ્થરો વપરાયા છે.
• તમામ પથ્થરોને ન્યૂ જર્સીથી ભારત મોકલવામાં આવ્યા હતા અને રાજસ્થાનમાં તેનું કોતરણીકામ કરાયું છે અને કોતરણી કામ પૂરું થયે તેને પાછા ન્યૂ જર્સી મોકલીને ફિટ કરાયા છે.
• અક્ષરધામનાં તમામ સ્થળો સાથે કોઇને કોઇ ભારતીય કન્સેપ્ટ સંકળાયેલો છે. સમગ્ર નિર્માણમાં પ્રાચીન ભારતની નૃત્યકલા, શિલ્પકલા અને નિર્માણક્લાનો પણ સંગમ છે.
• અક્ષરધામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નીલકંઠવર્ણીની વિરાટ પ્રતિમા નજીક બનાવાયેલા બ્રહ્મકુંડમાં મહી, ઓઝત, ભાગીરથી, ગંગા, યમુના, નર્મદા, ગંડકી, ગોદાવરી, હુગલી જેવી ઘણી નદીઓનાં પાણીનો સંગમ કરાયેલો છે.
• ભરતનાટ્યમ્ શાસ્ત્રના નિષ્ણાત-અભ્યાસુઓ દ્વારા ભરતનાટ્યમની વિવિધ મુદ્રાઓનું નિદર્શન કરાવીને તૈયાર કરાયેલા લાઇવ સ્કેચ પરથી શિલ્પ કંડારીને ઘુમ્મટની અંદરની તરફના વચ્ચેના પટ્ટામાં મૂકાયા છે.
• મંદિરના ઘુમ્મટની અંદરની તરફના અન્ય પટ્ટામાં નૃત્યની માફક સંગીતક્લાને પ્રસ્તુત કરાઇ છે. ભારતીય સંગીતમાં 600 જેટલાં વિવિધ પ્રકારનાં વાઘો છે, જેના અભ્યાસ પરથી રિસર્ચ ટીમ દ્વારા 151 જેટલાં સંગીતવાદ્યો તારવીને તેની આકૃતિઓ ઘુમ્મટમાં મૂકાઇ છે.