લેસ્ટરના કાઉન્સિલર રતીલાલ ગોવિંદના નિધનથી સમાજ અને શહેરમાં ભારે શોક અને આઘાતની લાગણી ફેલાઈ હતી. કોમ્યુનિટી માટે સતત કામ કરનારા ગોવિંદે બીમારીને લીધે તેમની ફરજમાંથી થોડા સમય માટે રજા લીધી હતી. તેમને કોમ્યુનિટી માટે ખૂબ કાર્ય કરનારા ઉમદા વ્યક્તિ ગણાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
તેઓ ૨૦૧૫થી શહેરના એવિંગ્ટન વોર્ડના લેબર કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા હતા તથા લેસ્ટર સિટી કાઉન્સિલની ઓવરવ્યૂ સિલેક્ટ કમિટીના વાઈસ ચેર તરીકે સેવા આપતા હતા. તેમણે એડલ્ટ સોશિયલ કેર સ્ક્રુટિની કમિશનની અને લાઈસન્સીંગ અને પબ્લિક સેફ્ટી કમિટીની રચના કરી હતી.
તેઓ બેલગ્રેડમાં તેઓ વર્ષોથી નેબરહૂડ વોચ અને શહેરના સમર્પિત સભ્ય હતા. તેમના નિધનના સમાચાર ટ્વીટર પર જાહેર કરાયા હતા. તેમના સહકર્મીઓ અને મિત્રોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
લેસ્ટર ઈસ્ટ લેબર ગ્રૂપે તેમના નિધનના સમાચાર આપતા જણાવ્યું હતું કે કાઉન્સિલર રતીલાલ ગોવિંદનું નિધન થયું છે. ગ્રૂપ તેમના પત્ની અને પરિવારને સાંત્વના પાઠવે છે.
બેમોન્ટ લેઝના કાઉન્સિલર હેમંત રાએ ભાટિયાએ જણાવ્યું કે તેમના સહયોગી કાઉન્સિલર રતીલાલ ગોવિંદના નિધનના સમાચાર જાણીને તેમને ભારે દુઃખ થયું છે.
લેસ્ટર ઈસ્ટના ભૂતપૂર્વ કાઉન્સિલર કિથ વાઝે જણાવ્યું કે તેમના મિત્રના નિધનથી તેમને ખૂબ દુઃખ થયું છે. તેઓ ભારતની ખૂબ તરફેણ કરતા હતા. તેમણે એવિંગ્ટનના લોકો માટે ખૂબ કામ કર્યું હતું.
એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ થોડા વર્ષ સુધી બેલ્ગ્રેવમાં પોલીસ ઓફિસર હતા ત્યારે તેમણે રતીલાલ સાથે ઘણું કામ કર્યું હતું. તેઓ ઉમદા માણસ હતા.
તેમના નિધનથી ખાલી પડેલી એવિંગ્ટનની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જોકે, તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી.