લંડનઃ વેસ્ટમિન્સ્ટર આતંકી હુમલાની ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે ૨૨ માર્ચની ઘટનામાં હુમલાખોર ખાલિદ મસૂદે ચાર વ્યક્તિની હત્યા કરી તે પછી તેને ઠાર મારવામાં આવ્યો છે. આતંકી હુમલાનો ભોગ બનેલા પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર, યુએસ ટુરિસ્ટ કર્ટ કોચરન અને બે સંતાનોની માતા આયેશા ફ્રેડ તેમજ બ્રિટિશ નાગરિક લેસ્લી રહોડ્સના પરિવારોને વેસ્ટમિન્સ્ટર કોરોનર ડો. ફિઓના વિલકોક્સે સાંત્વના આપી હતી અને સંપૂર્ણ ઈન્ક્વેસ્ટ ૧૯મેએ યોજવાની જાહેરાત કરી હતી.
એન્ટિ-ટેરરિસ્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જ્હોન ક્રોસ્લીએ કોરોનર કોર્ટને જુબાની આપતા જણાવ્યું હતું કે ૩૫ લોકોનાં જીવનને તહસનહસ કરી નાખનારો હુમલો માત્ર ૮૨ સેકન્ડનો હતો. કોરોનર સમક્ષ જણાવાયું હતું કે હુમલાના એક ઈજાગ્રસ્ત હજુ કોમામાં છે. હુમલાના ચોથા મૃતક લેસ્લી રહોડ્સ એક દિવસ પછી લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં મૃત ઘોષિત કરાયા હતા. વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ખાલિદ મસૂદની કારની ટક્કરથી સંખ્યાબંધ ઈજાના કારણે કર્ટ કોચરન અને આયેશા ફ્રેડ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં હતાં, જ્યારે કોન્સ્ટેબલ પાલ્મરને છાતીમાં ચાકુના ઘા મારવામાં આવ્યા હતા.
કોર્ટ સમક્ષ હુમલાની ઘટના અને વિગતો સજૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ ઈન્ક્વેસ્ટની સુનાવણી લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસમાં કરાશે, જ્યારે પ્રી-ઈન્ક્વેસ્ટ રીવ્યુ ૧૯મેનો નિશ્ચિત કરાયો છે.