લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 5 ફેબ્રુઆરી 2025ના દિવસે યુગાન્ડાના સમૃદ્ધ વારસાની ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સંગીત અને નૃત્યના માધ્યમ થકી યુગાન્ડાની કળા, હસ્તકૌશલ્ય, ફેશન અને પ્રતિભાને પ્રદર્શિત કરાઈ હતી. યુગાન્ડાના ચમત્કારી વૃક્ષો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વૃક્ષોના સંરક્ષણ અને ઈકોસિસ્ટમના મહત્ત્વને પણ દર્શાવાયું હતું.
લેગે સ્ટુડિયોઝના હર્બર્ટ લાંગાલાંગા વૃક્ષના થડની શિલ્પકૃતિ દર્શાવી યુગાન્ડાના સ્વદેશી વૃક્ષોના ઔષધીય ગુણોની સમજ આપી હતી. યુગાન્ડામાં જન્મેલા બ્રિટિશ ડિઝાઈનર જોશ હેન્ડોએ વૃક્ષની છાલમાંથી તૈયાર વસ્ત્રની ફેશનથી ઓડિયન્સને પ્રભાવિત કર્યું હતું જ્યારે અટુરા નેચરલ્સના સ્થાપક નોરા કેરેજીએ નાઓટિકા શૈ બટરના ઉપયોગ સાથેની તેમની યુકેસ્થિત બ્રાન્ડને દર્શાવવા સાથે પ્રવાસન કેન્દ્ર તરીકે યુગાન્ડાની ગર્ભિત ક્ષમતા વિશે જણાવ્યું હતું. મિરિઅમ ફેઓના ઓટેન્ગો અને જેકી કેમિર્મ્બીએ યુગાન્ડાના સમૃદ્ધ વારસાને દર્શાવવા સાથે શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કર્યું હતું.
આ ઈવેન્ટમાં યુનાઈટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના હાઈ કમિશનર તેમજ આયર્લેન્ડ માટેના એમ્બેસેડર નિમિષા માધવાણીએ ચાવીરૂપ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસિડેન્ટ મુસેવેનીને વિઝનરી નેતા, સંસ્કૃતિવાદી તેમજ વિરાસત અને ઓળખનું મૂલ્ય આંકતા ઈતિહાસવિદ્ તરીકે બિરદાવવા સાથે વર્ષોની રાજકીય અરાજકતા પછી 1993માં યુગાન્ડાના સાંસ્કૃતિક નેતાઓની પુનઃસ્થાપનામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો. 46 મિલિયનની વસ્તી અને 50થી વધુ વંશીય સમૂહો સાથે યુગાન્ડા ઓળખ, એકતા અને આર્થિક વૃદ્ધિને વિકસાવતી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવે છે. તેમણે કહ્યું હતું કે,‘ વંશીય વૈવિધ્ય હોવાં છતાં, આપસી આદર અને સહભાગી પરંપરાઓ સામાજિક બંધનને મજબૂત બનાવે છે. દીવાળી, ક્રિસમસ, ઈસ્ટર અને રામાદાન જેવા રાષ્ટ્રીય ઉત્સવો કોમ્યુનિટીઓને નજીક લાવે છે.’
હાઈ કમિશનર નિમિષા માધવાણીએ યુગાન્ડાની સાંસ્કૃતિક વિરાસતને પ્રવાસનનું ચાલકબળ ગણાવ્યું હતું જે પ્રવાસીઓને તેના પરંપરાગત સમારંભો અને ઐતિહાસિક સ્થળો તરફ આકર્ષે છે. તેમણે કહ્યું હતું કે,‘યુગાન્ડામાં ત્રણ યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ--- કાસુબી ટોમ્બ્સ, બ્વિન્ડી ઈમ્પેનેટ્રેબલ નેશનલ પાર્ક અને રવેન્ઝોરી માઉન્ટેન્સ--- આવેલી છે, જે સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સમગ્ર વર્ષ દરમિયાન ખુશનુમા આબોહવા સાથે ભવ્ય પ્રાકૃતિક સૌંદર્ય ઓફર કરે છે.’ તેમણે સામાજિક સંવાદિતામાં ઈમ્બાલુ સર્કમસિઝન વિધિ જેવી પરંપરાગત પ્રથાઓની ભૂમિકા પર ભાર મૂકી યુગાન્ડાના આઈકોનિક બેકક્લોથની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસ્કૃતિ ઈતિહાસનું જતન કરવાની સાથોસાથ આવક ઉભી કરે છે, નોકરીઓ સર્જે છે અને યુવા પેઢીઓને મૂલ્યો, નીતિમત્તા અને સામાજિકઉત્તરદાયિત્વનું શિક્ષણ આપે છે. ભારતીય, ચાઈનીઝ અને વિવિધ આદિવાસી વાનગીઓનું જતન કરતા દેશમાં યુગાન્ડન હિન્દુ તરીકે પોતાના અનુભવો થકી દેશની રસોઈકળાની વિવિધતા સાથે આહાર રીતરિવાજો માટે આપસી આદર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઈવેન્ટમાં ઉપસ્થિતોમાં એક ડો. અવની વ્યાસે કમ્પાલામાં પ્રથમ યુગાન્ડા ડાયસ્પોરા કન્વેન્શન અને વર્તમાન IMO ઈવેન્ટ થકી યુગાન્ડાના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવાના આયોજનમાં હાઈ કમિશનર નિમિષા માધવાણીની નેતાગીરીને બિરદાવી હતી. પોતાની ભાણેજી અવની સાથે યુગાન્ડાની મુલાકાત લેનારા ત્રીજી પેઢીના યુગાન્ડન ભારતીય ડો. મનોજ જોશી MBEએ યુગાન્ડાના ડાયસ્પોરા સાથે સંપર્ક જાળવવા તેમજ ઈન્વેસ્ટમેન્ટ અને ટુરિઝમ વિશે પ્રેસિડેન્ટ મુસેવેનીના વિઝનને આગળ વધારવામાં નિષ્ઠા અને સમર્પણ બદલ હાઈ કમિશનર નિમિષા માધવાણી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. 52 વર્ષ પછી યુગાન્ડાની મુલાકાત લેનારા મનોજભાઈએ તેને લાગણીસભર અને શિક્ષાપ્રદ અનુભવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘મારી પત્ની ભાવના, પુત્રી મેઘા, બહેન જયશ્રી વ્યાસ અને ભાણજી અવનીમાંથી ત્રણ વ્યક્તિએ સૌપ્રથમ વખત યુગાન્ડાની મુલાકાત લીધી હોવાથી પ્રવાસ વિશિષ્ટ રહ્યો હતો.’
વાટોટો ચિલ્ડ્રન્સ કોઈર દ્વારા મનોરંજન પીરસાયું હતું જેમાં મ્યુઝિક અને ડાન્સ પરફોર્મન્સીસ દ્વારા તેમની પ્રતિભા, શક્તિ અને યુગાન્ડાની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રદર્શિત થઈ હતી. ઈવેન્ટમાં ડીન ઓફ ડિપ્લોમેટિક કોર્પ્સ, ડીન ઓફ આફ્રિકન હેડ્સ ઓફ મિશન્સ ઈન યુકે, રાજદ્વારી મિશનોના 17 વડા, તેમજ યુકેના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.