લંડનઃ ઈસ્લામ ધર્મ અપનાવનારી ચાર સંતાનોની ૨૬ વર્ષીય માતા સીનેડ વુડિંગની તેના પતિ અક્સર અલીએ હત્યા કરી હોવાની રજૂઆત લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં કરાઈ હતી. પતિએ સીનેડને તેની મિત્ર તેમજ પરિવારના સભ્યોને મળવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, જે સીનેડે માન્યો ન હતો. અલી સહિતના ચાર આરોપીએ ગુનાનો ઈનકાર કર્યો છે અને ટ્રાયલ હજુ ચાલે છે.
અલી અને તેના મિત્ર યાસ્મિન અહમદે આ હત્યા કરી હતી, જેમાં મૃતદેહનો નિકાલ કરવામાં અલીની માતા અને ભાઈએ મદદ કરી હોવાનું કોર્ટમાં જણાવાયું હતું. સીનેડનો મૃતદેહ બળેલી હાલતમાં એડલ વુડ્સમાંથી ૨૪ મેએ મળી આવ્યો હતો. અહમદના ઘેર પાર્ટીમાં સીનેડ અને અલી વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્રોસીક્યુટર નિકોલસ કેમ્પબેલે જણાવ્યું હતું કે મિસ. વુડિંગની મુલાકાત અલી સાથે થઈ તે પહેલા તેણે ઈસ્લામ ધર્મ અપનાવવાનો શરુ કરી પોતાનું નામ બદલીને ઝાકીરા રાખ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૫માં તે બંનેએ ઈસ્લામિક વિધિ અનુસાર નિકાહ કર્યા હતા. આ સંબંધ અસ્થિર અને હિંસક બની ગયો હતો.