લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરી જીવનને પુલકિત કરીએ...

જ્યોત્સના શાહ Wednesday 06th January 2021 08:41 EST
 
 

વ્હાલા વાચક મિત્રો,
આપણને કેટલીક વાર બાળપણની વાતો વાગોળવાનું ગમતું હોય છે. જૂની યાદોં તાજી કરવાનો આનંદ જ અનેરો હોય છે.
આજથી દસેક દાયકા પહેલા પત્ર લેખન કલા પર ખાસ ભાર મૂકવામાં આવતો. એમાં અક્ષરની ગુણવત્તા, આરંભ-અંત,પોતાની સંવેદના રજુ કરવાની કળા વગેરે પર ધ્યાન અપાતું. શાળામાં અનુલેખન અને શ્રુતલેખન કરાવતા એ પાછળનો ઉદ્દેશ્ય પણ વ્યક્તિની સૂઝ-સમજ અને અભિવ્યક્તિ કલા જોવાનો અને એના પરથી વ્યક્તિનું માપદંડ અમુક અંશે કરવાનો રહેતો. જે વાત રૂબરૂ સારી રીતે વ્યક્ત ન કરી શકો એને પત્ર દ્વારા વધુ સારી રીતે વિસ્તારપૂર્વક અભિવ્યક્ત કરી શકો, એ જમાનામાં એકબીજાનો સંપર્ક જાળવવાના માધ્યમો આજ જેટલા આધુનિક અને વૈવિધ્ય સભર ન હતા. એથી દૂર રહેતાં સગાં-સંબંધી સાથેના સંપર્કસૂત્રોમાં શ્રેષ્ઠ વિકલ્પ પત્ર લેખન હતું. જે સંવેદનાઓ રૂબરૂ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવાતો એ વાત વ્યક્ત કરવામાં પત્રનો સહારો કામયાબ નીવડતો. પરિણામે વ્યક્તિની લેખન કલા મ્હોરી ઉઠતી. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, તાજેતરમાં ૯૫ વર્ષના પડાવે પહોંચેલા વિદૂષી કાન્તાબેન પ્રભાકાન્તની કલમે લખાયેલ પુસ્તક "સ્મૃતિના સરોવર" નું પ્રકાશન. એમના પૂજ્ય દાદાજી મહાકવિશ્રી ન્હાનાલાલ દલપતરામ કવિ સાથેના સંસ્મરણો વાગોળતું આ પુસ્તક કદાચ આપને ન મળ્યું હોય તો તે વિષે આ વર્ષના ગુજરાત સમાચાર / એશિયન વોઇસના દિવાળી અંકમાં કોકિલાબહેને ચારેક પાનામાં એનું વિહંગાવલોકન કરાવ્યું છે. (પાન નં ૧૨૪ થી ૧૨૭). આ ઉમરે પણ ડીમેન્શીયા કે અલ્જાઇમર જેવા રોગનો ભોગ મુ. કાન્તાબહેન બન્યા નથી એનું કારણ એમની સતત સક્રિયતા. વર્ષો પહેલાના દાદાજી સાથેના સંભારણા એમણે વાગોળ્યા અને ગુજરાતી સાહિત્યને સુંદર ભેટ આપી શક્યા. એમાં એમનું હકારાત્મક વલણ અને જીવનની એક-એક ક્ષણનો સદુપયોગનો સુભગ સમન્વય છે. લેખન કલા વિકસાવવાનો આથી મહાન ફાયદો કયો હોઇ શકે?
 આ પુસ્તક મને પણ મુ. કાન્તાબહેને મોકલ્યું હતું અને એક જ બેઠકમાં હું વાંચી ગઇ, એનો રસાસ્વાદ લીધો. સામાન્યમાં સામાન્ય બાબતને ઝીણવટપૂર્વક મુ. કાન્તાબહેને એમાં વણી લીધી છે. એમની ગુણ ગ્રાહ્યતા એમના દીર્ઘ કાલીન આયુનું રહસ્ય છે.
મારી વાત કરૂં તો હું તાજેતરમાં ભારે દુ:ખદાયક દિવસોમાંથી પસાર થઇ રહી છું. મારા પતિશ્રી ડી.આર.ની અચાનક વિદાયનો કારમો ઘા બેચેન કરી મૂકે છે. જીવન જીવવાનો જાણે કે રસ ઉડી ગયો છે. એ ઘામાંથી બહાર નીકળવા અમારા ૫૧ વર્ષના દામ્પત્ય જીવનના સંસ્મરણો હું હાલ વાગોળી રહી છું. જૂના ફોટાઓ અને ડાયરીના પાનાં ઉથલાવી રહી છું. એમની ૧૯૬૮ની ડાયરી મારા હાથમાં આવતા અમારો એ પ્રણય યુગ જીવંત બની રહ્યો છે. એમની યાદોં તાજી કરી મારા જીવનમાં ડી.આર.નું આગમન, એમના સ્વભાવની ઉદારતા, ઉચ્ચ વિચાર સરણી, સંગીતની સૂરાવલિ, સ્ત્રી દાક્ષિણ્ય, હંમેશા બીજાને મદદ કરવાની ભાવના, સુખ-દુ:ખમાં એકબીજાના સાથી બની જીવનના જંગમાં મેળવેલ સિધ્ધિઓ વગેરે મારૂં પ્રેરક બળ બની જીવન સાર્થક કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અવાર-નવાર રડીને હું મારૂં હૈયું હળવું કરવાનો પ્રયાસ જરૂર કરૂં છું. પળ-પળ મને એમની યાદ સતાવે એ સ્વાભાવિક છે. પરંતુ માત્ર રડીને બેસી રહેવા કરતા હકારાત્મક વલણ અપનાવી લેખન કલાની સંગીન પ્રવૃત્તિમાં મન પરોવું તો વધુ વ્યાજબી લેખાય. મારા જીવનના એ સોનેરી યુગના સંભારણાને શબ્દદેહ આપી શણગારૂં તો સોનામાં સુગંધ ભળે. એનો મતલબ એ નથી કે હું એમને ભૂલવાના પ્રયત્નો કરું છું, પરંતુ એની યાદ કાયમી બનાવવામાં પ્રવૃત્ત બની છું.
આજે એ કલા ઇમેઇલ, મેસેજીસ, સોસીયલ મીડીયા ને વોટ્સએપના યુગમાં કાચી પડતી લાગે છે. આજે તો બીજાના શબ્દોમાં લખાયેલા સંદેશા કોપી કરી એકબીજાને ફોરવર્ડ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિના પોતાના ભાવ કે શબ્દોને સ્થાન નથી હોતું.
અંતરની અભિવ્યક્તિ કરતા બાહ્યાડંબર વધારે લાગે છે. હા...શબ્દોની ગૂંથણી સરસ હોય છે. પણ એનું હાર્દ ક્યાંક ખોવાઇ ગયું હોય એમ લાગે છે.
આજે દાયકાઓ પહેલાની ડાયરીના પાનાં ઉથલાવીએ કે સંઘરી રાખેલા પત્રોનું વાંચન કરીએ તો વર્ષો પહેલાનો એ યુગ જીવંત થતો ભાસે છે. વ્યક્તિના સ્પદંનો એમાં ઝીલાય છે. એ યુગની સામાજિક અને સાંસ્કૃતિક મનોદશા એમાં છતી થાય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એમાં ઉપસતું હોય એવી અનુભૂતિ થાય છે. એક-એક ઝીણામાં ઝીણી વસ્તુનું અવલોકન જોવા મળે છે. પત્ર લખવાની કળા એમાં છતી થાય છે અને આંતરમન ઠલવાતું અનુભવાય છે.
પત્ર લેખનમાં સમય કાઢી નિરાંતે મન ને હ્દયના દ્વાર ખોલી મગજને ફંફોસી-ફંફોસી સરસ, વિસ્તારપૂર્વક વાતોનો ખજાનો ખોલવાની તક મળે. ગુજરાતમાં બેઠાં સ્વજનને લંડનની સફર કર્યાનો લ્હાવો મળે.
સ્વજનોના આવેલ પત્રો પણ સાચવી રાખીએ અને એમની યાદ આવે ત્યારે એ ફરી-ફરી વાંચી સ્વજનોને મળ્યા જેટલી ખુશી અનુભવીએ. હ્દય સંવેદનાઓથી છલકી ઉઠે. આંખોમાં અશ્રુ ઉભરાય. ચલચિત્રની માફક આખું દ્રશ્ય માનસપટલમાં ખડું થઇ જાય.
મિત્રો, મારી આ વાતમાં તમે પણ સહમત થશો કે, એ જમાનામાં ભલે સાધનો ટાંચા હતા પણ દિલ વિશાળ હતા. સંવેદનાસભર હતા. એટલે જ એ જમાનામાં પંકજ ઉધાસના કંઠેથી "ચિઠ્ઠી આયી હૈ, વતનસે ચિઠઠી આયી હૈ.” ગીત વિદેશની ધરતી પર ગવાતું ત્યારે હોલમાં ઉપસ્થિત ભલભલાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહી જતા.
સ્વજનના વિયોગમાં આપણે સ્વદેશથી દૂર વસ્યા એનો વસવસો આપણને ભાવથી ભીંજવી દેતો. લાગણીના પુરમાં આપણે તણાઇ જતા. આપનામાંથી ઘણાંયે આવો સ્વાનુભવ કર્યો હશે. તમે કદાચ પત્ર લખનાર વ્યક્તિને મળ્યા કે ન મળ્યા હો પણ એના પત્રો વાંચો તો જે તે વ્યક્તિ શબ્દદેહે આપણી સમક્ષ હાજર થઇ જાય! આ વિષય અનુભૂતિ અને સંવેદનાનો છે.
પત્રોની આ મજાની વાતો વાગોળતા વાગોળતા એમ નથી થતું કે, આ પત્ર લેખન કલા પુન: જીવંત થવી જોઇએ!
-જ્યોત્સના શાહ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter