લેસ્ટરઃ શહેરના ગોલ્ડન માઈલ તરીકે જાણીતા શોપિંગ સેન્ટરમાં લાગેલી આગ ઈરાદાપૂર્વક લગાડવામાં આવી હોવાનું લેસ્ટરશાયર પોલીસ માની રહી છે. બેલ્ગ્રેવ રોડ પર આવેલા બેલ્ગ્રેવ કોમર્શિયલ સેન્ટરમાં ૬ જાન્યુઆરીને રવિવારે ૨૨.૦૦ કલાકે (GMT) લાગેલી આગને બુઝાવવામાં ૬૦થી વધુ ફાયરફાઈટર્સે ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ આગમાં કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ સેન્ટરમાં ગ્રોસર અને કપડાંની શોપ સહિતના યુનિટ્સ આવેલા છે. આગને લીધે મીર્ચ મસાલા રેસ્ટોરાંને પણ નુક્સાન થયું હતું. શહેરના કેટલાંક રસ્તા બંધ કરી દેવાયા હતા. આ સેન્ટર તેમાં આવેલી સોનું અને સાડીઓની દુકાનો તેમજ ભારતીય રેસ્ટોરાંને લીધે પ્રખ્યાત છે. મીર્ચ મસાલાના માલિક નીશા પોપટે જણાવ્યું હતું, ‘આગમાં રેસ્ટોરાંને ભારે નુક્સાન થયું તેનું ખૂબ દુઃખ છે. પરંતુ, કોઈ જાનહાનિ નથી થઈ તેનો મને આનંદ છે.’
ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર માર્ક પેરિશે જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે પોતાના મોબાઈલ ફોનમાં તેનું રેકોર્ડિંગ કરનારા લોકો સહિત સંખ્યાબંધ લોકો બેલ્ગ્રેવ રોડ પર હતા. તેમણે કોઈની પાસે સીસીટીવી અથવા ડેશકેમ ફૂટેજ હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. લેસ્ટરશાયર ફાયર અને રેસ્ક્યુ સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમણે કોંક્રિટ ફ્લોરિંગ તૂટી પડવાના અવાજ સાંભળ્યા હતા.