લંડનઃ યુકેની રાજધાની લંડનની વસ્તી વધતી રહે છે ત્યારે તેને પાણીનો તીવ્ર દુકાળ સહન કરવાનો આવશે તેવી ચેતવણી બે સિવિલ એન્જિનીઅરિંગ નિષ્ણાત પ્રોફેસરોએ આપી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડાઓ અનુસાર ૨૦૩૫માં લંડનની વસ્તી ૧૦ મિલિયનના આંકડાને વટાવી જશે અને આ સમયગાળા દરમિયાન અંદાજે ૫૦,૦૦૦ ઘરનું નિર્માણ કરાવાની ધારણા છે. છેલ્લે ૨૦૧૧માં વસ્તીગણતરી થઈ ત્યારે લંડનની વસ્તી ૮.૧ મિલિયન હતી.
ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં કોમ્યુનિટી વોટર મેનેજમેન્ટ ફોર લિવેબલ લંડન (કેમેલીઆ) પ્રોજેક્ટના અગ્રણી પ્રોફેસર એડ્રિયન બટલરે કહ્યું છે કે આ પ્રકારની વસ્તીવૃદ્ધિના પરિણામે લંડનવાસીઓએ પાણીની બચત કેવી રીતે કરી શકાય તેનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. કેમેલીઆ પ્રોજેક્ટ ભવિષ્યમાં લંડનના વોટર સપ્લાયને કેવી રીતે જાળવી શકાય તેના નિરાકરણનો હેતુ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ‘લંડનમાં પાણીના દુકાળની ચિંતા વાસ્તવિક છે અને સમય જતા તે વધુ વિકરાળ બનશે. મોટી ચિંતા શિયાળામાં વરસાદ પર આધાર રાખવાની છે, જ્યારે ઉનાળાની માફક પાણીનું બાષ્પીભવન થતું નથી. જો સતત સુકા શિયાળા આવશે તો ઉનાળામાં પાણીની તંગી સહન કરવી પડશે. લંડનની વસ્તી જે રીતે વધતી જાય છે તેને જોતાં માગ વધશે અને ત્યારે પાણીના અસરકારક ઉપયોગનો પડકાર આવીને ઉભો રહેશે.’
કેમેલીઆ પ્રોજેક્ટનું એક નિરાકરણ વરસાદી પાણીના સંરક્ષણનું છે. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર સારાહ બેલ કહે છે કે,‘ વરસાદી પાણી છત પરથી વહી જાય તેના બદલે બગીચાને પાણી આપવા એક ટાંકીમાં સંગ્રહિત કરાવું જોઈએ, જેથી પીવાના પાણી પરનો આધાર ઘટશે.’ ગયા વર્ષે કેપ ટાઉન શહેરમાં જળસ્તર અતિ નીચે જવાથી સત્તાવાળાઓએ નળમાં પાણી નહિ આપવાની ધમકી આપવી પડી હતી. જોકે, લંડનમાં વ્યવસ્થા સારી હોવાથી ‘ડે ઝીરો’ની આવી શક્યતા તેમણે નકારી હતી. આમ છતાં, અત્યારથી જાગૃત ન થઈએ તો લંડનમાં પાણીના દુકાળની ચેતવણી પણ તેમણે આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘શિયાળામાં વરસાદ ન આવે તો આપણાં જળસ્રોતો પર દબાણ વધી જશે. વસ્તી વધવા સાથે આપણે પાણીનાં ઓછા વપરાશ અંગે શીખવું પડશે.’