થોડા દિવસો પહેલા ટેલિવિઝન ન્યુઝ ચેનલ દ્વારા જાણ્યું કે કિંગ ચાર્લ્સ-તૃતીયના Cypher (સાંકેતિક શબ્દ)વાળું પહેલું લેટર બોક્સનું કેમ્બ્રિજનાં એક નાનકડાં ગામ ગ્રેટ કમ્બોર્નેમાં અનાવરણ કરાયું. જેના પર CR લખાયેલું છે. ગયા અઠવાડિયે અમે પરિવાર સહિત કેમ્બ્રિજ ગયેલા ત્યારે રસ્તામાં આ ગામની મુલાકાત લઇને લેટર બોક્સ જોયું અને તેના ફોટોગ્રાફ પણ લીધા હતા. આ પછી ઘેર આવીને આ વિશેષ લેટર બોક્સ વિશે થોડી માહિતી મેળવી હતી, જે અહીં ટૂંકાણમાં રજૂ
કરું છું.
લેટર બોક્સના આગમન પહેલાં ટપાલ મોકલવા માટે નાગરિકોએ પોસ્ટ ઓફિસ કે રિસિવિંગ ઓફિસમાં જવું પડતું હતું. 1840 પહેલાં ટપાલ મોકલવાની કિંમત ટપાલ પહોંચાડવાનું અંતર અને પત્રમાં કેટલાં પાનાં છે તેના આધારે નક્કી થતી હતી. 1840માં પહેલી વખત Penny Black નામે જાણીતી ટિકિટ આવી હતી. ઇંગ્લેન્ડ કરતાં પહેલાં ફ્રાન્સમાં ટપાલ પેટીની વ્યવસ્થા હતી. ઇંગ્લેન્ડમાં એક પોસ્ટ ઓફિસના કાર્યકર્તા અને જાણીતા લેખક એન્થની ટ્રોલોપ દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને હાલની જે ટપાલ પેટીઓ (ફ્રી સ્ટેન્ડીંગ) છે તે 1852માં પહેલી વખત જર્સીમાં મૂકવામાં આવી હતી. અઢારમી સદીની આખરે યુકે અને બ્રિટિશ એમ્પાયરમાં તેની સંખ્યા આશરે 33,500 હતી. હાલમાં જે લાલ કલરના લેટર બોક્સ જોવા મળે છે તે 1874થી જ્હોન પેનફોલ્ડ દ્વારા ડિઝાઈન થયેલા છે. મોટા ભાગના લેટર બોક્સ પર રોયલ સાઇફર (સાંકેતિક શબ્દ) ER જોવા મળશે. આ સાંકેતિક શબ્દનો અર્થ જોઇએ તો પહેલો અક્ષર રાજા/રાણીના નામનો પ્રથમ અક્ષર દર્શાવે છે જ્યારે Rનો મતલબ Rex થાય છે, જે લેટિન શબ્દ છે અને તેનો અર્થ કિંગ થાય છે. એ મુજબ ER એટલે ક્વીન એલિઝાબેથ. આ બધી રસપ્રદ જાણકારી મેળવ્યા પછી મારા નિવૃત જીવનમાં એક શોખનો વધારો થયો છે, હવે જ્યારે મારા રોજિંદા રુટ કરતાં બીજે ક્યાંય જવાનું થાય છે ત્યારે અનુકુળ હોય તો રસ્તામાં આવતા લેટર બોક્સને નજીકથી નિહાળીને ઇતિહાસ શીખવાની કોશિશ કરું છું.
હાલ ઈંગ્લેન્ડમાં લગભગ 11,500 ટપાલ પેટીઓ છે. જોકે હાલમાં ટપાલ મોકલવાનું ચલણ ઓછું થઈ ગયું છે, છતાં દેશમાં મોટા ભાગના સરનામાથી અડધા માઈલથી ઓછા અંતરે ટપાલ પેટી ઉપલબ્ધ છે. કોઇ વાચક મિત્રોને શોખ અને સમય હોય તો આ એક નવી ટેવ પાડીને લેટર બોક્સનું અવલોકન કરીને રાજપરિવારની માહિતી મેળવી શકે છે.
(ભાઇશ્રી મુકુંદભાઇ, આપના રસપ્રદ અને માહિતીસભર પત્ર માટે આભાર. આપ ‘ગુજરાત સમાચાર’ના નિયમિત વાચક તરીકે સમયાંતરે પત્રો લખતાં રહો છો અને આપના મંતવ્યો રજૂ કરવાની સાથોસાથ વાચકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહો છો તે બાબત પ્રશંસનીય છે. કિંગ ચાર્લ્સ-તૃતીયનું પ્રતીક ધરાવતા સૌપ્રથમ લેટર બોક્સના લોકાર્પણનો અહેવાલ ‘ગુજરાત સમાચાર’ના 20 જુલાઇ 2024ના અંકમાં પાન 9 પર પ્રકાશિત થયો હતો તેની આપે નોંધ લીધી જ હશે. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી)