લંડનઃ લેબર ઈન્ડિયન્સ દ્વારા 2024 ઈલેક્શનમાં પાર્ટીના વિજય પછી સૌપ્રથમ વખત સેન્ટ જેમ્સના તાજ 51 બકિંગહામ ગેટમાં એડવર્ડિયન 1 ખાતે ભવ્ય દિવાળી રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શનના સ્થળને પીળાં અને સુવર્ણ ગલગોટાના ફૂલો, ઝબકતી લાઈટ્સ, રંગોળી અને પ્રકાશિત દીપાવલિ વડે શણગારાયું હતું. મહિલાઓ સુંદર સાડી, લહેંગાઝ અને કૂર્તામાં સજ્જ થઈને અને પુરુષો પરંપરાગત વસ્ત્રોમાં ઉપસ્થિત થયાં હતાં. સેક્રેટરીઝ ઓફ સ્ટેટ્સ, નવા અને વર્તમાન અને પૂર્વ સાંસદો, કાઉન્સિલર્સ, એસેમ્બલી મેમ્બર્સ, લેબર ઈન્ડિયન્સના સભ્યો, વિવિધ ધાર્મિક સમૂહો, 1928 ઈન્સ્ટિટ્યૂટ, બિઝનેસમેન્સ અને બિઝનેસ સંસ્થાઓના સભ્યો, કોમ્યુનિટીઝ અને સંસ્થાઓ અગ્રણીઓ, ડાયસ્પોરાના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રોના લોકો રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. ટેબલ્સ પર ‘યુકે-ઈન્ડિયા રિલેશનશિપઃ પરસ્પેક્ટિવ ઓન એ ફ્યુચર પાર્ટનરશિપ’ પુસ્તિકા રખાઈ હતી.
લેબર ઈન્ડિયન્સના ચેરમેન ક્રિશ રાવલ OBEએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘દિવાળી પરિવાર માટેનો સમય છે અને લેબર ઈન્ડિયન્સ એક પરિવાર જ છે. આપણે વિશ્વમાં સૌથી મોટી ડાયસ્પોરા કોમ્યુનિટીનો હિસ્સો છીએ અને ડાયસ્પોરામાં બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીની ભૂમિકા યુકેમાં સહુની સમૃદ્ધિ અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ છે.’ તેમણે જણાવ્યું હતું કે આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓ તેમજ અંધકાર પર પ્રકાશના વિજયનું મહત્ત્વ રહ્યું છે. રેડબ્રીજના કાઉન્સિલર સની બ્રારે કોમ્યુનિટીની તાકાત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દિવાળી જીવનના અંધકારને દૂર કરી જીવનને પ્રકાશિત કરવાની વાત છે. સહુએ જીવનમાં વિધેયાત્મકતા ઊજવણી કરી નકારાત્મકતાને જાકારો આપવો જોઈએ.
સેક્રેટરી ઓફ હેલ્થ અને રેડબ્રીજના સાંસદ વેસ સ્ટ્રીટિંગે કોમ્યુનિટીના યોગદાનોની પ્રશંસા કરી રાજકારણ અને રાજકારણીઓમાં વિશ્વાસના નિર્માણની વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીયો, બ્રિટિશ ભારતીયોની પેઢીઓએ નેશનલ હેલ્થ સર્વિસને તેમજ આપણી હેલ્થ અને કેર સર્વિસના દરેક ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજકારણ પણ કલ્યાણ માટે બળ બની શકે છે અને દિવાળી અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. મિનિસ્ટર ફોર ફેઈથ લોર્ડ વાજિદ ખાને જરૂરિયાતના સમયમાં ધર્મ-આસ્થાના મહત્ત્વ વિશે વાત કરી હતી.
યુકે- ઈન્ડિયા પાર્ટનરશિપઃ લેબર સરકારની પ્રતિબદ્ધતા
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ લિઝ કેન્ડાલે ભારત સાથે મજબૂત સંબંધોની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સાથે નવા વ્યૂહાત્મક સંબંધો સ્થાપવા લેબર સરકાર પ્રતિબદ્ધ છે જે અમારા મેનિફેસ્ટોનો એક હિસ્સો પણ છે. બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક સંબંધો છે, ભારત યુકેમાં બીજા ક્રમનું સૌથી મોટું રોકાણકાર છે. આ ઉપરાંત, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, કળા સહિત અન્ય ક્ષેત્રોમાં પણ બંને દેશો વિશિષ્ટ સંબંધ ધરાવે છે. ભારત પાસેથી એઆઈ, ટેક, સ્પેસ, સાયન્સ અને રિસર્ચના ક્ષેત્રોમાં પણ ઘણું શીખવાનું છે.
હોમ ઓફિસમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ અને સાંસદ સીમા મલ્હોત્રાએ પણ યુકે- ઈન્ડિયા પાર્ટનરશિપની ઊજવણીની વાત કરી હતી.