લેસ્ટરઃ હાઇ માર્કેટમાં જ્વેલરીની દુકાનમાં ચાકુની અણીએ દુકાનમાં કામ કરનાર નોકરને ધમકી આપી લેસ્ટર શહેરમાં લૂંટ ચલાવનારા ગુજરાતી મૂળના બુરખાધારી ઇમ્તિયાઝ પટેલને લેસ્ટર ક્રાઉન કોર્ટે કુલ ચાર વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફટકારી હતી. ૪૨ વર્ષના ઇમ્તિયાઝે ચાકુની અણીએ લૂંટની તેમજ પોતાની પાસે ઘાતક શસ્ત્ર હોવાની કબુલાત કરી હતી. કોર્ટે તેને લૂંટ બદલ ચાર વર્ષ અને ઘાતક હથિયાર રાખવા બદલ નવ મહિનાની સજા સંભળાવી હતી.
ડિટેકટિવ કોન્સટેબલ અન્ના થોર્પેએ કહ્યું હતું કે,‘પેટ્રોલિંગ કરી રહેલી ટીમની સતર્કતા સાથે અત્યંત ઝડપી પ્રતિભાવ અને ઝડપી નિર્ણયના કારણે પટેલ ટુંક સમયમાં જ પકડાઇ ગયો હતો. લૂંટ કર્યા પછી તે ભાગી ગયો હતો, પટેલને પકડી લેવાની ટીમની ત્વરિત એકશન જોતાં પટેલે પાસે ગુનાનો એકરાર કર્યા સિવાય છુટકો જ ન હતો.’
ઇમ્તિયાઝે પટેલ ગયા મહિને લેસ્ટરના હાર્દ સમાન વિસ્તાર હાઇ માર્કેટમાં એક જ્વેલરીની દૂકાનમાં ઘુસ્યો હતો ત્યારે એણે ચહેરા પર બુરખો પહેરવા સાથે માથા પર સ્કાર્ફ બાંધ્યો હતો. તેણે આશરે ૭૦૦૦ પાઉન્ડની કિંમતની રોલેક્સ ઘડિયાળ અંગે પૂછપરછ કરી હતી પરંતુ, તેના વર્તનના કારણે સ્ટાફને તેના વિશે શંકા ગઇ હતી.
પટેલે બીજી કોઇ ઘડિયાળ જોવા માંગી ત્યારે સ્ટાફે તેને અગાઉ જોયેલી ઘડિયાળ પાછી મૂકી દેવા જણાવ્યું હતું. આ સમયે જ પટેલે ચાકુ કાઢી દુકાનના દરવાજે ઊભેલા એક નોકરને ધમકી આપી હતી. આ પછી તે ભાગી ગયો હતો. આ વખતે કારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે પટેલને ભાગતો જોતાં એની પાછળ દોડયા હતા અને પકડી લીધો હતો.