લંડનઃ કોર્ટ ઓફ અપીલ દ્વારા અબ્દુલ અઝીઝ, આદિલ ખાન અને ક્વારી અબ્દુલ રઉફનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરી દેવાતા તેમને હવે પાકિસ્તાન પરત મોકલવામાં આવે તેવી શક્યતા છે. કેટલીક યુવતીઓના જાતીય શોષણ માટે મે, ૨૦૧૨માં દોષિત ઠરેલા નવ લોકો પૈકીના આ ત્રણ છે. કેટલાંક કિસ્સામાં રોશડેલ અને ઓલ્ડહામમાં તરુણીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી હતી.
અઝીઝ, ખાન અને રઉફને ૨૦૧૫માં હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું કે તેમનું નાગરિકત્વ રદ કરવામાં આવશે. પરંતુ, તેનાથી માનવ અધિકારનું ઉલ્લંઘન થશે તેવી દલીલ સાથે તેમણે આ નિર્ણયને પડકાર્યો હતો.
જોકે, ઈમિગ્રેશન ટ્રિબ્યુનલના બે લેવલમાં તેમની દલીલોને ફગાવી દેવામાં આવી હતી. ફર્સ્ટ ટીયર ટ્રિબ્યુનલ (FTT) એ ચુકાદો આપ્યો હતો કે તેમનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરવાથી તેમની અથવા તેમના પરિવારોને થનારી અસર જાહેર હિતો પર થતી અસર કરતાં વધારે નથી.