લેસ્ટરઃ બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેની ટ્રાયલ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ચાલી રહી છે. આ મનીલોન્ડરિંગ કેસમાં ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સના ૫૫ વર્ષીય ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ ચૌહાણ, તેમના બાવન વર્ષીય પત્ની મૌસમી ચૌહાણ, ૪૦ વર્ષીય ભાવેશ શુક્લા અને તેના પત્ની જિજ્ઞાસા તેમજ પંકજ દેવગી સંડોવાયા છે. વૈભવશાળી જીવન ધરાવતા પાંચ આરોપીઓ પર આશરે ૧૧ મિલિયન પાઉન્ડની રકમો ગેરકાયદે ભારત અને હોંગકોંગ મોકલવાનો આરોપ છે. પાંચેય અપરાધીએ જાન્યુઆરી ૨૦૧૧થી માર્ચ ૨૦૧૬ના સમયગાળામાં ક્રિમિનલ પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યાના આરોપોને નકાર્યાં છે. યોગેન્દ્રસિંહ ચૌહાણ અને ભાવેશ શુક્લાએ ૬૨, વેસ્ટબોર્ન સ્ટ્રીટ ખાતેની પ્રોપર્ટી ખરીદવા સંદર્ભે ક્રિમિનલ પ્રોપર્ટી કન્વર્ટ કરવાના કાવતરામાં સંડોવણીને નકારી હતી. અગાઉ આ લોકો કદી દોષિત સાબિત થયા નથી.
પ્રોસીક્યુશને દાવો કર્યો હતો કે ૧૧ મિલિયન પાઉન્ડ જેટલા બિનહિસાબી નાણાને અસ્તિત્વ નહિ ધરાવતા અનેક ગ્રાહકો દ્વારા અપાયેલી રસીદો અને બનાવટી ઈનવોઈસીસના આધારે સાચા મની ટ્રાન્સફર બ્યુરો (MSB)ના નંબર સાથે પ્રોસેસ કરાયા હતા. એવો પણ આરોપ મૂકાયો છે કે હોંગકોંગ અને ભારતમાં ટ્રાન્સફર કરવા અગાઉ બિનહિસાબી નાણાને બોગસ દસ્તાવેજો સાથે હિસાબી ચોપડાઓમાં દર્શાવી તેને કાનૂની સ્વરુપ અપાયું હતું. વેસ્ટર્ન યુનિયન સહિત મની ટ્રાન્સફર બિઝનેસીસે અજાણતા જ આટલી મોટી રકમ વિદેશ ભેગી કરવામાં મદદ કરી હતી.
જ્યૂરી સમક્ષ એમ પણ કહેવાયું હતું કે લેસ્ટરના અગાસી સાથેના મકાનમાંથી લાખો પાઉન્ડની રકમ પોસ્ટ ઓફિસની વાન મારફત લઈ જવાતી હતી. શરૂઆતમાં પોસ્ટ વાન દર સપ્તાહે એક વખત રોકડ રકમ લેવા આવશે તેવી વ્યવસ્થા થઈ હતી પરંતુ, ચોઈસ મની ટ્રાન્સફર લિમિટેડની વિનંતીથી સપ્તાહમાં ત્રણ વખત રકમ લેવાતી હતી, જેમાં એક પાઉચમાં મહત્તમ ૨૫,૦૦૦ પાઉન્ડ લેવાતા હતા. ઓક્ટોબર ૧૩, ૨૦૧૪થી માર્ચ ૭, ૨૦૧૬ના ગાળામાં ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સ પાસેથી ૬,૦૩૭,૩૩૦ પાઉન્ડની રકમ એકત્ર કરી ચોઈસ મની ટ્રાન્સફર લિમિટેડમાં ડિપોઝીટ કરાઈ હતી. આ રકમ પાંચ કંપનીઓમાં ટ્રાન્સફર થઈ હતી.
આ ઉપરાંત, અન્ય કાયદેસર ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર કંપનીએ ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સ વતી ૪,૭૭૪,૩૩૯ પાઉન્ડ ટ્રાન્સફર કર્યાં હતાં. વધુ એક કંપનીએ ૫૦ પેમેન્ટ વ્યવહારોમાં ૧,૬૫૦,૮૩૫ પાઉન્ડનું પ્રોસેસિંગ કર્યું હતં તો બીજી કંપનીએ અન્યત્ર ૪૭૨,૫૪૩ પાઉન્ડ ડિપોઝીટ કરાવ્યા હતા.
અગાઉ, ટ્રાયલમાં પ્રોસીક્યુટર મિશેલ હિલી QCએ જ્યૂરીને જણાવ્યું હતું કે આ નાણા કયા ગુનાઈત એકમ પાસેથી આવ્યા તે કહી શકાતું નથી પરંતુ, રકમનું પ્રમાણ અને તેને છુપાવવાના પ્રયાસ પરથી એટલું કહી શકાય કે ગુનાખોરીના નાણાનું મની લોન્ડરિંગ કરાતું હતું. મની ટ્રાન્સફરના નાના બિઝનેસ સાથે પાર્સલ બિઝનેસ પણ ચલાવતી કંપની ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સ પર પોલીસના દરોડામાં સંખ્યાબંધ દસ્તાવેજો મળી આવ્યા હતા. ઘરમાંથી નાણાની ગણતરી કરવાના મશીન તેમજ રોકડની જથ્થાબંધ રસીદો મળી આવી હતી. સંખ્યાબંધ લોકો તેમના બિઝનેસ પર નાણા જમા કરાવવા અને ટ્રાન્સફર કરાવવા આવતા હોવાની દલીલ તેમના સીસીટીવી ફૂટેજીસ સાથે જરા પણ મેળ ખાતી ન હતી. ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સની કામગીરી તદ્દન અપ્રામાણિક હતી પરંતુ, કાયદેસર હોવાના દેખાવ માટે પેપરવર્ક બરાબર કરાતું હતું. તેની વાસ્તવિક કામગીરી ગુનેગારો પાસેથી આવતા નાણાને કાયદેસર સ્વરુપ આપવાની હતી.
પ્રોસીક્યુટર હિલીએ જણાવ્યું હતું કે યોગેન્દ્રસિંહ ચૌહાણ અને તેમના પત્ની મૌસમીની જીવનશૈલી ભારે વૈભવી હતી. ગેરકાયદે નાણાનો ઉપયોગ કિંમતી જ્વેલરી, ગોલ્ડ બાર્સ, વિદેશમાં ભારે ખર્ચાળ વેકેશનના પ્રવાસો પાછળ પણ કરાતો હતો. ચૌહાણના બેન્કખાતામાંથી બે વર્ષમાં ૧.૫ મિલિયન પાઉન્ડના વ્યવહારો થયાં હતાં પરંતુ, તે ગાળામાં તેની જાહેર કરાયેલી આવક માત્ર ૩૫,૦૦૦ પાઉન્ડ જેટલી જ હતી. વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડથી ઓછી સંયુક્ત આવક ધરાવતાં ભાવેશ અને જિજ્ઞાસાના ઘરમાંથી ૧૩,૦૦૦ પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા. શુક્લા દંપતીએ ૬૨, વેસ્ટબોર્ન સ્ટ્રીટ ખાતેની પ્રોપર્ટી ખરીદવા ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલી ડિપોઝીટ પણ આપી હતી. આ મકાનનો સાચો માલિક યોગેન્દ્રસિંહ છે પરંતુ, નાણાને કાયદેસર બનાવવા શુક્લા દંપતીના નામે ખરીદાયું હોવાનું પ્રોસીક્યુશન દ્વારા કહેવાયું છે.