લંડનની શાંતિને હચમચાવતો આતંકી હુમલોઃ ચારનાં મોત

Wednesday 29th March 2017 07:43 EDT
 
 

લંડનઃ વિશ્વની સૌથી જૂની લોકશાહીની પાર્લામેન્ટ માટે બુધવાર ૨૨ માર્ચનો દિવસ આઘાતજનક બની રહ્યો હતો. લોન વુલ્ફ ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર તેની હ્યુન્ડાઈ કારથી ૨૯ વ્યક્તિને કચડી નાખ્યા પછી ચાકુ સાથે વેસ્ટમિન્સ્ટર પેલેસમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. તેને અટકાવવા જતા પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન સ્ક્વોડના ૪૮ વર્ષીય સભ્ય પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મરે શહાદત વહોરી લીધી હતી. આ હુમલામાં પાલ્મર સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા. આ હુમલાના પગલે રાજધાની લંડનમાં સશસ્ત્ર પોલીસદળની સંખ્યા વધારી દેવાઈ છે તેમજ વિન્ડસર પેલેસ અને બકિંગહામ પેલેસમાં પ્રવેશ મુશ્કેલ બનાવવા અવરોધો લગાવી દેવાયાં છે. પાર્લામેન્ટના ગેટ નજીક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર હુમલાખોર બ્રિટિશ નાગરિક ખાલિદ મસૂદ હતો અને થોડાં વર્ષ અગાઉ હિંસક ત્રાસવાદના સંબંધે તેના પર MI5ની નજર પણ હતી તેમ થેરેસા મેએ હાઉસ ઓફ કોમન્સમાં જાહેર કર્યું હતું.

લોન વુલ્ફ હુમલાખોરો બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા અને પડકારજનક બની રહ્યા છે ત્યારે ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકની જવાબદારી લીધી હતી પરંતુ સ્કોટલેન્ડ યાર્ડે આ દાવાને ફગાવી દીધો હતો. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે આ હુમલાથી લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વનેતાઓએ બ્રિટનને સમર્થન જાહેર કર્યું હતું. દેશને હચમચાવી દેનારા પાર્લામેન્ટ હુમલાના ૨૪ કલાકમાં જ લંડનનું જનજીવન થાળે પડી ગયું હતું. લોકો પોતાના કામે જવા માટે અંડરગ્રાઉન્ડ, ટ્રેન-બસોમાં રોજિંદી મુસાફરી કરતા જણાયાં હતાં. સોશિયલ મીડિયામાં ‘વી આર નોટ અફ્રેઈડ’નો ટ્રેન્ડ ચાલ્યો હતો.

વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકની તપાસઃ વધુ એકની ધરપકડ

વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકની તપાસ ચાલી રહી છે ત્યારે ત્રાસવાદી કૃત્યો આચરવાની તૈયારીની શંકાના આધારે પોલીસે રવિવાર, ૨૬ માર્ચે બર્મિંગહામમાંથી ૩૦ વર્ષના પુરુષની ટેરરિઝમ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં રાખ્યો હતો. આમ, દેશભરમાં દરોડાઓ પછી ડઝન જેટલા લોકોને પકડવામાં આવ્યા છે.

હુમલાખોર ખાલિદ મસૂદ જે ઘરોની નિયમિત મુલાકાત લેતો હતો અને જ્યાંથી બાળકોને નજીકની મસ્જિદમાં લઈ જતો હતો તે સ્થળો તપાસના દાયરામાં લેવાયાં છે. ગત બુધવારના હુમલા પછી શહેરમાં ચોથા ઘરમાં દરોડો પડાયો હતો, જ્યાંથી પોલીસ અધિકારીઓ બે કોમ્પ્યુટર અને દસ્તાવેજો બહાર લઈને આવતા જણાયા હતા. આ ઘરમાં રહેતા શેરિફ અને ફાતિમા દ્રામેહે મસૂદને તેમના બાળકોને મસ્જિદમાં લઈ જવાની છૂટ આપી હતી. આ ઘર નજીકની એક પડોશીએ કહ્યું હતું કે ખાલિદ મસૂદ તેના પરંપરાગત ઈસ્લામિક ડ્રેસમાં આવતો હતો અને બે બાળકોને મસ્જિદ લઈ જતો હતો.

હુમલો અમે કરાવ્યોઃ ઈસ્લામિક સ્ટેટ

 ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકની જવાબદારી લીધી છે. દેશભરના દરોડાઓમાં પોલીસે ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત એક આતંકવાદીની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન, ઈસ્લામિક સ્ટેટની પ્રચાર સંસ્થા 'અમાક'એ દાવો કર્ય છે કે, અમારા ખલીફાના સૈનિકે બ્રિટિશ સંસદ પર હુમલો કર્યો હતો. અમેરિકા સાથે મળીને ઇસ્લામિક સ્ટેટ સામે લડવા બદલ અમે આ હુમલો કર્યો છે. આ વ્યક્તિએ ફૂટપાથ પર એક વાહન ચઢાવીને અનેક લોકોને કચડી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો.

બ્રિટિશ પોલીસના જણાવ્યા મુજબ આ હુમલો વિચારધારાથી પ્રેરાઈને એક જ વ્યક્તિ દ્વારા કરાયો હોવાથી તેની આગોતરી ગુપ્તચર માહિતી અમારી પાસે ન હતી. આ માટે કોઈ મોટું કાવતરું ઘડાયું ન હતું. આ હુમલામાં અમારા એક અધિકારી શહીદ થયા છે. અમારી સહાનુભૂતિ તેમના પરિવારજનો સાથે છે. અમે તેમનો જીવ બચાવવા તનતોડ પ્રયાસ કર્યા હતા. તેઓ અમારા હીરો છે.

બર્મિંગહામ સહિત છ સ્થળે દરોડાઃ આઠની ધરપકડ

પાર્લામેન્ટ આતંકી હુમલા સંદર્ભે લંડન મેટ્રોપોલીટન પોલીસ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સશસ્ત્ર પોલીસે દેશમાં બર્મિંગહામ સહિત છ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આઠ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે ‘લોન વૂલ્ફ’ વેસ્ટમિન્સ્ટર ટેરરિસ્ટના સાથીઓને શોધવાના પ્રયાસમાં બુધવારની રાત્રે બર્મિંગહામમાં ટેઈકઅવેની ઉપર આવેલા ફ્લેટમાં દરોડો પાડી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. પડોશીઓના માનવા અનુસાર લંડનમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણની હત્યા કરનારો હુમલાખોર આ ફ્લેટમાં રહેતો હતો. અન્ય સૂત્રે એવો દાવો કર્યો હતો કે શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ કાર આ જ વિસ્તારમાંથી ભાડે લેવાઈ હતી.

લંડન અને બર્મિંગહામમાં સશસ્ત્ર પોલીસે છ મકાનો પર દરોડા પાડ્યા હતા અને બર્મિંગહામની પૂર્વમાં હેગ્લે રોડ પર ટેઈકઅવે ઉપર બીજા માળના ફ્લેટમાંથી ત્રણ વ્યક્તિને ઝડપી લીધી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સહકાર સાથેના ઓપરેશન વિશે કશી ચર્ચા કરવા સ્કોટલેન્ડ યાર્ડે ઈનકાર કર્યો હતો. જોકે, દરોડાઓ પાછળ યાર્ડની જ દોરવણી હોવાનું મનાય છે. બુધવારે બપોરે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછી ૨૯ વ્યક્તિને ઈજા પહોંચાડનારી હ્યુન્ડાઈ કાર આ જ રોડ પરની કંપનીમાંથી ભાડે લેવાઈ હોવાનું કહેવાય છે. બર્મિંગહામનો હેગ્લે રોડ બુધવાર રાત્રે ૧૧ વાગ્યાથી મોડી રાતના બે વાગ્યા સુધી બંધ કરી દેવાયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર સહિત ત્રણના મોત

મેટ પોલીસના સીનિયર એન્ટિ-ટેરર અધિકારી અને એક્ટિંગ ડેપ્યુટી કમિશનર માર્ક રોલીએ કહ્યું હતું કે સેંકડો ડિટેક્ટિવ્ઝે આખી રાત કામ કર્યું હતું અને તપાસના પરિણામે છ સ્થળોએ દરોડા અને ધરપકડો કરાઈ હતી. આમ છતાં, અત્યારના તબક્કે અમારું માનવું છે કે હુમલાખોરે એકલા જ આ હુમલો કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદમાંથી તેણે પ્રેરણા મેળવી હતી. હુમલાખોરના હેતુ, તૈયારી અને સાથીઓ સંબંધે અમારી તપાસ ચાલુ જ છે. રોલીએ ૧૫ વર્ષથી પોલીસદળમાં કાર્યરત કોન્સ્ટેબલ પાલ્મરની સેવાને બિરદાવી હતી.

બુધવારના હુમલામાં પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન સ્ક્વોડના ૪૮ વર્ષીય સભ્ય પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મરનું મોત થયું છે. ત્રણ નાગરિકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. પાલ્મરે વેસ્ટમિન્સ્ટર પેલેસ તરફ ધસતા હુમલાખોરને અટકાવવાનો પ્રયાસ કરતા તેણે ચાકુથી સામો હુમલો કર્યો હતો. આ પછી સશસ્ત્ર ઓફિસરોએ હુમલાખોરને ઠાર માર્યો હતો. પાર્લામેન્ટની સામેની રેલિંગ સાથે અથડાતા અગાઉ હુમલાખોરે તેની કારથી બ્રિજ પરના રાહદારીઓને કચડી નાખ્યા હતા.

ચારના મોત, ૨૯ ઈજાગ્રસ્ત

હુમલાખોર ઉપરાંત, પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર, અન્ય એક પુરુષ અને ૪૩ વર્ષીય શિક્ષિકા આયેશા ફ્રેડનાં મોત થયા હતા. આયેશા તેના સાત અને આઠ વર્ષના બાળકોને મળવા જતી હતી ત્યારે તેનું મોત થયું હતું. જ્યારે, ૨૯ ઈજાગ્રસ્તોમાંથી સાતની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોમાં ૧૨ બ્રિટિશ નાગરિક, શાળાના ત્રણ ફ્રેન્ચ વિદ્યાર્થીઓ, રજા માણવા આવેલું રોમાનિયન દંપતી- આન્દ્રેઈ અને એન્ડ્રીઆ, ચાર કોરિયન પર્યટકો, બે ગ્રીક નાગરિક, એક આઈરીશ તેમજ ચીન, ઈટાલી, જર્મની, પોલેન્ડ, અમેરિકાના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. હુમલાથી બચવા એક મહિલાએ થેમ્સ નદીમાં છલાંગ લગાવી હતી. આ મહિલાને બચાવી લેવાઈ છે પરંતુ તેની હાલત ગંભીર છે. વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ચાલતા અન્ય ત્રણ પોલીસ ઓફિસર્સ પણ હુમલામાં ઘાયલ થયા. જે પૈકી બેની હાલત ગંભીર છે.

સમગ્ર વિશ્વે હુમલાને વખોડ્યો

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પણ પાર્લામેન્ટ હુમલામાં માર્યા ગયેલાઓ માટે સંવેદના વ્યક્ત કરી હતી. યુકેના વડા પ્રધાન થેરેસા મેએ એક નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનો દેશ આવા હુમલાથી ડરવાનો નથી. હુમલા પછી કોબ્રા ઈમરજન્સી મીટિંગના પગલે તેમણે કહ્યું હતું કે, હિંસા અને ત્રાસ દ્વારા બ્રિટિશ મૂલ્યોને પરાજિત કરવાનો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જ જશે. આ મહાન શહેર રોજની જેમ ચાલુ રહેશે. શહેર આતંકવાદ સામે ઝૂકશે નહીં તથા સંસદની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહેશે. લંડનના લોકો હંમેશાની જેમ બસ અને ટ્રેનોમાં પ્રવાસ કરશે. આપણે બધા સાથે મળીને ચાલીશું.’ થેરેસા મેએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનો માટે પ્રાર્થના પણ કરી હતી.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વનેતાઓએ બ્રિટનને સમર્થન જાહેર કર્યું હતું. ટ્રમ્પે ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘ લંડન પર ત્રાસવાદી હુમલા અંગે દિલસોજી પાઠવવા યુકેના પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે સાથે વાત કરી. તેઓ મજબૂત દિલના છે અને સારી કામગીરી કરી રહ્યા છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સવારે ટ્વિટ કરીને લંડન હુમલાઓ પ્રત્યે શોક પ્રગટ કર્યો હતો. મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે,‘લંડન હુમલા અંગે જાણીને ઊંડા શોકની લાગણી થઈ. પીડિતો તથા તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ છીએ. સંકટની આ ઘડીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત બ્રિટનની પડખે ઊભું છે.’ મોદીએ તેમના ટ્વિટમાં બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે તથા બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યાં છે.

જનજીવન ૨૪ કલાકમાં જ સામાન્યઃ ‘વી આર નોટ અફ્રેઈડ’નો ટ્રેન્ડ

દેશને હચમચાવી દેનારા પાર્લામેન્ટ હુમલાના ૨૪ કલાકમાં જ લંડનનું જનજીવન થાળે પડી ગયું હતું. લોકો પોતાના કામે જવા માટે અંડરગ્રાઉન્ડ, ટ્રેન-બસોમાં રોજિંદી મુસાફરી કરતા જણાયાં હતાં. સોશિયલ મીડિયામાં ‘વી આર નોટ અફ્રેઈડ’નો ટ્રેન્ડ ચાલ્યો હતો. ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને જણાવ્યું હતું કે ‘શહેર ત્રાસવાદથી માત ખાશે નહિ. લંડને અગાઉ પણ આ નિહાળ્યું છે અને હવે પણ તેનો સામનો કરશે.’

લંડનના મેયર સાદિક ખાને આ હુમલામાં માર્યા ગયેલાને યાદ રાખવા ગુરુવારે સાંજે છ વાગે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં કેન્ડલલાઈટ વિગિલમાં ઉપસ્થિત રહેવાં લંડનવાસીઓ અને શહેરમી મુલાકાતે આવેલા બધાને આમંત્રિત કર્યા હતા. મેયરની વેબસાઈટ પર જણાવાયું હતું કે, વિશ્વમાં લંડન મહાન નગર છે. આપણે ત્રાસવાદ સામે ઝૂકીશું નહિ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં લંડનના માર્ગો પર હથિયારબદ્ધ અને હથિયાર વિનાના પોલીસ ઓફિસર્સની સંખ્યા વધારી દેવાશે.

બ્રિટિશ હુમલાખોર MI5 ની નજરમાં હતો

પાર્લામેન્ટના ગેટ નજીક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર હુમલાખોર બ્રિટિશ નાગરિક હતો અને થોડાં વર્ષ અગાઉ હિંસક ત્રાસવાદના સંબંધે તેના પર MI5ની નજર પણ હતી તેમ થેરેસા મેએ હાઉસ ઓફ કોમન્સમાં જાહેર કર્યું હતું. હાલ તે ઈન્ટેલિજન્સ ચિત્રમાં ન હતો. પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસ આશરે ૩,૦૦૦ લોકો અને મુખ્યત્વે ઈસ્લામવાદીઓ પર નજર રાખે છે, જેમને તેઓ ડોમેસ્ટિક ટેરરિઝમ આચરવાના સંભવિત પાત્ર ગણે છે. તેમાંથી ૫૦૦ લોકો સક્રિય નજર હેઠળ રહેલા છે. હુમલાખોર એટલો જોખમી ગણાયો ન હતો અને ૩,૦૦૦ની યાદીમાં તેનું નામ પણ ન હતું. હુમલામાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ ટક્શન કાર એન્ટરપ્રાઈસ હોલ્ડિંગ્સની બ્રાન્ચમાંથી ભાડે મેળવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter