લંડનઃ આંકડાઓ દર્શાવે છે કે યુકેમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટ્રેટ કેન્સર અને પેન્ક્રીયાટિક કેન્સરથી કુલ જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે તેના કરતાં પણ વધુ દર્દી લંગ કેન્સરથી જીવ ગુમાવે છે. એટલું જ નહીં, લંગ કેન્સરના સરેરાશ 20 ટકાથી વધુ કેસ એવા હોય છે કે જેમાં આ જીવલેણ કેન્સરના કોઇ આગોતરા કોઇ સંકેત જોવા મળતા નથી, અને જ્યારે કેન્સર હોવાની જાણ થાય છે ત્યારે સારવાર માટે બહુ મોડું થઇ ગયું છે.
લંગ કેન્સર પુરુષ-સ્ત્રી, યુવાન-વૃદ્ધ અને ધુમ્રપાન કરનારા તથા નહીં કરનારાઓ એમ કોઇને પણ થઇ શકે છે. લાયોનેટ ચંદ્રિકાબહેન રાજેન્દ્રભાઇ પટેલનો કેસ પણ આવો જ છે.
સ્વ. ચંદ્રિકાબહેન એકદમ હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવતા હતા. તેઓ સ્મોકિંગ કરતાં નહોતાં, હસમુખો સ્વભાવ ધરાવતાં હતાં અને તેમની આસપાસ રહેલા તમામ લોકોની કાળજી રાખતાં હતાં. અને આમ છતાં તેમને આ જીવલેણ રોગ ભરખી ગયો. લંગ કેન્સરની સફળ સારવારનો એક જ અસરકારક ઉપાય છે - તેનું વહેલાસર નિદાન.
સ્વ. ચંદ્રિકાબહેનની સ્મૃતિમાં તેમજ આ રોગ પ્રત્યે જાગૃતિ વધારવા અને આ ક્ષેત્રે વધુ સંશોધન થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે લાયન્સ ક્લબ ઓફ એન્ફીલ્ડ દ્વારા 25 હજાર પાઉન્ડનું દાન આપવામાં આવ્યું છે. લાયન જયંતભાઇ દોશીના નેતૃત્વમાં લાયન રાજેન્દ્રભાઇ પટેલ, તેમના પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા એકત્ર કરવામાં આવેલું આ ભંડોળ રોય કેસલ કેન્સર ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવ્યું છે. આ નાણાં લંગ કેન્સરના વહેલા નિદાન સંબંધિત ખૂબ જ મહત્ત્વનું સંશોધન કરી રહેલા યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલના પ્રોફેસર સેમ જેન્સને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.