લેસ્ટરઃ લગભગ એક મહિનાથી લાપતા બનેલા ગુજરાતી મૂળના ૪૮ વર્ષીય પરેશ પટેલનો મૃતદેહ લેસ્ટર સિટીની કેનાલ પાસે મળી આવતા ભારે ચકચાર જામી હતી. તેઓ શનિવાર, દસમી નવેમ્બરે છેલ્લી વખત લેસ્ટરના બેલગ્રેવ રોડ પર ચાલતાં જતાં દેખાયા હતા. તેમના પરિવારે આદરેલાં શોધ અભિયાનમાં સ્થાનિક કોમ્યુનિટીના આશરે ૫૦૦ સભ્ય પણ જોડાયા હતા. પટેલનો મૃતદેહ હાથ લાગ્યા પછી લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ મોતને શંકાસ્પદ ગણતા નથી.
લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહની ઓળખ ૪૮ વર્ષીય પરેશ પટેલ તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ કરાયા પછી વધુ પરીક્ષણો પણ કરાઈ રહ્યાં છે. પટેલના મૃત્યુ સંદર્ભે ઈન્ક્વેસ્ટ હાથ ધરાશે, જેના પરિણામે મૃત્યુનું કારણ અને સંજોગો જાણવામાં મદદ મળશે. લેસ્ટરશાયર પોલીસ દ્વારા ઓળખ પછી પટેલના પરિવારે સત્તાવાળાઓનો આભાર માનતું નિવેદન જારી કર્યું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે, ‘ખૂબ ભારે હૃદયે અમારે જણાવવું પડે છે કે અમારા પુત્ર, પતિ, પિતા, ભાઈ, ભત્રીજા, પિતરાઈ મઅને મિત્ર પરેશને અમારી પાસેથી છીનવી લેવાયો છે. પરેશને શોધવામાં કિંમતી સમયની મદદ કરનારા તમામનો અમે આભાર માનીએ છીએ.’
પરેશ પટેલનું અચાનક ચાલ્યા જવું અસ્વાભાવિક હતું અને તેઓ દવાઓ પણ સાથે લઈ ગયા ન હોવાથી ચિંતા વધી હતી. પટેલના પત્ની કલ્પનાએ ખૂબ લાગણીસભર વિનંતી કરી તેમને ઘરે પરત આવવા વીડિયો જારી કર્યો હતો. કલ્પના પટેલે જણાવ્યું હતું કે,‘ તમારા વિશે દરેક ચિંતા કરી રહ્યા છે. આપણા પુત્રો તમારા વિશે પૂછી રહ્યા છે અને તમને ફોન કરવા કે સંદેશા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારી માતા કલ્પાંત કરે છે. તેમને કેવી રીતે શાંત કરવા શું સધિયારો આપવો તે મને સમજાતું નથી.’
તેમના બે પુત્રો ૧૨ વર્ષના કિયાન અને નવ વર્ષના હર્ષલે પણ પિતાની શોધ કરવા ‘ઘરે પરત આવો, પપ્પા’ના બેનર સાથે વોક કરી હતી. પટેલને શોધવા માટે ગુજરાતી સમુદાયના આશરે ૫૦૦ લોકો પણ પરિવાર સાથે અભિયાનમાં જોડાયા હતા. વોક દરમિયાન પણ પટેલના પરિવારે વોકમાં સામેલ થનારા સહુનો આભાર માન્યો હતો અને સહુને પટેલ માટે કેવી સાચી લાગણી હતી તેમ પણ જણાવ્યું હતું. પરેશ પટેલને શોધવાના અભિયાનના ભાગરુપે પોલીસે સ્થાનિક રહેવાસીઓ અને બિઝનેસીસની મુલાકાત તેમજ હજારો પત્રિકાઓ અને પોસ્ટર્સ વહેંચવા વધારાના લોકોને કામે લગાડ્યા હતા. તેમનો મૃતદેહ શુક્રવાર, ૩૦ નવેમ્બરની સવારે એબી પાર્કની કેનાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. (૩૮૩)