લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટમાંથી 1200 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત

Wednesday 12th March 2025 05:41 EDT
 
 

મુંબઈઃ પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ટ્રસ્ટમાંથી 1200 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર અને હાલ લીલાવતી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરમબીર સિંહે જણાવ્યું હતું કે કથિતપણે જવાબદાર પૂર્વ ટ્રસ્ટીઓ બેલ્જિયમ અને દુબઈમાં છે. હોસ્પિટલે જારી કરેલા નિવેદનમાં કાયમી રેસિડેન્ટ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ પણ ઓડિટમાં નાણાકીય ગેરરીતિઓ અને ફ્રોડ બહાર આવ્યાને સમર્થન આપ્યું હતું.

લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ટ્રસ્ટે દાવો કર્યો છે કે ટ્રસ્ટના ફંડમાંથી 1200 કરોડ રૂપિયા જેટલા ફંડની ઉચાપત કરવામાં આવી છે. લીલાવતી કીરીટલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના દાવા મુજબ વર્ષો દરમિયાન ગોટાળા કરાયેલી કુલ રકમ 2100 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. સૌથી પહેલી એફઆઈઆર જુલાઈ 2024માં ફાઈલ કરાઈ હતી પરંતુ, ઉચાપતનો સમયગાળો છેક 2001 સુધીનો છે. હોસ્પિટલે ઉચાપત કરાયેલા નાણા પરત મેળવવા કોર્ટનો આશરો લીધો છે. 7 માર્ચે બાંદરા પોલીસ સમક્ષ નવી ફરિયાદ નોંધાવાઈ છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સમક્ષ સત્તાવાર ફરિયાદ કરાઈ છે. ફંડના અભાવથી દરરોજ હોસ્પિટલમાં હજારો પેશન્ટ્સને અપાતી સેવા પર અસર પડી છે.

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરમબીર સિંહે પૂર્વ ટ્રસ્ટીઓ મેલીવિદ્યા આચરતા હોવાના પણ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓની ઓફિસના ફ્લોરિંગ નીચેથી હાડકાં અને વાળ સહિત માનવ અવશેષો સાથેના આઠ કળશ મળ્યા હતા જેને પોલીસે પુરાવા તરીકે સામેલ કર્યા છે.

કોર્ટમાં વર્ષોથી કેસ ચાલી રહ્યો છે ત્યારે ટ્રસ્ટીઓની નવી ટીમ દ્વારા શરૂ કરાયેલા ફોરેન્સિક ઓડિટ ચેકિંગમાં નાણાકીય ગેરરીતિઓ બહાર આવી હતી. લીલાવતી હોસ્પિટલની ગુજરાત ફેસિલિટીમાં પણ કિંમતી ચીજવસ્તુઓ ચોરાયાની તપાસ પણ ચાલી રહી છે. આ ઉપરાંત, હાઈ કોર્ટમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલા ખોટા ખર્ચા બાબતે 500 કરોડ રૂપિયાથી વધુ રકમના દાવા ફાઈલ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter