ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. સાચી વાત તો એ છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા એક સસ્તાં પણ મજબૂત શસ્ત્ર તરીકેનું કામ ખૂબ ટૂંકા સમયમાં કરે છે. કોઈ એક વ્યક્તિ કદાચ આવું વિવાદિત કથન પસાર કરે તો તે પ્રસારણ થોડાં કલાકોમાં દેશ-દુનિયામાં હજારો વ્યક્તિઓ સુધી પહોંચી જાય છે અને કોઈ કારણોસર તેમાંથી કદાચ થોડી વ્યક્તિઓ કે ગુનાહિત વૃત્તિ ધરાવતું ગ્રૂપ આવા તોફાનોમાં ભાગ હોઈ શકે. હું ઘણાં વર્ષો સુધી Race & Religion Hate Crime Panelનો સભ્ય હતો. દર મહિને લેસ્ટરશાયર પોલીસના વડાઓ સાથે આવા ગુનાઓની ચર્ચા કરવા દરેક કોમ્યુનિટી અને સંસ્થાઓના વડા આ મિટીંગમાં જોડાતા અને એ અનુભવ પરથી હું ચોક્કસ માનું છું કે આ બારામાં લોકલ પોલીસ ખૂબ સતર્ક છે અને નિયમિત રીતે તેવી જુદી જુદી સંસ્થાના સંપર્કમાં રહે છે.
હાલની વાત કરીએ તો મારા અભિપ્રાય મુજબ લેસ્ટરમાં કોઈ પ્રકારનું ધાર્મિક કે જાતીય ટેન્શન નથી અને લેસ્ટરના નાગરિકો શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ગયા વર્ષના તોફાનોને કદાચ ચાના કપમાંનું તોફાન કહી શકાય, પરંતુ મીડિયાએ તેને વધારે પડતું મહત્ત્વ આપીને દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. જે પ્રમાણે નેશનલ પેપર્સ અને વિદેશી ટેલીવિઝન ચેનલોએ આ મુદ્દાને હાઇજેક કરેલો તે અતિશયોક્તિપૂર્ણ હતું તેમ કહી શકાય.