લંડનઃ સંખ્યાબંધ સશસ્ત્ર લૂંટ તેમજ લંડનમાં બેન્કસ અને બૂકમેકર્સને લૂંટના અનેક પ્રયાસો માટે જવાબદાર ઈસેક્સના ઈવોર મેન્ટ્ન અને ઈલ્ફર્ડના સુબી સહોતાને સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે સંયુક્તપણે કુલ નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. લૂંટફાટના કાવતરાના આરોપોમાં દોષિત ઠરાવાયા પછી બંને આરોપી ગુરુવાર સાત સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
મેન્ટને ૨૩ માર્ચે ગુનાની કબૂલાત કરી લીધી હતી અને તેને છ વર્ષનીન જેલની સજા કરાઈ હતી, જ્યારે ટ્રાયલ પછી બીજી ઓગસ્ટે દોષિત ઠરેલા સહોતાને ૩ વર્ષની સજા થઈ હતી. ત્રીજી નવેમ્બર ૨૦૧૬માં HSBC બેન્કમાં લૂંટના પ્રયાસના પગલે મેટ્રોપોલીટન પોલીસની ફ્લાઈંગ સ્ક્વોડે તપાસ આરંભી હતી. મેન્ટન તરીકે ઓળખાયેલી વ્યક્તિ બેન્કમાં પ્રવેશી હતી અને તેણે સ્ટાફની મહિલા સભ્યને પકડી હતી. તેના હાથમાં ગન હોવાની માન્યતાથી મહિલા કર્મચારીએ ચીસ પાડી હતી અને પરિણામે મેન્ટન તેને છોડી બેન્કની બહાર દોડી ગયો હતો. સીસીટીવીના ફૂટેજ અનુસાર મેન્ટન અન્ય સહોતા નામે ઓળખાયેલી વ્યક્તિ સાથે સાંકડી શેરીમાં ઉભો રહ્યો હતો. મેન્ટને તેના બહારના વસ્ત્રો બદલી સહોતાએ લાવેલી બેગમાં મૂકી દીધા હતા.
મેન્ટન ચોથી નવેમ્બરે બાર્કલેઝ બેન્કમાં ગયો હતો અને તેણે ગન જેવી વસ્તુ કેશિયર સામે ધરી નાણા માગ્યા હતા અને કેશિયરે તેને ૨૮૦૦ પાઉન્ડ રોકડા આપી દીધા હતા. આ બે વ્યક્તિએ ૧૪ નવેમ્બરે પણ હેલિફેક્સ ખાતે લૂંટનો પ્રયાસ કર્યો હતો. મેન્ટને અહીં હેન્ડગન જેવી વસ્તુ ધરી હતી પરંતુ, કેશિયરે સિક્યુરિટી સ્ક્રીન્સ એક્ટિવેટ કરવાથી મેન્ટન નાસી છૂટ્યો હતો. ૨૧ નવેમ્બરે બેટફ્રેડ અને ૨૧ ડિસેમ્બરે વિલિયમ હિલ ખાતે લૂંટના વધુ પ્રયાસ કરાયા હતા.